તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
કેમિકલ ક્ષેત્રે ભારતની મહાછલાંગ: રૂ. 3,030 કરોડના 'ભવ્ય રસાયણ' મિશનથી દેશ બનશે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ
કેન્દ્રીય કેબિનેટે દેશભરમાં 24 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ સાથેના 3 હાઇટેક કેમિકલ પાર્ક સ્થાપવાની મંજૂરી આપી: હજારો નવી રોજગારી અને અબજોના રોકાણથી આત્મનિર્ભર ભારત મિશનને મળશે બૂસ્ટર ડોઝ

નવી દિલ્હી : ભારતને વૈશ્વિક કેમિકલ પ્રોડક્શન ક્ષેત્રે 'સુપરપાવર' બનાવવાના હેતુથી કેન્દ્રીય મંત્રીમંડળે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ₹3,030 કરોડના બજેટ ધરાવતી ‘ભવ્ય રાસાયણિક યોજના’ ને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ મહત્વકાંક્ષી મિશન હેઠળ દેશમાં 3 વિશાળ અને સમર્પિત કેમિકલ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. દરેક પાર્ક આશરે 8 ચોરસ કિલોમીટર (2,000 એકર) જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલો હશે. આગામી 5 વર્ષોમાં અમલી બનનારી આ યોજના ભારતીય ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા વધારીને ચીન અને યુરોપિયન દેશો સામે ભારતીય મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને એક મજબૂત સ્પર્ધાત્મક ધાર આપશે.
આ સમર્પિત રાસાયણિક ઉદ્યાનો માત્ર સાદા ઔદ્યોગિક પ્લોટ નહીં હોય, પરંતુ સંપૂર્ણપણે 'પ્લગ-એન્ડ-પ્લે' ધોરણે સજ્જ વિશ્વસ્તરીય ઈકોસિસ્ટમ ધરાવશે. યોજના હેઠળ કેન્દ્ર સરકાર પ્રત્યેક કેમિકલ પાર્કની સ્થાપના માટે ₹1,000 કરોડની નાણાકીય સહાય પૂરી પાડશે. આ પાર્ક્સમાં કંપનીઓ માટે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ , સેન્ટ્રલાઇઝ્ડ સ્ટીમ ગ્રીડ, સોલ્વન્ટ રિકવરી પ્લાન્ટ, પાઇપલાઇન નેટવર્ક અને આધુનિક વેસ્ટ મેનેજમેન્ટ જેવી સુવિધાઓ એક જ છત નીચે મળશે. આવી સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી ઉદ્યોગોનો લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે અને પ્યાવરણ સંબંધિત નિયમોનું પાલન કરવું વધુ સરળ બનશે.
સરકારનું આ કદમ દેશના રૂ. 33,660 કરોડના વિશાળ 'ભારત ઔદ્યોગિક વિકાસ યોજના' ના માસ્ટરપ્લાનનો જ એક મહત્વનો ભાગ છે, જે હેઠળ દેશભરમાં કુલ 100 હાઇટેક ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સ્થાપવાની યોજના છે. આ નવા રાસાયણિક પાર્ક સ્થાપવા માટે રાજ્યો વચ્ચે સ્પર્ધાત્મક હરીફાઈ યોજાશે, જેથી સૌથી સક્ષમ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા રાજ્યોની પસંદગી થઈ શકે. કેમિકલ, પેટ્રોકેમિકલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે આયાત પર નિર્ભરતા ઘટાડીને સ્થાનિક ઉત્પાદન વધારવાની આ કવાયતથી દેશમાં હજારો નવી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીની તકો ઊભી થશે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
