<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

તુર્કીયેમાં રોસ્ટોરન્ટમાં અંધાધૂંધ ફાયરિંગ: 4 લોકોના મોત

મર્સિનથી લગભગ 40 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં આવેલા ટાર્સસ વિસ્તારમાં હુમલાખોર એક રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો

તુર્કીયેના દક્ષિણ ભાગમાં આવેલા મર્સિન પ્રાંતમાં સોમવારે થયેલી અંધાધૂંધ ગોળીબારમાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે આઠથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ આ હુમલો 17 વર્ષના એક કિશોરે કર્યો હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો.

આ ઘટના મર્સિનથી લગભગ 40 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં આવેલા ટાર્સસ વિસ્તારમાં બની. હુમલાખોર એક રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયો હતો અને ત્યાં અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. ઘટનાસ્થળે જ બે લોકોનાં મોત થયા હતા. ત્યારબાદ આરોપી કારમાં ભાગતા ભાગતા રસ્તામાં વધુ બે લોકોને ગોળી મારી હતી, જેના કારણે તેમનું પણ મોત થયું હતું. ગોળીબારમાં ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં મૃતકો અને ઘાયલોની સત્તાવાર ઓળખ જાહેર કરવામાં આવી નથી, જો કે હુમલાખોર પાસે શોટગન હોવાની ચર્ચાઓ છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા દળો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આરોપીની શોધ માટે વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરની મદદથી સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે હુમલાખોર સ્થાનિક રહેવાસી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેની ઓળખ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મળી ગઈ છે. અહેવાલો મુજબ છેલ્લા કેટલાક સમયથી તુર્કીયેમાં કિશોરો દ્વારા ગોળીબારની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. લગભગ એક મહિના પહેલા પણ બે અલગ-અલગ ઘટનાઓમાં 10 લોકોના મોત થયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા. હાલ પોલીસે હુમલાના કારણો અને આરોપીની ધરપકડ માટે તપાસ તેજ કરી છે.

(12:55 AM IST)