તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
મેક્સિકોના ઐતિહાસિક પિરામિડ પર માથાભારે શખ્સનો આડેધડ ગોળીબાર: કેનેડિયન પ્રવાસીનું મોત, આગામી ફૂટબોલ વર્લ્ડ કપની સુરક્ષા પર ઉભા થયા મોટા સવાલ
અમેરિકાના નરસંહારથી પ્રેરિત હુમલાખોરે પિરામિડની ટોચ પરથી વરસાવી ગોળીઓ; બાળકો સહિત 13 ઘાયલ, મેક્સિકો સરકારે વૈશ્વિક ટૂર્નામેન્ટ માટે સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો

મેક્સિકો સિટી, તા.23: મેક્સિકોના જગપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ટિયોતિહુઆકન (Teotihuacan) પિરામિડ સંકુલમાં સર્જાયેલી લોહિયાળ ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. એક 27 વર્ષીય બંદૂકધારી યુવકે પિરામિડની ટોચ પર ચઢીને પ્રવાસીઓ અને સુરક્ષાકર્મીઓ પર 14 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ ભીષણ હુમલામાં એક કેનેડિયન પ્રવાસીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે હુમલાખોરે અંતે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
તપાસ દરમિયાન હુમલાખોરના બેકપેકમાંથી અત્યંત ચોંકાવનારી વિગતો મળી આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલાખોર અમેરિકાના 1999ના કુખ્યાત 'કોલમ્બાઇન સ્કૂલ શૂટિંગ'થી પ્રભાવિત હતો અને તેના સામાનમાંથી હિંસક સાહિત્ય તેમજ ચપ્પુ મળી આવ્યા છે. આ હુમલામાં રશિયા, બ્રાઝિલ અને અમેરિકા સહિતના વિવિધ દેશોના 13 પ્રવાસીઓ ઘાયલ થયા છે, જેમાં 6 અને 13 વર્ષના નિર્દોષ બાળકોનો પણ સમાવેશ થાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોર ગોળીબાર કરતી વખતે કોલમ્બાઇન હત્યાકાંડનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જે તેના માનસિક સંતુલન અને પૂર્વઆયોજિત કાવતરા તરફ ઈશારો કરે છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે મેક્સિકો આગામી 11 જૂનથી શરૂ થનારા ફિફા (FIFA) વર્લ્ડ કપના યજમાન તરીકેની તૈયારીઓ કરી રહ્યું છે. પ્રવાસી સ્થળ પર થયેલા આ હુમલા બાદ વર્લ્ડ કપની સુરક્ષા અંગે ચિંતાઓ વધી છે. જોકે, મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે વિશ્વભરના ફૂટબોલ ચાહકોને ખાતરી આપી છે કે આ એકલદોકલ અને માનસિક રીતે અસ્થિર વ્યક્તિનું કૃત્ય હતું. તેમણે વર્લ્ડ કપ દરમિયાન અભેદ્ય સુરક્ષા વ્યવસ્થાની પ્રતિજ્ઞા લીધી છે અને તમામ પ્રવાસન સ્થળો પર નેશનલ ગાર્ડની તૈનાતી વધારવાની જાહેરાત કરી છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
