તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 7.7 અબજ ડોલરનો મસમોટો ઘટાડો: સોનાના ભંડારમાં પણ ગાબડું, જાણો RBI ના લેટેસ્ટ આંકડા શું કહે છે?
ફોરેક્સ રિઝર્વ ઘટીને 690 અબજ ડોલર પર પહોંચ્યું: વૈશ્વિક આર્થિક સ્થિતિ અને કરન્સી માર્કેટમાં ઉતાર-ચઢાવની સીધી અસર ભારતના હૂંડિયામણ ભંડાર પર પડી

મુંબઈ: ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, ૧ મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ૭.૭ અબજ યુએસ ડોલર ઘટીને ૬૯૦ અબજ યુએસ ડોલર પર પહોંચી ગયો છે. વિદેશી હૂંડિયામણમાં આવેલો આ ઘટાડો છેલ્લા કેટલાક સમયનો મોટો ઘટાડો માનવામાં આવે છે.
RBI ના અહેવાલ મુજબ, આ ઘટાડામાં સૌથી મોટો હિસ્સો સોનાના ભંડારનો રહ્યો છે. ગોલ્ડ રિઝર્વમાં ૫ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે તે હવે ૧૧૫ અબજ ડોલરના સ્તરે પહોંચી ગયું છે. આ ઉપરાંત, વિદેશી ચલણ અસ્કયામતો (FCA), જે ભંડારનો સૌથી મોટો હિસ્સો છે, તેમાં પણ ૨.૭ અબજ ડોલરનો ઘટાડો થતા તે ૫૫૧ અબજ ડોલર પર આવી ગઈ છે.
જોકે, આ નકારાત્મક સમાચારની વચ્ચે કેટલાક સકારાત્મક આંકડા પણ જોવા મળ્યા છે. સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDRs) માં ૧૫ મિલિયન યુએસ ડોલરનો વધારો થયો છે, જે હવે ૧૮.૭૮ અબજ યુએસ ડોલર છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) પાસે ભારતની અનામત સ્થિતિમાં પણ ૮ મિલિયન યુએસ ડોલરનો વધારો નોંધાયો છે, જે હવે ૪.૮૬ અબજ યુએસ ડોલર થઈ છે.
નાણાકીય નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધઘટ અને ડોલરની સરખામણીએ અન્ય વિદેશી કરન્સીના મૂલ્યમાં ફેરફારને કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાથી દેશની આયાત ક્ષમતા અને રૂપિયાની સ્થિરતા પર દબાણ આવી શકે છે, જેના પર RBI સતત નજર રાખી રહી છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
