<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ભારતની સંસાધન સુરક્ષા કાજે સરકારી કંપનીઓની મહા-જુગલબંધી: ગ્રીન એનર્જી અને વ્યૂહાત્મક ખનિજોની શોધ માટે GAIL અને KABIL વચ્ચે ઐતિહાસિક MoU; ચીન પરની નિર્ભરતા ઘટશે!

લિથિયમ, કોબાલ્ટ જેવા કિંમતી ખનિજોના ગ્લોબલ સોર્સિંગ માટે મહારત્ન કંપની GAIL અને KABIL એ મિલાવ્યા હાથ; નવી ટેકનોલોજી અને ખાણકામ ક્ષેત્રે સંયુક્ત ક્રાંતિનો મંડાણ

નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે સ્વચ્છ ઉર્જા (Clean Energy) અને ભવિષ્યની ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતને સ્વનિર્ભર બનાવવા માટે સરકારી કંપનીઓએ એક બહુ મોટું અને વ્યૂહાત્મક પગલું ભર્યું છે. દેશની અગ્રણી મહારત્ન કંપની GAIL (ઇન્ડિયા) લિમિટેડ અને વિદેશમાં વ્યૂહાત્મક ખનિજોની શોધ કરતી ખાસ સંસ્થા ખનિજ બિદેશ ઇન્ડિયા લિમિટેડ (KABIL) વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ વ્યૂહાત્મક ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે અત્યંત મહત્વપૂર્ણ અને દુર્લભ ખનિજોની શોધ કરીને ભારતની લાંબા ગાળાની સંસાધન સુરક્ષાને મજબૂત કરવાનો અને દેશના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનને નવી ગતિ આપવાનો છે.

GAIL દ્વારા શુક્રવારે જારી કરાયેલી સત્તાવાર અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આ સમજૂતી બંને જાહેર ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ વચ્ચે ભવિષ્યની નવી તકો ઓળખવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે એક મજબૂત સહકારનું માળખું પૂરું પાડશે.

ટેકનિકલ કુશળતાનું આદાન-પ્રદાન: ખનિજ મૂલ્ય શૃંખલા મજબૂત બનશે

આ કરાર અંતર્ગત બંને જાહેર ક્ષેત્રની કંપનીઓ સંયુક્ત રીતે નવી ઊંચાઈઓ સર કરશે:

·         કુશળતાની આપ-લે: બંને કંપનીઓ ખનિજ સંશોધન માટે પોતાની અત્યાધુનિક ટેકનિકલ કુશળતાનું પરસ્પર આદાન-પ્રદાન કરશે.

·         ક્ષમતા-નિર્માણ: આ ક્ષેત્રમાં માનવ સંસાધનો અને ટેકનિકલ ક્ષમતા વધારવા માટે વિશેષ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

·         સંયુક્ત સાહસ: ખાણકામ (Mining) મૂલ્ય શૃંખલાના વિવિધ તબક્કામાં બંને સંસ્થાઓ સાથે મળીને સંયુક્ત પ્રોજેક્ટ્સ શરૂ કરવાની શક્યતાઓ તપાસશે.

આ કરાર પર GAIL ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (R&D અને E&P) સંજીવ કુમાર અને KABIL ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુનિલ કુમાર સિંહે હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે GAIL ના ડિરેક્ટર (બિઝનેસ ડેવલપમેન્ટ) આર. કે. સિંઘલ સહિત બંને કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શું છે KABIL અને GAIL નું અસ્તિત્વ?

ખનિજ બિદેશ ઇન્ડિયા લિમિટેડ (KABIL) એ દેશના ખાણ મંત્રાલય હેઠળ કાર્યરત એક વિશિષ્ટ સંયુક્ત સાહસ (Joint Venture) કંપની છે, જેની સ્થાપના દેશની ત્રણ અગ્રણી સરકારી કંપનીઓ - નાલ્કો (NALCO), હિન્દુસ્તાન કોપર લિમિટેડ (HCL) અને મિનરલ એક્સપ્લોરેશન એન્ડ કન્સલ્ટન્સી લિમિટેડ (MECL) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ની બેટરી અને સ્માર્ટફોન જેવા હાઇ-ટેક ઉપકરણો માટે જરૂરી એવા લિથિયમ અને કોબાલ્ટ જેવા મહત્વપૂર્ણ ખનિજોની વિદેશી સંપત્તિઓને ઓળખવી અને ભારત માટે સુરક્ષિત કરવાનો છે.

બીજી તરફ, GAIL એ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળની પ્રતિષ્ઠિત 'મહારત્ન' કંપની છે, જે કુદરતી ગેસ ટ્રાન્સમિશન, માર્કેટિંગ, એલએનજી (LNG) સોર્સિંગ, પેટ્રોકેમિકલ્સ, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ભારતનું મોટું નામ છે. હવે જ્યારે વિશ્વ ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આ બંને દિગ્ગજોની જુગલબંધી ભારતને વૈશ્વિક બજારમાં એક નવો આર્થિક મહાસત્તા તરીકે ઉભરી આવવામાં મદદરૂપ સાબિત થશે.

(7:42 PM IST)