News of Wednesday, 23rd September 2026
"ચીની માલના બેફામ ડમ્પિંગ સામે ભારતનું આકરું વલણ": ગ્લાયસીન રસાયણની આયાત પર તપાસ શરુ, સ્થાનિક ઉદ્યોગોના રક્ષણ માટે બુલ્ડોઝર એક્શન
અમેરિકા-ચીન ટ્રેડ વોર વચ્ચે ભારતમાં સસ્તા ચીની કેમિકલ્સ ઠાલવવાનો આક્ષેપ: DGTR દ્વારા તપાસ હાથ ધરાઈ, સ્થાનિક ઉત્પાદક અવિદ ઓર્ગેનિક્સની ફરિયાદ બાદ એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવાની તૈયારી.

નવી દિલ્હી : ચીનમાંથી ભારતમાં બેફામ ઠાલવવામાં આવતા સસ્તા કેમિકલ્સ અને સ્થાનિક ઉદ્યોગોને થતા મોટા નુકસાન સામે કેન્દ્ર સરકારે આકરું વલણ અપનાવ્યું છે. સ્થાનિક ઉત્પાદકોની ગંભીર ફરિયાદોને ધ્યાનમાં રાખીને ભારતે ચીનથી આયાત થતા સુગંધ વર્ધક (Fragrance) અને ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિઅન્ટ તરીકે વપરાતા મહત્વપૂર્ણ રસાયણ 'ગ્લાયસીન' (Glycine) સામે એન્ટી ડમ્પિંગ તપાસનો સત્તાવાર પ્રારંભ કરી દીધો છે.
વાણિજ્ય મંત્રાલય હેઠળની તપાસ એજન્સી ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝ (DGTR) ને સ્થાનિક કંપની 'અવિદ ઓર્ગેનિક્સ' દ્વારા અરજી આપવામાં આવી હતી. અરજદારે આક્ષેપ કર્યો હતો કે ચીનથી અત્યંત સસ્તા દરે ગ્લાયસીન ભારતમાં ડમ્પ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ભારતીય ઉત્પાદકો અને સ્થાનિક ઉદ્યોગોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. DGTR એ વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૫ સુધીના સમયગાળાને આધાર બનાવીને તપાસ શરૂ કરી છે. જો તપાસમાં ચીની ડમ્પિંગથી સ્થાનિક ઉદ્યોગોને નુકસાન થયાનું પુરવાર થશે, તો નાણાં મંત્રાલય દ્વારા ચીની આયાત પર ભારે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી ઝીંકવામાં આવશે.
નોંધનીય છે કે, અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા વેપાર તણાવ તેમજ ચીનમાં સર્જાયેલી અતિ-ઉત્પાદન ક્ષમતા (Overcapacity) ને કારણે ચીની કંપનીઓ ભારતીય બજારમાં સસ્તો માલ ઠાલવી રહી છે. ભારતે સ્થાનિક વેપારીઓના હિતોના રક્ષણ માટે ચીનથી આવતી આવી અનેક ચીજવસ્તુઓ પર એન્ટી ડમ્પિંગ તપાસ તેજ બનાવી છે.
આંકડાઓ મુજબ, ગત નાણાકીય વર્ષમાં ભારતની ચીન ખાતેની નિકાસ ૧૯.૪૭ અબજ ડોલર રહી હતી, જ્યારે ચીનથી થતી આયાત ૧૬ ટકા વધીને ૧૩૧.૬૩ અબજ ડોલરે પહોંચી હતી. આયાતમાં થયેલા આંગીન ઉત્તરોત્તર વધારાને કારણે ભારતની ચીન સાથેની વેપાર ખાધ (Trade Deficit) વધીને ૧૧૨.૬ અબજ ડોલરની ઐતિહાસિક ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગઈ છે, જે દેશ માટે ચિંતાનો વિષય છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
