તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
ભારતનો જીડીપી બમણો થયો :ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ક્રાંતિ, UPI અને મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારત હરણફાળ ભરી રહ્યો છે
ફ્રાન્સના પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદીએ છેલ્લા 12 વર્ષમાં ભારતની ઐતિહાસિક સિદ્ધિઓ વર્ણવી: તેમણે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદીએ છેલ્લા 12 વર્ષમાં ભારતએ વિકાસ, ટેકનોલોજી અને સામાજિક પરિવર્તનના ક્ષેત્રોમાં હાંસલ કરેલી ઐતિહાસિક સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ સમયગાળો 1.4 અબજ ભારતીયોની અદભૂત ક્ષમતા, આત્મવિશ્વાસ અને પ્રગતિનું પ્રતિબિંબ છે.
વડાપ્રધાને જણાવ્યું કે, છેલ્લા 12 વર્ષ દરમિયાન ભારતનો જીડીપી બમણો થયો છે. આ સાથે દેશમાં એરપોર્ટ અને યુનિવર્સિટીની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. હાઇવે નિર્માણની ગતિ 3 ગણી થઈ છે, જ્યારે મેટ્રો નેટવર્ક 4 ગણું વિસ્તર્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે ભારત ઝડપથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આગળ વધી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતની નિકાસ છેલ્લા 12 વર્ષમાં 3 ગણી વધી છે. સાથે જ મોબાઇલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે અને ઉત્પાદન એકમોની સંખ્યા લગભગ 100 ગણી વધી છે. આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ બની ગયો છે.
પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતની પ્રગતિ માત્ર અર્થતંત્ર સુધી મર્યાદિત નથી, પરંતુ તે સામાજિક પરિવર્તનની પણ એક પ્રેરણાદાયી કહાની છે. છેલ્લા 12 વર્ષમાં આશરે 250 મિલિયન લોકો ગરીબી માંથી બહાર આવ્યા છે. આ સિદ્ધિ દર્શાવે છે કે વિકાસનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચ્યો છે. તેમણે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં જરૂરિયાતમંદો માટે એટલા કાયમી મકાનો બનાવવામાં આવ્યા છે, જે ફ્રાન્સમાં આવેલા કુલ ઘરોની સંખ્યાથી પણ વધુ છે. આજે દેશના લગભગ દરેક પરિવાર પાસે બેંક ખાતું છે, જેના કારણે નાણાકીય સમાવેશને નવી દિશા મળી છે.
વડાપ્રધાને કહ્યું કે તમામ આંકડાઓથી પણ મોટી સિદ્ધિ ભારતના 1.4 અબજ લોકોનો આત્મવિશ્વાસ છે. આજના યુવાનો મોટા સપના જોઈ રહ્યા છે, ખેડૂતો નવી તકો શોધી રહ્યા છે અને મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ પ્રદાન કરી રહી છે. આ સમયગાળો માત્ર વિકાસનો નહીં, પરંતુ દેશની આકાંક્ષાઓને નવી ઊંચાઈ આપવાનો સમય રહ્યો છે.
એક સમય એવો હતો જ્યારે દૂરના ગામડાંઓ સુધી આધુનિક સુવિધાઓ પહોંચાડવી મુશ્કેલ હતી. પરંતુ આજે વીજળી, ઇન્ટરનેટ અને વિવિધ ડિજિટલ સેવાઓ ગામડાંઓ સુધી પહોંચી ગઈ છે. બેંકિંગ સેવાઓ હવે એક બટનના ક્લિક પર ઉપલબ્ધ બની છે, જ્યારે સ્માર્ટફોન લોકો માટે અનેક સરકારી અને ખાનગી સેવાઓનું દ્વાર બની ગયો છે. ખેડૂતો, માછીમારો, ડેરી ખેડૂતો , મહિલાઓ અને વિદ્યાર્થીઓ ટેકનોલોજીના ઉપયોગથી નવી તકો અને રોજગાર સર્જી રહ્યા છે.
વડાપ્રધાને જણાવ્યું કે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો વિશ્વાસ, નવીનતા અને સહિયારી પ્રગતિ પર આધારિત છે. સંરક્ષણ , અવકાશ કૃત્રિમ બુદ્ધિમત્તા, સ્વચ્છ ઊર્જા ડિજિટલ ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સ જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેનો સહયોગ આગામી સમયમાં વધુ મજબૂત બનશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને ફ્રાન્સ મળીને માત્ર પોતાના દેશો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે નવી તકો, નવીન વિચારો અને વિકાસના નવા માર્ગો સર્જશે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
