<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ભારતની ઔદ્યોગિક ક્રાંતિને પાંખો મળી: મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના દમ પર દેશમાં રોજગારીનો આંકડો ૨.૧૦ કરોડે પહોંચ્યો

વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ (ASI) રિપોર્ટમાં મોટો ખુલાસો: એક જ વર્ષમાં ૧૪ લાખથી વધુ નવી નોકરીઓ ઉમેરાઈ; કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં ૧૨.૦૮% નો વિરાટ વધારો

નવી દિલ્હી : ભારતીય અર્થતંત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરવામાં આવેલા 'વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ' (Annual Survey of Industries - ASI) ના તાજેતરના આંકડા મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન દેશના ઉદ્યોગોમાં કુલ રોજગારીનો આંકડો ૨ કરોડના ઐતિહાસિક માઈલસ્ટોનને વટાવીને ૨.૧૦ કરોડે પહોંચી ગયો છે. પાછલા વર્ષ ૨૦૨૩-૨૪ના ૧.૯૬ કરોડની સરખામણીએ રોજગારીમાં ૭.૧૯ ટકાનો મજબૂત ઉછાળો નોંધાયો છે, જેમાં એકલા મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) ક્ષેત્રે ૧૪ લાખથી વધુ નવા કામદારો ઉમેરીને સિંહફાળો આપ્યો છે.

 

ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ટોચના ૫ રાજ્યોનો ડંકો: ૫૬% રોજગારી એકલી અહીં

દેશમાં ઔદ્યોગિક વિકાસ અને રોજગારી સરજનમાં પાંચ રાજ્યોએ પોતાનું એકચક્રી શાસન જાળવી રાખ્યું છે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સૌથી વધુ લોકોને રોજગાર આપનારા અગ્રણી રાજ્યો બન્યા છે. સમગ્ર દેશની કુલ ઉત્પાદન રોજગારીમાં આ પાંચ રાજ્યોનો સંયુક્ત હિસ્સો આશરે ૫૬ ટકા જેટલો રહ્યો છે. આ ઉપરાંત, કર્મચારીઓને ચૂકવવામાં આવતા વેતન અને ભથ્થાંમાં પણ ૧૨.૦૮ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે નોકરીઓની સાથે કામદારોની આવકમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.


કારખાનાઓની સંખ્યા અને ગ્રોસ વેલ્યુ એડિશન (GVA) માં ભવ્ય વૃદ્ધિ

સર્વેક્ષણ મુજબ, દેશમાં નોંધાયેલા ઉત્પાદન એકમો (ફેક્ટરીઓ) ની સંખ્યા ૨.૬૦ લાખથી વધીને ૨.૬૭ લાખ થઈ ગઈ છે. સૌથી વધુ ફેક્ટરીઓ ધરાવવામાં ૪૧,૨૨૧ એકમો સાથે તમિલનાડુ પ્રથમ સ્થાને, ૩૩,૦૮૪ એકમો સાથે ગુજરાત બીજા સ્થાને અને ૨૭,૩૭૯ એકમો સાથે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને રહ્યું છે. દેશના કુલ આઉટપુટ અને ગ્રોસ વેલ્યુ એડિશન (GVA) ની વાત કરીએ તો મહારાષ્ટ્રે સૌથી વધુ GVA નોંધાવ્યું હતું, જેના પછી ગુજરાતનો ક્રમ આવે છે. આ પાંચ રાજ્યો દેશના કુલ ઉત્પાદન GVA માં ૫૪ ટકાથી વધુનો ફાળો આપે છે.


મૂડી અને નફાકારકતામાં ઉછાળો: આ ૫ ઉદ્યોગો રહ્યા સુપરસ્ટાર

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ઉદ્યોગોમાં રોકાયેલી કુલ મૂડીમાં ૧૧.૧૦ ટકાનો વધારો થયો છે, જ્યારે ઉદ્યોગોના ચોખ્ખા નફામાં પણ ૭.૭૩ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. દેશના કુલ ઔદ્યોગિક વિકાસમાં સૌથી વધુ યોગદાન આપનારા મુખ્ય પાંચ ક્ષેત્રોમાં મૂળભૂત ધાતુ (Basic Metals), મોટર વાહનો (Automobiles), રસાયણ અને રાસાયણિક ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ અને ખાદ્ય પ્રક્રિયા (Food Products) ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ ટોચના ૫ ઉદ્યોગોનો દેશના કુલ ઉત્પાદન GVA માં ૪૫ ટકાથી વધુ ફાળો રહ્યો છે.

 

(7:18 PM IST)