તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
ભવિષ્યની ટેકનોલોજી અને ઈલેક્ટ્રિક યુગમાં ભારતનો માસ્ટરસ્ટ્રોક: ₹૨,૮૧૪ કરોડની યોજનાથી ખનિજ ક્ષેત્રે બનશે આત્મનિર્ભર
લિથિયમ અને નિકલ જેવા અતિ મહત્વપૂર્ણ ખનિજોની આયાત પરની નિર્ભરતા ઘટાડવા કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય: પીએમ મોદીએ દેશમાં સ્થાપિત થનારા ચાર હાઇ-ટેક મેગા પ્રોસેસિંગ પ્લાન્ટ્સ અને ૩૦% સુધીની કેપિટલ સબસીડી અંગે ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી: ભવિષ્યની ટેકનોલોજી, ઈલેક્ટ્રિક વાહનો અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં ભારતની ધાક જમાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દેશમાં મહત્વપૂર્ણ ખનિજો ના પ્રોસેસિંગ અને રિફાઇનિંગને પ્રોત્સાહન આપવા માટે ₹૨,૮૧૪ કરોડની તોતિંગ મૂડીખર્ચ સહાય યોજનાને મંજૂરી આપી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ખુશી વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, ભવિષ્યની ટેકનોલોજીને શક્તિ આપતા લિથિયમ, નિકલ અને કોબાલ્ટ જેવા કિંમતી ખનિજો માટે ભારતે હવે અન્ય દેશો કે વિદેશી આયાત પર નિર્ભર રહેવાની જરૂર નથી, પરંતુ દેશમાં જ સ્વનિર્ભરતાનું સામ્રાજ્ય ઊભું કરવું પડશે.
આ મહત્વાકાંક્ષી સરકારી યોજના આગામી પાંચ વર્ષ (નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૩૦-૩૧) દરમિયાન અમલમાં મૂકવામાં આવશે. આ યોજના હેઠળ દેશમાં ચાર વિશાળ અને આધુનિક ખનિજ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ સ્થાપવામાં આવશે, જેમાંથી બે પ્લાન્ટ લિથિયમનું અને બે પ્લાન્ટ નિકલનું રિફાઇનિંગ કરશે. આ ક્ષેત્રે ખાનગી રોકાણને આકર્ષવા માટે સરકાર પાત્ર રોકાણકારોને ૩૦ ટકા સુધીની જંગી કેપિટલ સબસીડી પૂરી પાડશે, જેમાં લિથિયમ પ્લાન્ટ માટે મહત્તમ ₹૫૦૦ કરોડ અને નિકલ પ્લાન્ટ માટે ₹૯૦૦ કરોડ સુધીની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. લિથિયમ પ્લાન્ટની ન્યૂનતમ ક્ષમતા ૩૦,૦૦૦ ટન અને નિકલ પ્લાન્ટની ક્ષમતા ૫૦,૦૦૦ ટન નક્કી કરવામાં આવી છે, જે ભારતીય ઉદ્યોગો માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
હાલના સમયમાં ઇલેક્ટ્રિક વાહનોની બેટરીઓ, સ્માર્ટફોન અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, સંરક્ષણ સાધનો તેમજ સ્પેશિયલ સ્ટીલ નિર્માણમાં લિથિયમ અને નિકલની ભૂમિકા કરોડરજ્જુ સમાન છે. વૈશ્વિક સ્તરે આ ખનિજોના પ્રોસેસિંગ પર માત્ર અમુક ચોક્કસ દેશોનું જ આધિપત્ય હોવાથી આંતરરાષ્ટ્રીય તણાવ, પુરવઠા શ્રૃંખલામાં વિક્ષેપ કે ભાવમાં વધઘટ સમયે ભારત જેવા દેશોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશમાં કાચા ખનિજથી લઈને આખરી ઔદ્યોગિક સામગ્રી તૈયાર કરવાની સ્થાનિક ક્ષમતા વિકસિત થશે, જે 'આત્મનિર્ભર ભારત' અભિયાનને એક નવી જ ઊંચાઈ પર પહોંચાડશે.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
