તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
સિંધુનું પાણી બન્યું ભારતનું ચક્રવ્યૂહ: નદી પર બંધાતા ડેમથી ઇસ્લામાબાદમાં ફફડાટ
કર્નલ રૈનાએ કહ્યું- "આપણે પાકિસ્તાનની જીવનનસ દબાવી દીધી છે": લદ્દાખમાં ભારતે શરૂ કરેલા 'સિંધુ જળ સમૃદ્ધિ અભિયાન' હેઠળ પ્રથમ રોક ચેક ડેમનું ઉદ્ઘાટન થતાં જ સરહદ પાર ખળભળાટ

લેહ : વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા લદ્દાખની ધરતી પરથી ભારતે એક એવો માસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે, જેના પડઘાએ ઇસ્લામાબાદથી લઈને રાવલપિંડી સુધીના પાકિસ્તાની શાસકો અને સૈન્ય આકાઓની ઊંઘ હરામ કરી દીધી છે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા લેહમાં સિંધુ નદી પરના સૌપ્રથમ 'રોક ચેક ડેમ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પગલાંને ભારતની રક્ષણાત્મક મુદ્રામાંથી આક્રમક અને આત્મનિર્ભર જળ નીતિ તરફનું મોટું પ્રયાણ માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની રગેરગથી વાકેફ સંરક્ષણ નિષ્ણાત કર્નલ અજય રૈનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે સનસનાટીપૂર્ણ દાવો કરતા લખ્યું છે કે, "ભારતે પાકિસ્તાનના સૌથી નબળા દુખાવા પર હાથ મૂક્યો છે. સિંધુ નદી પાકિસ્તાનનું ગળું છે અને ભારતે હવે તે નસ બરાબરની દબાવી દીધી છે."
ભૂગોળ અને ઇતિહાસના સમીકરણો સ્પષ્ટ કરતા કર્નલ રૈનાએ ઉમેર્યું કે, સિંધુ નદી લદ્દાખમાંથી વહીને પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાન તરફ જાય છે. પાકિસ્તાન એક એવો લાચાર દેશ છે જેની ખેતી, અર્થતંત્ર, પીવાનું પાણી અને વીજળી સંપૂર્ણપણે સિંધુ અને તેની ઉપનદીઓ પર નિર્ભર છે. અત્યાર સુધી એક જવાબદાર રાષ્ટ્ર તરીકે ભારતે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને યુદ્ધવિરામના ઉલ્લંઘનો સહન કરીને પણ 'સિંધુ જળ સંધિ'નું ઈમાનદારીથી પાલન કર્યું છે. પરંતુ હવે નવી દિલ્હીનું વલણ બદલાયું છે. જો ભારત ભવિષ્યમાં આ નદી પર ડાયવર્ઝન ટનલ અને મોટા કોંક્રિટ બંધ બનાવીને પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે વાળી લેશે, તો એક પણ ગોળી ચલાવ્યા વિના પાકિસ્તાનીઓ પાણીના ટીપે-ટીપા માટે તરસશે અને દેશ કાયમ માટે કંગાળ થઈ જશે.
લદ્દાખ વહીવટીતંત્રનું આ ક્રાંતિકારી પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'થ્રી-સી' વિઝન (શૂન્ય કાર્બન, કનેક્ટિવિટી અને સંઘર્ષમુક્ત) પર આધારિત છે. આ પરંપરાગત બંધ નથી જેમાં સિમેન્ટ-કોંક્રિટનો ઉપયોગ કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવે, પરંતુ સ્થાનિક પથ્થરો અને કાટમાળથી બનેલો ઇકો-ફ્રેન્ડલી રોક ચેક ડેમ છે, જે કુદરતી પ્રવાહને રોક્યા વિના ભૂગર્ભજળનું સ્તર ઊંચું લાવશે. જ્યારે લદ્દાખના સરહદી વિસ્તારોના ખેડૂતો આ પાણીથી સમૃદ્ધ થશે, ત્યારે પાકિસ્તાનના કબજા હેઠળના અને ગરીબી-ભૂખમરાથી પીડાતા ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોમાં પાકિસ્તાની શાસકો વિરુદ્ધ બળવાની આગ વધુ ભડકશે. ભારતનો આ નવો મિજાજ સાબિત કરે છે કે તે પોતાની સરહદોમાં વહેતા પાણીના એક-એક ટીપાનો ઉપયોગ હવે માત્ર પોતાના જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિકાસ માટે જ કરશે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
