<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

હિંદ મહાસાગરમાં ચીનની ‘ઘેરાબંધી’ તોડવા ભારતનો માસ્ટર પ્લાન: ગ્રેટ નિકોબાર બનશે ‘અભેદ્ય કિલ્લો’, ૮૧,૦૦૦ કરોડના પ્રોજેક્ટથી ડ્રેગનની ઊંઘ હરામ

મલક્કા સ્ટ્રેટ પર નજર રાખતું ગ્રેટ નિકોબાર ‘ઇન્ડો-પેસિફિક’નું નવું પાવર સેન્ટર: ટ્રાન્સશિપમેન્ટ બંદર અને લશ્કરી એરબેઝ દ્વારા ભારત દરિયાઈ માર્ગો પર જમાવશે વર્ચસ્વ, ઇતિહાસના સૌથી મોટા વ્યૂહાત્મક પરિવર્તનની તૈયારી

પોર્ટ બ્લેર : ભારત તેના દક્ષિણ છેડે આવેલા ગ્રેટ નિકોબાર ટાપુને એક એવા વ્યૂહાત્મક હબમાં ફેરવી રહ્યું છે જે ભવિષ્યમાં ચીનની દરિયાઈ દાદાગીરી સામે સૌથી મોટો અવરોધ સાબિત થશે. હિંદ મહાસાગરમાં ચીનનો વધતો જતો પગપેસારો અને શ્રીલંકા કે મ્યાનમારમાં તેના બંદરો દ્વારા ભારતને ઘેરવાની નીતિ સામે કેન્દ્ર સરકારે ૮૧,૦૦૦ કરોડ રૂપિયાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ ટાપુ માત્ર પર્યટનનું કેન્દ્ર નહીં, પણ ભારતની રાષ્ટ્રીય સુરક્ષાની પ્રથમ હરોળની ચોકી બની રહેશે.
 
ચીનની ‘મલક્કા દ્વિધા’નો ભારત લેશે લાભ
ગ્રેટ નિકોબાર ટાપુ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પૈકીના એક ‘સિક્સ ડિગ્રી ચેનલ’ અને ‘મલક્કા સ્ટ્રેટ’ની એકદમ નજીક છે. ચીનનો ૮૦ ટકા વેપાર અને ઉર્જા પુરવઠો આ સાંકડા માર્ગો પરથી પસાર થાય છે. પૂર્વ નૌકાદળ પ્રમુખ એડમિરલ અરુણ પ્રકાશના જણાવ્યા મુજબ, આંદામાન અને નિકોબારમાં ભારતની મજબૂત હાજરી ચીન માટે ‘મલક્કા દ્વિધા’ (Malacca Dilemma) પેદા કરે છે. જો કટોકટી સર્જાય, તો ભારત આ માર્ગોને બ્લોક કરીને ચીનની આર્થિક નસ દબાવી શકે છે.
 
INS બાઝ અને એરબેઝનું આધુનિકીકરણ
ગ્રેટ નિકોબારમાં આવેલું ‘INS બાઝ’ ભારતનું સૌથી દક્ષિણમાં આવેલું મિલિટરી એરબેઝ છે. સરકાર હવે અહીંના રનવેને લંબાવી રહી છે જેથી પ-૮આઈ (P-8I) જેવા લાંબા અંતરના દરિયાઈ પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને ફાઇટર જેટ્સ પણ અહીંથી ઓપરેટ થઈ શકે. આંદામાન અને નિકોબાર કમાન્ડ હેઠળ અત્યારે ૩૦થી વધુ યુદ્ધ જહાજો અને સર્વેલન્સ એરક્રાફ્ટ કાર્યરત છે, જે બંગાળની ખાડીમાં ચીની સબમરીન અને જહાજોની દરેક હિલચાલ પર ૨૪ કલાક નજર રાખે છે.
 
આર્થિક વિકાસ અને પર્યાવરણનો સમન્વય
આ પ્રોજેક્ટ માત્ર લશ્કરી નથી, પરંતુ તેમાં વિશાળ ટ્રાન્સશિપમેન્ટ બંદર, ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ગ્રીનફિલ્ડ સિટીનો પણ સમાવેશ થાય છે. આનાથી ભારત વૈશ્વિક શિપિંગ ઉદ્યોગમાં સિંગાપોર અને કોલંબોને ટક્કર આપી શકશે. જોકે, રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ અહીંના નાજુક પર્યાવરણ અને આદિવાસી સમુદાયો પર થનારી અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. સરકારનું કહેવું છે કે સુરક્ષા અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવીને જ આ કામ આગળ વધારવામાં આવશે.
 
મ્યાનમારના કોકો ટાપુ પર ચીની હિલચાલથી એલર્ટ
તાજેતરના સેટેલાઇટ ફોટામાં મ્યાનમારના ગ્રેટ કોકો ટાપુ પર ચીની દેખરેખ પ્રવૃત્તિઓ અને લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળ્યું છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ભારતે ગ્રેટ નિકોબારમાં તેની ક્ષમતાઓમાં અનેકગણો વધારો કરવાની જરૂરિયાત અનુભવી છે. વ્યૂહાત્મક નિષ્ણાતો માને છે કે જો થાઇલેન્ડમાં ‘ક્રા કેનાલ’ હકીકત બનશે, તો ગ્રેટ નિકોબારનું મહત્વ હજુ અનેકગણું વધી જશે, કારણ કે તમામ દરિયાઈ ટ્રાફિક આ ટાપુઓની એકદમ નજીકથી પસાર થશે.

(9:27 PM IST)