<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

વૈશ્વિક યુદ્ધો અને પ્રતિબંધોના યુગમાં ભારતની માસ્ટર પ્લાનિંગ: વડા પ્રધાનના સચિવે ખોલ્યા આર્થિક રણનીતિના રાઝ!

કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવમાં પીએમઓના સચિવ પી.કે. મિશ્રાનું સનસનાટીભર્યું નિવેદન: આર્થિક પ્રતિબંધો અને ટેક્સ હવે માત્ર કાગળના નિયમો નહીં, પણ બની ગયા છે વિનાશક હથિયાર.

નવી દિલ્હી : વૈશ્વિક અર્થતંત્રમાં હાલ જે ઉથલપાથલ મચી છે તેના પર દુનિયાભરના દિગ્ગજ નિષ્ણાતોની નજર છે. આ જ ગંભીર મુદ્દા પર વડા પ્રધાનના અગ્ર સચિવ પી.કે. મિશ્રાએ 'કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ'માં 'A World Priced for Risk' વિષય પર બેધડક અને સ્પષ્ટ વાતો રજૂ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે વર્તમાન સમયમાં યુદ્ધો માત્ર સરહદો પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ તે સીધા જ વૈશ્વિક ઉર્જા માર્કેટ અને ખાદ્ય બજારને ધરમૂળથી હચમચાવી નાખે છે. સમુદ્રી માર્ગો અને રાજકીય-ભૌગોલિક સમીકરણો બદલાતા વેપારી રસ્તાઓ અત્યંત જોખમી અને સંવેદનશીલ બની ગયા છે.

કોઈપણ દેશનું નામ લીધા વિના સચિવે આર્થિક જગતની કડવી વાસ્તવિકતા ઉજાગર કરતા જણાવ્યું હતું કે આજની વૈશ્વિક રાજનીતિમાં નિકાસ પર પ્રતિબંધો, આર્થિક પ્રતિબંધો અને ટેક્સ જેવા હથિયારોનો ઉપયોગ નીતિઓ તરીકે નહીં પરંતુ એક સચોટ શસ્ત્ર તરીકે થઈ રહ્યો છે. ભારત જેવા દેશો, જે પોતાની ઉર્જા જરૂરિયાતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે, તેમણે દરિયાઈ માર્ગો પર સર્જાતા લાંબા અવરોધો સામે પહોંચી વળવા અત્યારથી જ સુરક્ષાના બહુસ્તરીય વ્યુહ તૈયાર કરી દીધા છે. હોર્મુઝની સામુદ્રધુનીની આસપાસ ઊભા થતા કટોકટીભર્યા માહોલ પરથી સાબિત થાય છે કે ભૌગોલિક સ્થિતિ કેવી રીતે ગમે ત્યારે આર્થિક કટોકટીમાં પલટાઈ શકે છે.

આ તમામ જોખમો અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત માટે સૌથી રાહત અને ગર્વની વાત એ છે કે તેણે પોતાની ક્રૂડ ઓઈલની આયાત બાબતે વ્યાપક વૈવિધ્યકરણ અપનાવ્યું છે. અગાઉ ભારત જે ૨૭ દેશો પાસેથી ઓઈલ ખરીદતું હતું, તે આંકડો હવે વધીને સીધો ૪૩ દેશો સુધી પહોંચી ગયો છે. આ મોટો બદલાવ ભારતની કુશળ વિદેશ નીતિ અને આર્થિક મુસદ્દાની જીવંત મિસાલ છે. આનાથી દેશને માત્ર બેસ્ટ ક્વોલિટીની એનર્જી જ નથી મળી રહી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આવતા ગમે તેવા મોટા આર્થિક આંચકાઓ સામે લડવાની અદભુત ક્ષમતા પણ મળી રહી છે.

દેશના આંતરિક પાયાને વધુ મજબૂત અને અજેય બનાવવા માટે સરકારે ભવિષ્યની સુરક્ષા પર વિશેષ ભાર મૂક્યો છે. પરમાણુ ઉર્જા અને તેની સાથે જોડાયેલી ઘરેલુ ક્ષમતાઓમાં વધારો કરવો એ માત્ર પર્યાવરણીય જરૂરિયાત નથી, પણ બાહ્ય આર્થિક ઝટકાઓ સામે ઢાલ બનવા માટે પણ અનિવાર્ય છે. આ જ દીર્ઘદષ્ટિને ધ્યાનમાં રાખીને સરકારે 'રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ ખનિજ મિશન' હેઠળ દેશની અંદર જ સંશોધન, પ્રોસેસિંગ અને રિસાયક્લિંગને મજબૂત બનાવવાના અત્યંત મહત્ત્વપૂર્ણ અને ક્રાંતિકારી પગલાં લીધા છે.

(6:28 PM IST)