News of Tuesday, 6th October 2026
૨૦૩૬ના ઓલિમ્પિક્સ ગેમ્સની યજમાની માટે ભારતની રેસ મજબૂત: IOC એ સાત દેશોના દાવેદારીની કરી પુષ્ટિ
નવેમ્બરમાં 'ફ્યુચર હોસ્ટ કમિશન' સમક્ષ ભારત સહિત સાત દેશો પ્રેઝન્ટેશન રજૂ કરશે: અમદાવાદ મુખ્ય દાવેદાર તરીકે સામે આવ્યું: ૨૦૨૯માં યોજાશે અંતિમ વોટિંગ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) એ ૨૦૩૬ના ઓલિમ્પિક રમતોત્સવની યજમાની મેળવવા માટે ભારત સહિત કુલ સાત દેશોની રેસની સત્તાવાર પુષ્ટિ કરી છે. IOC ની જાહેરાત મુજબ ભારત, જર્મની, હંગેરી, કતાર, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કી હાલમાં ૨૦૩૬ ઓલિમ્પિકના આયોજન અંગે સમિતિ સાથે સતત વાટાઘાટો કરી રહ્યા છે. IOC દ્વારા આ તમામ સાત દેશોને આગામી નવેમ્બર મહિનામાં 'ફ્યુચર હોસ્ટ કમિશન' નામની ખાસ સમિતિ સમક્ષ પોતપોતાની યોજનાઓ, સ્ટેડિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બજેટ સંબંધિત તૈયારીઓનું પ્રેઝન્ટેશન આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રેઝન્ટેશન બાદ વર્ષ ૨૦૨૯માં ૧૦૦ થી વધુ સભ્ય દેશો મતદાન કરીને ૨૦૩૬ ના ઓલિમ્પિક્સના યજમાન દેશની આખરી પસંદગી કરશે.
IOC એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ૩૧ ઓક્ટોબર પછી ૨૦૩૬ ની રમતો માટે કોઈ નવા દેશના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે નહીં. નવા IOC પ્રમુખ કર્સ્ટી કોવેન્ટ્રીના જણાવ્યા મુજબ, યજમાન દેશ નક્કી કરવા માટે રમતવીરોની સુવિધાઓ, સુરક્ષા, લોકલ સ્પોર્ટિંગ કલ્ચર, સરકારી ટેકો, બજેટ અને ઇવેન્ટ પછી તે દેશને થનારા ભવિષ્યના લાભોને મુખ્ય આધાર બનાવવામાં આવશે. ભારતે અગાઉ ૨૦૨૪ થી જ આ દિશામાં તૈયારીઓ શરૂ કરી હતી. ભારત તરફથી મુખ્ય દાવેદાર તરીકે ગુજરાતનું અમદાવાદ શહેર સામે આવ્યું છે, જ્યાં વિશ્વસ્તરીય રમતગમત સંકુલ તૈયાર થઈ રહ્યા છે અને આ શહેર ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સનું પણ આયોજન કરવાનું છે.
બીજી તરફ, ૨૦૨૨ ના ફિફા વર્લ્ડ કપનું સફળ આયોજન કરનાર કતાર પણ આ રેસમાં પ્રબળ દાવેદાર ગણાઈ રહ્યું છે. કતાર દોહા અને તેના પાડોશી દેશો સાથે મળીને સંયુક્ત આયોજન કરવાની યોજના ધરાવે છે. કતારની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને, જો તેને યજમાની મળે તો ઓલિમ્પિક્સના પરંપરાગત જુલાઈ-ઓગસ્ટના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે. જોકે, તમામ દેશો પોતાના દાવા મજબૂત કરી રહ્યા છે અને નવેમ્બરમાં થનારા પ્રેઝન્ટેશન પર હવે આખી દુનિયાની નજર ટકેલી છે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
