તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
રેલવે ક્રાંતિમાં ભારતનો ઐતિહાસિક કદમ: હરિયાણામાં દેશની સૌપ્રથમ 'હાઈડ્રોજન ટ્રેન' દોડશે, પીએમ મોદી જીંદ-સોનીપત રૂટ પર આપશે લીલી ઝંડી!
હરિયાણા, ચંદીગઢ અને પંજાબને મળશે રૂ. ૨૬,૭૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ; આધુનિક મેડિકલ સેન્ટરો અને ૭૫ અત્યાધુનિક રેલવે સ્ટેશનોનું થશે ભવ્ય લોકાર્પણ.

ચંદીગઢ : ભારતીય રેલવેના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. પર્યાવરણને અનુકૂળ અને પ્રદૂષણમુક્ત પ્રવાસ તરફ મોટું કદમ ઉઠાવતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી શુક્રવારે હરિયાણાના જીંદ રેલ્વે સ્ટેશન પરથી ભારતની સર્વપ્રથમ 'હાઇડ્રોજન ઇંધણ આધારિત ટ્રેન'ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. આ ટ્રેન હરિયાણાના જીંદ અને સોનીપત વચ્ચે દોડશે. વડાપ્રધાનના આ મહત્વકાંક્ષી ત્રણ રાજ્યોના પ્રવાસ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરીને ઉત્તર ભારતને પ્રગતિની નવી ભેટ આપશે.
જીંદના એકલવ્ય સ્ટેડિયમ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં પીએમ મોદી અંદાજે રૂ. ૧૪,૭૦૦ કરોડના ખર્ચે સાકાર થનારા વિવિધ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ વડાપ્રધાન ચંદીગઢની મુલાકાત લેશે, જ્યાં તેઓ હેલ્થકેર, શિક્ષણ અને માર્ગ માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા માટે રૂ. ૬,૬૦૦ કરોડથી વધુના કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ મુલાકાત દરમિયાન ચંદીગઢની પ્રતિષ્ઠિત સંસ્થા PGIMER (પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ) ખાતે નવનિર્મિત 'એડવાન્સ્ડ મધર એન્ડ ચાઇલ્ડ સેન્ટર' તેમજ 'એડવાન્સ્ડ ન્યુરોસાયન્સ સેન્ટર' દેશના દર્દીઓની સેવામાં ખુલ્લા મૂકવામાં આવશે, જે તબીબી ક્ષેત્રે એક મોટો સીમાચિહ્ન સાબિત થશે.
પોતાના વ્યસ્ત પ્રવાસના અંતિમ ચરણમાં પીએમ મોદી પંજાબના જલંધરની મુલાકાત લેશે. અહીં તેઓ અંદાજે રૂ. ૫,૪૭૦ કરોડથી વધુના રેલવે, કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કાર્યોનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસન અને પરિવહન વ્યવસ્થાને વધુ સુવિધાજનક બનાવવાની સાથે પ્રદેશમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે. આ પ્રસંગે 'અમૃત ભારત સ્ટેશન યોજના' અંતર્ગત કાયાકલ્પ પામેલા જલંધર કેન્ટ સહિત દેશના ૭૫ પુનઃવિકસિત રેલ્વે સ્ટેશનોનું પણ પીએમ મોદીના હસ્તે ડિજિટલ માધ્યમથી ઉદ્ઘાટન કરવામાં આવશે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
