News of Friday, 1st May 2026
કોલકાતાથી પુણે જતી ફ્લાઇટમાં મહિલા મુસાફર અચાનક બેભાન થતા ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
મેડિકલ ઇમરજન્સી સર્જાતા પાયલોટે રાયપુરમાં વિમાન ઉતાર્યું : એરપોર્ટ પર એમ્બ્યુલન્સ અને તબીબોની ટીમ તૈનાત રાખી જીવ બચાવાયો

......
રાયપુર: કોલકાતાથી પુણે જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-135માં આજે મધરાકાશે ગભરાટ ફેલાયો હતો. મુસાફરી દરમિયાન એક મહિલા મુસાફર અચાનક બેભાન થઈ જતાં વિમાનમાં તબીબી કટોકટી સર્જાઈ હતી. ફ્લાઇટ ક્રૂએ સમયસૂચકતા વાપરી તુરંત રાયપુર એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક સાધ્યો અને બપોરે ૧૨ વાગ્યે સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
વિમાન ઉતરાણ કરતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા મહિલાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. મહિલાની ગંભીર હાલતને જોતા રનવે પર જ તૈયાર રાખવામાં આવેલી એમ્બ્યુલન્સ દ્વારા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સફળ ઓપરેશન બાદ અન્ય મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વિમાને તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી બપોરે ૧ વાગ્યે પુણે તરફ ફરી ઉડાન ભરી હતી.
હાલમાં વિમાન સુરક્ષાને લઈને અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં દિલ્હી એરપોર્ટ પર ઝુરિચ જતી ફ્લાઇટમાં એન્જિનની ખામી અને બે વિમાનોની પાંખો અથડાવાની ઘટનાઓ બાદ એરલાઇન્સની સતર્કતા પર સવાલો ઉઠ્યા હતા. જોકે, રાયપુરની આ ઘટનામાં ક્રૂ મેમ્બર્સની સતર્કતાએ એક માનવીય જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
