News of Wednesday, 2nd September 2026
કિર્ગિસ્તાનમાં વિશ્વ નોમડ ગેમ્સ ૨૦૨૬ માં લહેરાયો ભારતનો ત્રિરંગો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિશ્કેક ખાતે ભારતીય એથ્લેટ્સનો વધાર્યો ઉત્સાહ
મધ્ય એશિયાની ઓલિમ્પિક્સ ગણાતી આ ભવ્ય સ્પર્ધામાં ભારતના ૮૭ સભ્યોનું પ્રતિનિધિમંડળ લઈ રહ્યું છે ભાગ; પરંપરાગત અને સ્વદેશી રમતોમાં દેશની પ્રતિભા ચમકશે

બિશ્કેક, તા.૦૨: કિર્ગિસ્તાનના બિશ્કેક એરેના ખાતે ચાલી રહેલી ૬ઠ્ઠી વિશ્વ નોમડ ગેમ્સ ૨૦૨૬ ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ભારતનો ત્રિરંગો શાનથી લહેરાયો હતો. SCO સમિટમાં હાજરી આપવા ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય રમતગમત મંચ પર ભારતીય ટુકડીનું સ્વાગત કરીને ખેલાડીઓનો જોશ વધાર્યો હતો. ભારતના ૮૭ સભ્યોના પ્રતિનિધિમંડળે ગર્વથી ત્રિરંગો ધ્વજ ઉંચો રાખીને સ્ટેડિયમમાં માર્ચ કરી હતી, જે ઉપસ્થિત તમામ લોકો માટે એક ગર્વની ક્ષણ બની રહી હતી.
આ રમતોની છઠ્ઠી આવૃત્તિ ૩૧ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધી યોજાઈ રહી છે, જેમાં ભારત તરફથી ૭૩ રમતવીરો, ૧૦ સાંસ્કૃતિક સહભાગીઓ અને ૪ વૈજ્ઞાનિક પ્રતિનિધિઓ સામેલ થયા છે. મધ્ય એશિયાના ઓલિમ્પિક્સ તરીકે ઓળખાતી આ વિશ્વ નોમડ રમતો વિચરતી સંસ્કૃતિઓમાં મૂળ ધરાવતી પરંપરાગત અને સ્વદેશી રમતોને પ્રોત્સાહન આપે છે.
સાંસ્કૃતિક આદાનપ્રદાન અને પરંપરાગત રમતોનું પ્રદર્શન
ઘોડેસવારી, શક્તિ, સહનશક્તિ અને પરંપરાગત લડાઈ કુશળતા સાથે જોડાયેલી આ રમતોમાં ભારતની ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વૈશ્વિક મંચ ભારતીય એથ્લેટ્સને દેશની સમૃદ્ધ રમત પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરવાની સાથે પોતાની પ્રતિભા વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાની સોનેરી તક પૂરી પાડે છે. વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિ અને સમર્થને ભારતીય ખેલાડીઓના મનોબળને સાતમા આસમાને પહોંચાડી દીધું છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
