News of Thursday, 30th July 2026
CWG 2026 સમાપન સમારોહમાં ભારતનો ભવ્ય દબદબો: અમદાવાદ 2030 માટે ગ્લાસગોમાં ફ્લેગ હેન્ડઓવર, શંકર મહાદેવન અને માનુષી છિલ્લર મચાવશે ધૂમ!
2 ઓગસ્ટે સ્કોટલેન્ડ ભારતને સોંપશે કોમનવેલ્થનો દંડૂકો: 20 મિનિટના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ અને ગરબાની ગૂંજ સાથે ગુજરાતનું સન્માન કરાશે

અમદાવાદ : ગ્લાસગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 ના સમાપન સમારોહમાં ભારત એક ઐતિહાસિક અને ગૌરવશાળી ક્ષણનો સાક્ષી બનવા જઈ રહ્યું છે. આવનારી 2 ઓગસ્ટે સમાપન સમારોહ દરમિયાન સ્કોટલેન્ડ સત્તાવાર રીતે ભારતને કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની સોંપશે. આ ફ્લેગ હેન્ડઓવર સેરેમની સાથે અમદાવાદ 2030 ની યજમાની માટે વિશ્વ મંચ પર સત્તાવાર રીતે સ્થાન મેળવશે.
આ ખાસ પ્રસંગને યાદગાર બનાવવા માટે 20 મિનિટનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ 'ઇન્ડિયા હેન્ડઓવર સેગમેન્ટ' રજૂ કરવામાં આવશે. જેમાં સુપ્રસિદ્ધ ગાયક-સંગીતકાર શંકર મહાદેવન, અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર, પ્રખ્યાત ગુજરાતી પ્લેબેક સિંગર ભૂમિ ત્રિવેદી, સંગીતકાર સિદ્ધાર્થ અને શિવમ મહાદેવન તેમજ આંતરરાષ્ટ્રીય સિતારવાદક ઋષભ રિખીરામ શર્મા પોતાની કલાનો જાદુ વિખેરશે.
સમારોહની શરૂઆત ભારતના રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ની 150મી વર્ષગાંઠની ઉજવણી સાથે થશે, જેમાં માનુષી છિલ્લર દેશભક્તિ અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતા નૃત્યનું નેતૃત્વ કરશે. આ પછી, સિતારવાદક ઋષભ શર્મા સ્કોટિશ પાઇપર રોસ એન્સલી સાથે ક્રોસ-કલ્ચરલ મ્યુઝિક રજૂ કરશે. અંતમાં 2030 ગેમ્સના યજમાન રાજ્ય ગુજરાત અને અમદાવાદને ખાસ શ્રદ્ધાંજલિ અર્પતાં શંકર મહાદેવન અને ભૂમિ ત્રિવેદી ગુજરાતી લોકસંગીત અને ગરબાના તાલ સાથે કાર્યક્રમનું ઉત્સવમય સમાપન કરશે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
