<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

યુદ્ધ વચ્ચે ભારતની મોટી કૂટનીતિક પહેલ: વિદેશ મંત્રી એસ. જયશંકર ૩ થી ૫ સપ્ટેમ્બર દરમિયાન યુક્રેન અને પોલેન્ડના પ્રવાસે જશે

રશિયા-યુક્રેન યુદ્ધ વિરામ અને શાંતિ પ્રયાસોમાં ભારતની ભૂમિકા પર કિવ સાથે થશે મહત્વપૂર્ણ વાટાઘાટો; તાજેતરમાં રશિયન હુમલામાં ભારતીય નાગરિકના મોત બાદ પ્રવાસ બન્યો અત્યંત સંવેદનશીલ

નવી દિલ્હી, તા.૦૨: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને મધ્ય યુરોપમાં બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે ભારતે એક મોટો રાજદ્વારી કદમ ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, વિદેશ મંત્રી એસ. જયશંકર ૩ થી ૫ સપ્ટેમ્બર દરમિયાન યુક્રેન અને પોલેન્ડના મહત્વપૂર્ણ પ્રવાસે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ યુક્રેનના વિદેશ મંત્રી આન્દ્રેઈ સિબિહા અને પોલેન્ડના નાયબ વડાપ્રધાન તથા વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ગહન વિચાર-વિમર્શ કરશે.

 

યુક્રેનની રાજધાની કિવ ખાતે થનારી આ બેઠકમાં રશિયા સાથેના યુદ્ધને સમાપ્ત કરવા માટે ભારતની સંભવિત શાંતિદૂત તરીકેની ભૂમિકા કેન્દ્રસ્થાને રહેશે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓએ ભારતીય રાજદૂત અંજની કુમાર સાથે બેઠક યોજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સુધી પહોંચાડાયેલા સંદેશ - "અંતહીન યુદ્ધથી યુદ્ધના અંત તરફ આગળ વધવાનો સમય આવી ગયો છે" - ને બિરદાવ્યો હતો. યુક્રેન પણ હવે આ શાંતિ પ્રયાસોને નક્કર પગલાંમાં ફેરવવા ભારત તરફ આશાસ્પદ નજરે જોઈ રહ્યું છે.

 

રશિયન હુમલામાં ભારતીયનું મોત અને પોલેન્ડ પ્રવાસનું મહત્વ

 

જયશંકરની આ મુલાકાત એક અત્યંત સંવેદનશીલ સમયે થઈ રહી છે, કારણ કે તાજેતરમાં યુક્રેન પર થયેલા રશિયન હવાઈ હુમલામાં ૧૨ લોકોના મોત થયા હતા, જેમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું, જ્યારે કિવ સ્થિત ભારતીય દૂતાવાસ મૃતકના પાર્થિવ દેહને ભારત લાવવા માટે પરિવાજનોના સંપર્કમાં છે. વિદેશ મંત્રી આ સંવેદનશીલ મુદ્દાની પણ સમીક્ષા કરશે.

 

બીજી તરફ, જયશંકરનો પોલેન્ડ પ્રવાસ પણ રાજદ્વારી દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે. પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવવાના છે, જેની પૂર્વતૈયારી રૂપે આ વાટાઘાટો યોજાશે. વર્ષ ૨૦૨૪ માં વડાપ્રધાન મોદીના પોલેન્ડ પ્રવાસ બાદ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની છે, જે આ પ્રવાસથી નવી ઊંચાઈઓ સર કરશે.

 

(5:17 PM IST)