તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Sunday, 26th April 2026
અમેરિકી રાષ્ટ્રપ્રમુખના કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબારથી સનસનાટી: ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાના પ્રયાસ વચ્ચે સીક્રેટ સર્વિસે રક્ષણ પૂરું પાડી ઉગાર્યા
વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર લોહીલુહાણ થતા રહી ગયું, ગોળીઓના ગુંજારવ વચ્ચે મેલાનિયા ટ્રમ્પ અને મહાનુભાવોમાં ભારે નાસભાગ, સુરક્ષા એજન્ટોએ રાષ્ટ્રપ્રમુખને સુરક્ષિત સ્થળે ખસેડ્યા અને હુમલાખોરને દબોચી લીધો

વોશિંગ્ટન : અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં શનિવારની રાત્રિએ હાઈ-પ્રોફાઈલ ડિનર દરમિયાન ગોળીબારની ઘટનાએ સમગ્ર વિશ્વમાં હડકંપ મચાવી દીધો છે. વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનરના ભવ્ય કાર્યક્રમમાં જ્યારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેજ પર હાજર હતા, ત્યારે અચાનક જોરદાર ધડાકા અને અવાજ સંભળાતા માહોલ તંગ બની ગયો હતો. સુરક્ષાના અગ્રિમ હરોળના એજન્ટોએ પળવારમાં જ સ્થિતિ પારખી લીધી અને ડોનાલ્ડ ટ્રમ્પ તથા ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પને સુરક્ષિત કવચ પૂરું પાડી સ્ટેજ પરથી તુરંત હટાવી દીધા હતા. સુરક્ષા દળોએ ત્વરિત કાર્યવાહી કરી હુમલાખોરને ઘટનાસ્થળેથી જ પકડી પાડ્યો હતો.
આ ભયાનક અનુભવ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ ખરેખર એક અકલ્પનીય ઘટના હતી. તેમણે સુરક્ષા એજન્સીઓ અને પોલીસની બહાદુરીના વખાણ કરતા કહ્યું કે તેમની સમયસૂચકતાને કારણે હુમલાખોર જેલમાં છે. ટ્રમ્પે તો કાર્યક્રમ ચાલુ રાખવાની તૈયારી બતાવી હતી, પરંતુ સુરક્ષાના કારણોસર પ્રોટોકોલ મુજબ તમામ ઉચ્ચ અધિકારીઓને હોટલના બોલરૂમમાંથી સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ હંગામાને પગલે થોડા સમય માટે હોટલ પરિસરમાં અફરાતફરી અને ભયનો માહોલ છવાયો હતો.
સમાચાર એજન્સીઓના રિપોર્ટ મુજબ, હોટલના બોલરૂમ પાસે થયેલા આ હોબાળાએ અમેરિકાની હાઈ-સિક્યોરિટી ગણાતી ઇવેન્ટ્સમાં ગાબડા પાડ્યા હોય તેવું લાગી રહ્યું છે. જે સમયે ગોળીબાર થયો તે સમયે અનેક વરિષ્ઠ પત્રકારો અને વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ ત્યાં હાજર હતા. સદનસીબે આ હુમલામાં કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી, પરંતુ રાષ્ટ્રપ્રમુખની સુરક્ષા સામે ઉઠેલા સવાલોએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાડી દીધી છે. હાલમાં એજન્સીઓ હુમલાખોરની પૂછપરછ કરી રહી છે અને આ પાછળના કોઈ મોટા કાવતરાની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
