<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

દુશ્મનની સબમરીનો માટે કાળ બનશે સ્વદેશી યુદ્ધજહાજ 'INS માંગરોળ': ભારતીય નૌસેનામાં વિધિવત સામેલ, જાણો શું છે તેની અદ્યતન તાકાત અને વિશેષતાઓ!

મુંબઈ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં ત્રીજું ASW SWC યુદ્ધજહાજ દેશને સમર્પિત: ગુજરાતના ઐતિહાસિક માંગરોળ બંદર પરથી રખાયું નામ; ૮૦ ટકાથી વધુ સ્વદેશી સામગ્રીથી સજ્જ જહાજ દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો કરશે

મુંબઈ, તા.૧૨: ભારતીય નૌસેનાની તાકાતમાં વધુ એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. મુંબઈ ખાતે આયોજિત એક વિશેષ અને ભવ્ય કમિશનિંગ સમારોહમાં દેશના ત્રીજા એન્ટી-સબમરીન વોરફેર સેલો વોટર ક્રાફ્ટ (ASW SWC) 'INS માંગરોળ' ને ભારતીય નૌસેનામાં વિધિવત રીતે સામેલ કરવામાં આવ્યું છે. કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા નિર્મિત આ અત્યાધુનિક સ્વદેશી યુદ્ધજહાજ છીછરા અને દરિયાકાંઠાના પાણીમાં દુશ્મનની સબમરીનોની ચોક્કસ શોધ કરીને તેને નષ્ટ કરવામાં સંપૂર્ણપણે સક્ષમ છે. આ ભવ્ય સમારોહની અધ્યક્ષતા વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, વાઇસ એડમિરલ સંજય વત્સાયને કરી હતી.

આ યુદ્ધજહાજની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનું નિર્માણ ૮૦ ટકાથી વધુ સ્વદેશી સામગ્રી અને ભારતીય ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. બદલાતા દરિયાઈ સુરક્ષાના પરિદ્રશ્ય અને સમુદ્રની અંદર વધી રહેલા સંભવિત ખતરાઓને ધ્યાનમાં રાખીને 'INS માંગરોળ' નું આગમન ભારતીય નૌકાદળની ક્ષમતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ જહાજના સમાવેશથી દેશના મહત્વપૂર્ણ બંદરો, દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષા વધશે અને મોટા નૌસૈન્ય બેડાના સૈન્ય અભિયાનમાં પણ મોટી મદદ મળશે.

નોંધનીય છે કે, આ યુદ્ધજહાજનું નામકરણ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ દરિયાકાંઠા અને મત્સ્ય બંદર શહેર 'માંગરોળ' ના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ નવું જહાજ અગાઉના પૂર્વવર્તી 'INS માંગરોળ (M85)' ની ગૌરવશાળી વિરાસતને આગળ ધપાવે છે, જે એક માઈન સ્વીપર જહાજ હતું અને તેણે એપ્રિલ ૨૦૦૪ સુધી નૌસેનામાં પોતાની શાનદાર સેવાઓ આપી હતી. પોતાના જૂના નૌસૈન્ય જહાજોની ઐતિહાસિક વિરાસતને જાળવી રાખવાની ભારતીય નૌસેનાની પરંપરા મુજબ જ આ નામ રાખવામાં આવ્યું છે.

ક્ષમતાઓ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ INS માંગરોળ અત્યંત ઘાતક છે. તે ત્રણ શક્તિશાળી ડીઝલ એન્જિનથી સંચાલિત થાય છે, જેના કારણે તે છીછરા પાણીમાં પણ ખૂબ ઝડપી ગતિ અને ઉત્કૃષ્ટ ગતિશીલતા (Maneuverability) સાથે કામ કરી શકે છે. આ જહાજ 'અભય' હલ-માઉન્ટેડ સોનાર, હળવા ટોર્પિડો, સ્વદેશી એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર અને 'મારીચ' એડવાન્સ્ડ ટોર્પિડો ડિસઓય સિસ્ટમથી સજ્જ છે. દુશ્મનની પનડૂબીઓનો ખાતમો બોલાવવા ઉપરાંત તે પાણીની અંદર સતત નિરીક્ષણ રાખવા, ઓછી તીવ્રતા વાળા દરિયાઈ અભિયાનો અને માઈન વોરફેર જેવા મહત્વપૂર્ણ કામગીરીઓ માટે પણ સક્ષમ છે.

(4:48 PM IST)