તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
વૈશ્વિક તણાવ વચ્ચે ભારતનો માસ્ટરસ્ટ્રોક: મધ્ય પૂર્વમાં સંકટ વધતાં જ રશિયા તરફ વાળ્યા જહાજો : તેલની આયાત ૪૧ ટકાના ઓલ-ટાઇમ હાઇ પર!
હોર્મુઝમાં હુમલા અને સપ્લાય ચેઇનના ખોરવાઈ જવા વચ્ચે ભારતે તેની ઉર્જા વ્યૂહરચના બદલી : મધ્ય પૂર્વ નિર્ભરતા ઘટાડી જૂના મિત્ર રશિયા પાસેથી રેકોર્ડ ૨.૬૪ મિલિયન બેરલ પ્રતિ દિવસ ક્રૂડ આયાત કર્યું

નવી દિલ્હી : વૈશ્વિક જીઓપોલિટિક્સ અને ઉર્જા બજારમાં ચાલી રહેલી ભારે અસ્થિરતા વચ્ચે ભારતે પોતાની ચતુર વ્યૂહરચનાથી વિશ્વને ચોંકાવી દીધું છે. મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના વાદળો અને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર જહાજો પર થઈ રહેલા હુમલાઓને કારણે પુરવઠો ખોરવાવાની ભીતિ ઊભી થઈ હતી. આ કટોકટી સમજીને ભારતે વિલંબ કર્યા વગર પોતાના તેલ ટેન્કરોના વાવટા જૂના અને ભરોસાપાત્ર મિત્ર રશિયા તરફ વાળી દીધા છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો રેકોર્ડબ્રેક ૪૧ ટકા સુધી પહોંચી ગયો છે, જે ભારતીય ઉર્જા સુરક્ષા માટે એક મોટો માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ રહ્યો છે.
અમેરિકા દ્વારા આપવામાં આવેલી છૂટછાટોનો મહત્તમ લાભ ઉઠાવીને ભારતે એકલા જૂન મહિનામાં જ રશિયા પાસેથી દરરોજ ૨.૬૪ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ખરીદીને નવો ઇતિહાસ રચ્યો છે. આ આંકડો મે મહિનાની સરખામણીએ ૩૭.૪ ટકાનો તગડો ઉછાળો દર્શાવે છે. બીજી તરફ, પરિસ્થિતિને ટાળવા માટે ભારતે મધ્ય પૂર્વીય દેશોમાંથી તેલની આયાતમાં ૨૭ ટકા સુધીનો મોટો ઘટાડો કર્યો છે, જે અગાઉ ૪૧.૪ ટકા હતો તે ઘટીને માત્ર ૩૧ ટકા રહી ગયો છે. આ ફેરફાર સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત કોઈ એક દેશ પર નિર્ભર રહેવાને બદલે જિયોપોલિટિકલ સ્થિતિ મુજબ ત્વરિત અને વ્યવહારુ નિર્ણયો લેવામાં સંપૂર્ણપણે સક્ષમ છે.
દરિયાઈ સુરક્ષા નિષ્ણાતો અને ભારતીય રિફાઇનરીઓના સૂત્રો મુજબ, જો યમનના હુતી બળવાખોરો અને ઈરાન સમર્થિત સંઘર્ષને કારણે સાઉદી અરેબિયા અને ગલ્ફ દેશોમાંથી પુરવઠો વધુ બાધિત થશે, તો ભારત રશિયા, પશ્ચિમ આફ્રિકા અને લેટિન અમેરિકા તરફ પોતાની નિર્ભરતા વધુ મજબૂત કરશે. વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ ગ્રાહક તરીકે ભારતે સાબિત કરી દીધું છે કે તેના રાષ્ટ્રીય હિત અને નાગરિકોને સસ્તું ઈંધણ પૂરું પાડવું તેની પહેલી પ્રાથમિકતા છે, અને મુશ્કેલ સમયમાં રશિયા જેવા પરંપરાગત સાથીદારો સાથેના સંબંધો દેશની ઉર્જા જરૂરિયાતો માટે ઢાલ બનીને ઊભા છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
