News of Thursday, 30th April 2026
ભારતનો માસ્ટરપ્લાન! હોર્મુઝની કટોકટી વચ્ચે 40 જહાજોને બહાર કાઢવા ઓમાનનો નવો રસ્તો તૈયાર : હબશાન-ફુજૈરાહ પાઈપલાઈન અને ચાબહાર પોર્ટ થઈને અરબી સમુદ્ર સુધી વૈકલ્પિક કોરિડોર સક્રિય
ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં નૌકા નાકાબંધી છતાં ભારતે ઈરાનના દરિયાકાંઠે અને ઓમાનના પ્રાદેશિક જળમાર્ગોનો ઉપયોગ કરીને 40થી વધુ જહાજો સુરક્ષિત રીતે બહાર કાઢ્યા; , નૌકાદળના યુદ્ધજહાજો ભારતીય ટેન્કરોને એસ્કોર્ટ કરી રહ્યા છે

નવી દિલ્હી તા.૩૦ : ઈરાન અને અમેરિકા વચ્ચે ફેબ્રુઆરી 2026થી ચાલી રહેલા યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજોની અવરજવર લગભગ ઠપ થઈ ગઈ છે. આ સંકટ વચ્ચે ભારતે પોતાના ઊર્જા પુરવઠાને સુરક્ષિત રાખવા માટે માસ્ટરપ્લાન અમલમાં મૂક્યો છે. હોર્મુઝના વૈકલ્પિક રૂટ અને ઓમાનના પ્રાદેશિક જળમાર્ગોનો ઉપયોગ કરીને ભારતે છેલ્લા બે મહિનામાં 40થી વધુ ઓઈલ અને LPG ટેન્કરોને સુરક્ષિત રીતે ગલ્ફમાંથી બહાર કાઢી ભારતીય બંદરો સુધી પહોંચાડ્યા છે. ભારતીય નૌકાદળના અડધો ડઝનથી વધુ યુદ્ધજહાજો અરબી સમુદ્ર અને ઓમાનની ખાડીમાં તૈનાત છે અને ભારતીય જહાજોને એસ્કોર્ટ કરી રહ્યા છે.
વિશ્વના કુલ દરિયાઈ ક્રૂડ ઓઈલનો લગભગ 20 ટકા હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. યુદ્ધ પહેલા અહીંથી રોજ 130થી વધુ જહાજો પસાર થતા હતા, જે હવે ઘટીને માત્ર 10-15 થઈ ગયા છે. આવી સ્થિતિમાં ભારતે ઈરાનના દરિયાકાંઠાને અડીને આવેલા પ્રાદેશિક જળમાર્ગોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રીય કાયદા 'ઈનોસન્ટ પેસેજ' હેઠળ વ્યાપારી જહાજો કોઈપણ દેશના પ્રાદેશિક જળમાંથી પસાર થઈ શકે છે, જો તેઓ કોઈ લશ્કરી કે શત્રુતાપૂર્ણ ગતિવિધિ ન કરે. ભારતીય જહાજો ખાર્ગ ટાપુથી ક્રૂડ લોડ કરીને ઈરાનના દરિયાકાંઠે-દરિયાકાંઠે દક્ષિણ-પૂર્વ તરફ આગળ વધે છે અને ચાબહાર બંદર નજીકથી ઓમાનની ખાડીમાં પ્રવેશ કરે છે. ત્યાંથી તેઓ સીધા મુંબઈ, કોચી, મેંગલોર કે જામનગર જેવા ભારતીય બંદરો તરફ રવાના થાય છે.
આ ઉપરાંત ભારતે UAEની હબશાન-ફુજૈરાહ ઓઈલ પાઈપલાઈનનો પણ ભરપૂર ઉપયોગ શરૂ કર્યો છે. 380 કિલોમીટર લાંબી આ પાઈપલાઈન અબુ ધાબીના હબશાન ઓઈલ ફિલ્ડથી ઓમાનની ખાડી પર આવેલા ફુજૈરાહ બંદર સુધી જાય છે અને હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બાયપાસ કરે છે. આ પાઈપલાઈનની ક્ષમતા રોજ 15 લાખ બેરલ છે. ફુજૈરાહથી ટેન્કરો સીધા અરબી સમુદ્રમાં પ્રવેશ કરે છે અને ભારત પહોંચે છે. ભારતીય રિફાઈનરીઓએ હોર્મુઝની નાકાબંધી બાદ ફુજૈરાહ થઈને આયાત વધારી દીધી છે. UAE હવે OPEC કોટાથી મુક્ત હોવાથી આ રૂટથી વધુ ક્રૂડ ભારત મોકલી શકે છે.
વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ ઈરાને ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન સહિત કેટલાક 'મૈત્રીપૂર્ણ દેશો'ને હોર્મુઝમાંથી શરતી પસાર થવાની મંજૂરી આપી છે. છેલ્લા થોડા દિવસોમાં છ ભારતીય જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી ચૂક્યા છે. ત્રણ ભારતીય ફ્લેગવાળા ગેસ ટેન્કર શિવાલિક, નંદા દેવી અને જગ લાડકી ઈરાનના લારક ટાપુ નજીકના નિયંત્રિત કોરિડોરનો ઉપયોગ કરીને ભારત પહોંચ્યા છે. આ જહાજો સામાન્ય રૂટને બદલે ઈરાની પ્રાદેશિક જળમાંથી પસાર થયા હતા જ્યાં IRGC નેવી દ્વારા તેમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું કે ભારત હાલ 70 ટકા ક્રૂડ એવા સ્ત્રોતોમાંથી મંગાવી રહ્યું છે જે હોર્મુઝ પર નિર્ભર નથી. ભારત પાસે 25 દિવસનો ક્રૂડનો વ્યૂહાત્મક ભંડાર છે. જોકે LNGની સ્થિતિ ચિંતાજનક છે કારણ કે કતારે ઉત્પાદન બંધ કર્યું છે. નૌકાદળે હોર્મુઝની પૂર્વમાં ઓમાનની ખાડીમાં વધારાના યુદ્ધજહાજો તૈનાત કર્યા છે. ભારતીય જહાજોને ગલ્ફ ઓફ ઓમાનમાં પહેલાથી નક્કી કરેલા સ્થળે નૌકાદળ મળે છે અને ત્યાંથી એસ્કોર્ટ કરીને ભારતીય બંદરો સુધી લાવે છે. આ સમગ્ર ઓપરેશનમાં ભારતીય જહાજોને પાકિસ્તાની જળસીમામાં જવાની જરૂર પડતી નથી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે હોર્મુઝમાંથી પસાર થવા માટે ઈરાનને કોઈ ટ્રાન્ઝિટ ફી ચૂકવવાની વાતચીત કરી રહ્યું નથી. આ વૈકલ્પિક રૂટ અને રાજદ્વારી વ્યવસ્થાને કારણે 40થી વધુ જહાજો છેલ્લા બે મહિનામાં સુરક્ષિત રીતે ભારત પહોંચ્યા છે અને દેશનો ઊર્જા પુરવઠો અવિરત જળવાઈ રહ્યો છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
