તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
સંરક્ષણ ક્ષેત્રે ભારતનો વિકાસ! ૨૦૧૪માં જે નિકાસ માત્ર ₹૧,૦૦૦ કરોડ હતી : તે આજે પહોંચી ₹૩૮,૪૨૪ કરોડના રેકોર્ડ સ્તરે
નાગપુરમાં ૧૦,૦૦૦ ટનના મેગા પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની ગર્જના: આગામી ત્રણ વર્ષમાં ₹૫૦,૦૦૦ કરોડના હથિયારો દુનિયાને વેચવાનું ભારતનું લક્ષ્ય : 'ઓપરેશન સિંદૂર'ના હથિયારોએ આતંકવાદીઓના ઠેકાણા ઉડાવ્યા

નાગપુર: ભારત હવે માત્ર સંરક્ષણ સાધનો ખરીદનારો દેશ નથી રહ્યો, પરંતુ દુનિયાને ઘાતક હથિયારો વેચનારી એક મહાસક્તિ તરીકે ઉભરી આવ્યો છે. મહારાષ્ટ્રના નાગપુર માં યંત્ર ઇન્ડિયા લિમિટેડના ઓર્ડનન્સ ફેક્ટરી સંકુલ ખાતે ૧૦,૦૦૦ ટનના ભવ્ય એલ્યુમિનિયમ એક્સટ્રુઝન પ્રેસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરતા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ ગૌરવશાળી આંકડા જાહેર કર્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રજૂ કરાયેલો આ નવો પ્રોજેક્ટ એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રે દેશની આયાત પરની નિર્ભરતાને સંપૂર્ણપણે ખતમ કરી દેશે અને સ્વદેશી હાઇ-ક્વોલિટી ઘટકોનું નિર્માણ કરશે.
સંરક્ષણ પ્રધાને સભાને સંબોધતા ભારતના આત્મનિર્ભર બનવાની રોમાંચક સફરની વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૧૪માં ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન માત્ર ₹૪૬,૦૦૦ કરોડ હતું, જે આજે અકલ્પનીય ઉછાળા સાથે ₹૧,૭૮,૦૦૦ કરોડને પાર કરી ગયું છે. સૌથી મોટો ચમત્કાર સંરક્ષણ નિકાસ (ડિફેન્સ એક્સપોર્ટ) માં જોવા મળ્યો છે, જે ૨૦૧૪માં ₹૧,૦૦૦ કરોડ કરતાં પણ ઓછી હતી, તે આજે વધીને ₹૩૮,૪૨4 કરોડના ઐતિહાસિક ઓલ-ટાઇમ હાઇ સ્તરે પહોંચી ગઈ છે. આ આંકડા માત્ર પ્રગતિ નથી દર્શાવતા પરંતુ બદલાતા ભારતની વૈશ્વિક તાકાત અને સૈન્ય આત્મવિશ્વાસની ગવાહી આપે છે.
વર્તમાન વૈશ્વિક યુદ્ધો અને પ્રભાવિત થતી સપ્લાય ચેઇનનો ઉલ્લેખ કરીને રાજનાથ સિંહે આગામી બે થી ત્રણ વર્ષ માટે ભારતનો સિંહફાળો આપનારો નવો રોડમેપ જાહેર કર્યો છે. સરકારે હવે આગામી ત્રણ વર્ષમાં ₹૩ લાખ કરોડનું ઘરેલું સંરક્ષણ ઉત્પાદન અને ₹૫૦,૦૦૦ કરોડની નિકાસ કરવાનું અત્યંત મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે, જેને સમય પહેલાં પૂરું કરવાનો સંકલ્પ લેવાયો છે. ગત વર્ષે સરહદ પર થયેલા 'ઓપરેશન સિંદૂર'ની ભવ્ય સફળતા અને ભારતીય સેનાના જવાનોની અદમ્ય હિંમતને યાદ કરતાં તેમણે ઉમેર્યું કે, આ ઓપરેશનમાં મેડ ઇન ઇન્ડિયા સાધનો અને ઉચ્ચ ગુણવત્તાવાળા હથિયારોએ આતંકવાદીઓ અને તેમના આકાઓના ઠેકાણાઓનો કચ્ચરઘાણ વાળી દીધો હતો, જે સાબિત કરે છે કે મજબૂત સેના માટે મજબૂત સ્વદેશી હથિયાર હોવા અનિવાર્ય છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
