<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

મોંઘવારીનો માર: જૂનમાં ખાવાની થાળીઓ થઈ ગઈ મોંઘી : ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ટામેટાં, ડુંગળી અને ખાદ્યતેલના ભડકે બળતા ભાવને કારણે શાકાહારી અને માંસાહારી થાળી પાંચ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી

અમદાવાદ: સામાન્ય માણસના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક મોટો પ્રહાર થયો છે. જૂન 2026માં સામાન્ય જનતા માટે ઘરે રાંધેલું ભોજન કરવું પણ મોંઘું સાબિત થયું છે. CRISIL ઇન્ટેલિજન્સના તાજા અહેવાલ અનુસાર, ટામેટાં, ડુંગળી, ખાદ્ય તેલ અને LPG સિલિન્ડરના ભાવમાં થયેલા અસાધારણ વધારાને કારણે રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે, જેના લીધે જૂન મહિનામાં શાકાહારી અને માંસાહારી બંને થાળીઓની કિંમતો પાંચ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે.

આંકડાકીય વિગતો મુજબ, શાકાહારી થાળીની કિંમત મે મહિનાના ₹27.4થી 4% વધીને જૂનમાં ₹28.4 થઈ ગઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 5% નો વધારો દર્શાવે છે. આવી જ રીતે માંસાહારી થાળી પણ મે મહિનાના ₹56.5થી 3% વધીને જૂનમાં ₹58.2 પર પહોંચી ગઈ છે. આ વધારા પાછળ મુખ્યત્વે ટામેટાના ભાવ જવાબદાર છે, જે વાર્ષિક ધોરણે 31% વધીને ₹42 પ્રતિ કિલો થઈ ગયા છે, કારણ કે ફેબ્રુઆરી-માર્ચની ભારે ગરમીના લીધે પાકને મોટું નુકસાન થયું હતું.

બીજી તરફ, ડુંગળીના ભાવમાં વાર્ષિક 2% અને ખાદ્ય તેલ તેમજ LPGમાં પશ્ચિમ એશિયાના તણાવને કારણે પુરવઠો ખોરવાતા 10% નો જંગી વધારો ઝીંકાયો છે. માંસાહારી થાળી મોંઘી થવા પાછળ બ્રોઇલર ચિકનના ભાવમાં આવેલો 7% નો ઉછાળો મુખ્ય કારણ છે, જે ગરમીના કારણે મર્યાદિત પુરવઠાને લીધે વધ્યો હતો. જો કે, બટાકાના ભાવમાં તાજા રવિ પાકના લીધે 14% નો ઘટાડો નોંધાતા ગ્રાહકોને થોડી રાહત મળી હતી, છતાં એકંદર ખાદ્ય મોંઘવારીએ થાળીનો સ્વાદ બગાડી નાખ્યો છે.

(10:53 PM IST)