<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

૧૦૦% ટેરિફની અમેરિકી ધમકી સામે ભારતની 'રેડ લાઇન': જયશંકર અને રૂબિયોની બેઠકમાં રશિયન ઓઇલ પર ભારતનું સ્પષ્ટ અને કડક વલણ!

'SRIA એક્ટ' હેઠળ ટ્રમ્પ વહીવટીતંત્રના ટેરિફ દબાણ સામે ભારતનું સ્પષ્ટ નિવેદન: ૧.૪ અબજ દેશવાસીઓની ઉર્જા સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમજૂતી ચલાવી લેવાશે નહીં


ન્યૂયોર્ક:  અમેરિકાની કોંગ્રેસ દ્વારા રશિયા અને ઈરાન વિરૂદ્ધ 'SRIA એક્ટ' પસાર કરી રશિયન ક્રૂડ ઓઇલ ખરીદનારા દેશો પર ૧૦0% સુધીના ભારે ટેરિફ લાદવાની ધમકી આપવામાં આવી છે. પરંતુ, વાશિંગ્ટનના આ આકરા દબાણ સામે ઝૂકવાને બદલે ભારતે વૈશ્વિક મંચ પર પોતાનો સૂર વધુ બુલંદ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના સત્ર દરમિયાન ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો વચ્ચે ન્યૂયોર્કમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં જયશંકરે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ભારતની આર્થિક સંપ્રભુતા અને ચિંતાઓથી માહિતગાર કરી દીધા છે.

ડૉ. જયશંકરે બેઠક બાદ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ જણાવ્યું કે તેમણે અમેરિકા સમક્ષ ભારત દેશના રાષ્ટ્રીય હિતો અને SRIA કાયદા અંગેની ચિંતાઓ દ્રઢતાપૂર્વક મૂકી દીધી છે. આ સાથે જ, અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ પણ 'પીપલ ફર્સ્ટ' (સૌપ્રથમ દેશવાસીઓ)નો સિદ્ધાંત રજૂ કરતા સ્પષ્ટ કર્યું હતું કે ભારત તેની કુદરતી જરૂરિયાતોનો ૮૫% થી વધુ ભાગ વિદેશી તેલ આયાતથી પૂરો કરે છે. જ્યારે વૈશ્વિક કટોકટી અને યુદ્ધોના કારણે ઓઇલ માર્કેટમાં તંગી સર્જાઈ હતી, ત્યારે ભારતે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને માત્ર પોતાના ૧.૪ અબજ નાગરિકોને મોંઘવારીથી બચાવ્યા ન હતા, પરંતુ વૈશ્વિક તેલ બજારને પણ તૂટી જતાં ઉગારી લીધું હતું.

ન્યૂયોર્ક બેઠકમાં બંને દેશો વચ્ચે માત્ર ટેરિફ જ નહીં પણ લાલ સમુદ્ર અને ગલ્ફ ક્ષેત્રમાં તેલ ટેન્કરોની દરિયાઈ સુરક્ષા અંગે પણ વાટાઘાટો થઈ હતી. ક્વાત્રા અને જયશંકરના આકરા વલણથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારત કોઈ પણ ત્રીજા દેશના દબાણ હેઠળ આવીને પોતાની ઉર્જા નીતિઓ નક્કી કરશે નહીં. નિષ્ણાતોનું પણ માનવું છે કે અમેરિકા ભારત જેવા મોટા આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર પર ખરેખર ૧૦૦% ટેરિફ લાદવાનું જોખમ ઉઠાવી શકે તેમ નથી, કારણ કે તેનાથી બંને દેશોના દ્વિપક્ષીય વેપાર સંબંધો પર પણ બહુ મોટી નકારાત્મક અસર પડી શકે છે.

(12:39 AM IST)