<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ઈરાન-અમેરિકા યુદ્ધની ભારત પર આકરી અસર: ગલ્ફ દેશોમાં રોજગારી મેળવતા લાખો ભારતીયોની નોકરીઓ સામે સંકટના વાદળો ઘેરાયા

​ક્રૂડ ઓઈલના ભાવોમાં તોતિંગ ઉછાળાને પગલે દેશમાં મોંઘવારીનો માર અને બીજી તરફ વિદેશી હૂંડિયામણના મુખ્ય સ્ત્રોત ગણાતા પ્રવાસી શ્રમિકોની આજીવિકા સામે જોખમ ઊભું થતાં અર્થતંત્રને મોટો ફટકો

​નવી દિલ્હી: મધ્ય-પૂર્વના દેશોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વકરી રહેલા તણાવ અને સૈન્ય સંઘર્ષની સીધી અને ઘાતક અસર હવે ભારત પર પડતી જોવા મળી રહી છે. આ યુદ્ધ માત્ર સરહદો પૂરતું સીમિત ન રહેતા વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી રહ્યું છે, જેના કારણે ભારતને બેવડો ફટકો પડ્યો છે. એક તરફ કાચા તેલના ભાવોમાં થયેલા આસમાની ઉછાળાને કારણે દેશમાં મોંઘવારીનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે, તો બીજી તરફ સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ખાસ કરીને દુબઈમાં કાર્યરત લાખો ભારતીય કામદારોના અસ્તિત્વ સામે મોટું સંકટ ઊભું થયું છે.

​દુબઈમાં મિસાઈલ હુમલા અને આર્થિક મંદીથી કામદારોમાં ફફડાટ

ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા અને તેના વળતા જવાબમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિએ દુબઈ જેવા આર્થિક કેન્દ્રોને અસ્થિર કરી દીધા છે. સુરક્ષાના કારણોસર પ્રવાસન અને ઉડ્ડયન ક્ષેત્રે આવેલી મંદીને કારણે અનેક ભારતીય શ્રમિકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. ઘણા કિસ્સામાં કર્મચારીઓના વેતનમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે અથવા તો કંપનીઓ પાસે પગાર ચૂકવવા માટે પૂરતી રોકડ રકમનો અભાવ જોવા મળી રહ્યો છે. હાઉસકીપિંગથી લઈને એકાઉન્ટિંગ અને કેટરિંગ જેવા ક્ષેત્રોમાં કામ કરતા ભારતીયો અત્યારે બેકારીના આરે આવીને ઊભા છે.

​પરિવારોનું ગુજરાન ચલાવવું બન્યું દુષ્કર

અહેવાલો અનુસાર, દુબઈમાં ઘરકામ સાથે સંકળાયેલી મહિલાઓ અને સામાન્ય શ્રમિકોની હાલત અત્યંત દયનીય બની છે. કામની શોધમાં ભટકી રહેલા શ્રમિકો પાસે વતન પરત ફરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી, પરંતુ ઘરે પાછા ફરવાથી બાળકોના શિક્ષણ અને પરિવારના ભરણપોષણની જવાબદારી નિભાવવી તેમના માટે અશક્ય બની રહી છે. એક ભારતીય કામદારે વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, યુદ્ધવિરામની થોડી આશાઓ બંધાઈ હતી પરંતુ ફરી શરૂ થયેલા હુમલાઓએ તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે.

​આંકડાઓ ડરાવી રહ્યા છે: દરેક ચોથો નોકરીદાતા કરી શકે છે છટણી

એક તાજેતરના સર્વેક્ષણ મુજબ, UAEમાં કાર્યરત લગભગ એક-ચતુર્થાંશ નોકરીદાતાઓ આગામી ત્રિમાસિક ગાળામાં કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહ્યા છે. આટલું જ નહીં, લગભગ એક-તૃતીયાંશ કંપનીઓએ નવી ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. જોકે, UAE સરકાર દ્વારા વ્યવસાયોને ટેકો આપવા માટે લાખો ડોલરના સહાયતા પેકેજો જાહેર કરવામાં આવ્યા છે અને અધિકારીઓ આ સ્થિતિને 'કામચલાઉ' ગણાવી રહ્યા છે, પરંતુ જમીની હકીકત અત્યંત ગંભીર જણાઈ રહી છે. અમેરિકા દ્વારા મધ્ય-પૂર્વની મુસાફરી કરવા સામેની ચેતવણીએ સ્થિતિને વધુ પેચીદી બનાવી દીધી છે.

(3:39 PM IST)