<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

અબુ ધાબીની હોસ્પિટલમાં ઘાયલ ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મછારની તબિયતમાં સુધારો : યુએઈમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે કરી મુલાકાત

'સ્મિત કરી રહ્યા છે અને વાતો કરી રહ્યા છે કેપ્ટન' : ફ્લાયદુબઈ પ્લેન હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પાયલોટ ખતરાની બહાર હોવાની ભારતીય દૂતાવાસે આપી સત્તાવાર માહિતી

અબુ ધાબી:દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ ફ્લાઈટમાં ઓમાની કો-પાયલોટના જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મછારની તબિયતમાં હવે ઝડપથી સુધારો થઈ રહ્યો છે. યુએઈ (UAE) સ્થિત ભારતના રાજદૂત દીપક મિત્તલે ગુરુવારે અબુ ધાબીની હોસ્પિટલ પહોંચીને કેપ્ટન મછાર અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.

મુલાકાત બાદ ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગંભીર રીતે ઘવાયેલા હોવા છતાં કેપ્ટન સ્મિત મછાર હવે સંપૂર્ણપણે ખતરાની બહાર છે, સ્મિત કરી રહ્યા છે અને વાતચીત કરી રહ્યા છે. તેઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે. તેમની શ્રેષ્ઠ તબીબી સંભાળ અને સારવાર સુનિશ્ચિત કરવા માટે દૂતાવાસ સ્થાનિક યુએઈ સત્તાધીશો સાથે સતત સંપર્કમાં છે. દુબઈ સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલે પણ રાહત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાજદૂતની મુલાકાત વખતે કેપ્ટન ખુલીને વાતો કરી રહ્યા હતા અને હસી રહ્યા હતા, જે તેમના પરિવાર અને સમગ્ર દેશ માટે મોટા આશ્વાસનની બાબત છે.

સાહસિક ઘટનાક્રમ અને ઇમરજન્સી લેન્ડિંગ:
નોંધનીય છે કે, દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં ઓમાનના કો-પાયલોટે વિમાનને ક્રેશ કરાવવાના ઈરાદા સાથે પાયલોટ-ઈન-કમાન્ડ કેપ્ટન સ્મિત મછાર પર છરી વડે તીક્ષ્ણ હુમલા કર્યા હતા. અત્યંત ગંભીર રીતે લોહીલુહાણ થવા છતાં કેપ્ટન મછારે અદભુત સાહસ દાખવીને કોકપિટનો ઈમરજન્સી દરવાજો ખોલી નાખ્યો હતો.
ત્યારબાદ વિમાનમાં સવાર ત્રણ ઈઝરાયેલી મુસાફરો અને કેબિન ક્રૂએ તુરંત કોકપિટમાં પ્રવેશીને હુમલાખોર કો-પાયલોટને દબોચી લીધો હતો. આ દરમિયાન ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલા બે ઓફ-ડ્યુટી પાયલોટોએ પ્લેનનું નિયંત્રણ સંભાળી લીધું હતું અને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

અબુ ધાબી એરલિફ્ટ અને તપાસ:
સાઉદી અરેબિયામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગુરુવારે કેપ્ટન સ્મિત મછારને એરલિફ્ટ કરીને અબુ ધાબી ખસેડવામાં આવ્યા હતા. હાલમાં આરોપી ઓમાની કો-પાયલોટની કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેના અસલી ગુનાહિત હેતુની જાણકારી મેળવવા સાઉદી અરેબિયા તથા યુએઈની તપાસ એજન્સીઓ સંયુક્ત રીતે તપાસ ચલાવી રહી છે.

(10:31 PM IST)