News of Thursday, 30th April 2026
ભારતનું નવું બ્રહ્માસ્ત્ર તૈયાર: અગ્નિ-6 મિસાઇલના લોન્ચિંગ માટે DRDO સજ્જ
દુશ્મન દેશોના કાળ સમાન અગ્નિ-6 માટે માત્ર કેન્દ્ર સરકારની લીલી ઝંડીની રાહ : હાઈપરસોનિક ગ્લાઈડ ટેકનોલોજી અને 'પ્રલય' મિસાઇલ દ્વારા ભારત રચશે અભેદ સુરક્ષા કવચ

નવી દિલ્હી: ભારતની સંરક્ષણ શક્તિમાં ટૂંક સમયમાં એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. DRDOએ દેશની સૌથી ઘાતક અને આધુનિક ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ 'અગ્નિ-6' માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. DRDO ના અધ્યક્ષ સમીર વી. કામતે રાષ્ટ્રીય સુરક્ષા સમિટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વૈજ્ઞાનિકોની ટીમ આ પ્રોજેક્ટ સાથે સંપૂર્ણપણે તૈયાર છે અને હવે માત્ર કેન્દ્ર સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે. અગ્નિ-6 મિસાઇલ ભારતની હાલની મિસાઇલ શ્રેણી કરતા અનેકગણી વધુ અદ્યતન અને લાંબી રેન્જ ધરાવતી હશે, જે ભારતની સામરિક તાકાતને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ પર લઈ જશે.
સમિટ દરમિયાન કામતે ભારતની વધતી જતી હાઈપરસોનિક ક્ષમતાઓ વિશે પણ મહત્વના ખુલાસા કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભારત હાલમાં બે પ્રકારની હાઈપરસોનિક મિસાઇલો - ગ્લાઈડ અને ક્રુઝ પર કામ કરી રહ્યું છે. જેમાં હાઈપરસોનિક ગ્લાઈડ મિસાઇલનું પરીક્ષણ ખૂબ જ નજીકના ભવિષ્યમાં કરવામાં આવે તેવી શક્યતા છે, કારણ કે તેનો વિકાસ અત્યારે અંતિમ તબક્કામાં છે. આ મિસાઇલો અવાજ કરતા અનેકગણી ઝડપે ઉડવાની ક્ષમતા ધરાવે છે, જે કોઈપણ આધુનિક ડિફેન્સ સિસ્ટમને મ્હાત આપી શકે છે. આ ટેકનોલોજી ભારતને વિશ્વના તે ગણ્યાગાંઠ્યા દેશોની હરોળમાં લાવી દેશે જેમની પાસે આવી અજેય શક્તિ છે.
માત્ર લાંબા અંતરની જ નહીં, પણ પરંપરાગત યુદ્ધ માટે ભારત એક મજબૂત 'મિસાઇલ ફોર્સ' બનાવવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. આ ફોર્સમાં 2,000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવતી બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલોનો સમાવેશ કરવામાં આવશે. વધુમાં, ટૂંકા અંતરની ઘાતક 'પ્રલય' મિસાઇલ પણ ટૂંક સમયમાં ભારતીય સેનામાં સામેલ થવા જઈ રહી છે. સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે પણ સમર્થન આપ્યું છે કે ભારત બહુ-સ્તરીય મિસાઇલ સુરક્ષા કવચ વિકસાવી રહ્યું છે, જે પાડોશી દેશોના કોઈપણ દુસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ હશે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
