તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં સ્થપાશે ભારતનો પહેલો વિશાળ બાયોપોલિમર પ્લાન્ટ: ગ્રીન પ્લાસ્ટિક તરફ ઐતિહાસિક કદમ
શેરડીના રસ અને કચરામાંથી પર્યાવરણને અનુકૂળ પોલીલેક્ટિક એસિડ (PLA) પ્લાસ્ટિકનું થશે ઉત્પાદન: ૨,૮૫૦ કરોડથી વધુનું રોકાણ અને રોજગારીની નવી તકો

લખીમપુર ખેરી, તા. ૧૫: પર્યાવરણની જાળવણી અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિદારી પહેલ શરૂ કરી છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં દેશનો સૌપ્રથમ મોટા પાયે બાયોપોલિમર (ગ્રીન પ્લાસ્ટિક) ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત થવા જઈ રહ્યો છે. પરંપરાગત અને હાનિકારક પ્લાસ્ટિક પરની નિર્ભરતા ઘટાડવા માટેનો આ પ્રોજેક્ટ દેશના ગ્રીન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં એક નવો માઈલસ્ટોન સાબિત થશે, જેનું વ્યાપારી સંચાલન ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં શરૂ થઈ જશે.
આ અત્યાધુનિક પ્લાન્ટ લખીમપુર ખેરીના કુંભી સુગર યુનિટના પરિસરમાં બનાવવામાં આવી રહ્યો છે. આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ પાછળ આશરે ₹૨,૮૫૦ થી ₹૩,૦૮૦ કરોડ જેટલું મસમોટું રોકાણ કરવામાં આવ્યું છે, જેને બલરામપુર ચીની મિલ્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત થનારી આ સિરીઝનું માર્કેટિંગ 'બલરામપુર બાયોયુગ' ના નામે કરવામાં આવશે. સૌથી મોટી ખાસિયત એ છે કે આ પ્લાન્ટ સંપૂર્ણપણે નવીનીકરણીય ઉર્જાથી સંચાલિત થશે અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમનો ઉપયોગ કરશે.
આ પ્લાન્ટની મુખ્ય વિશેષતા તેની અદ્ભુત ઉત્પાદન ક્ષમતા છે, જ્યાં વાર્ષિક ૮૦,૦૦૦ ટન પોલીલેક્ટિક એસિડ (PLA) રેઝિનનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્લાન્ટમાં શેરડીના રસ તેમજ ખાંડ ઉદ્યોગના કચરા (ઉપ-ઉત્પાદનો) નો ઉપયોગ કરીને પર્યાવરણને બિલકુલ નુકસાન ન કરે તેવું બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવવામાં આવશે. આ પ્લાન્ટ માટે બેલ્જિયમથી આશરે ૨૦૦ ટન વજન અને ૪૧ મીટર લાંબું વિશાળ બોઈલર જહાજ દ્વારા મંગાવવામાં આવ્યું છે, જેને ખાસ ૩૦૮ પૈડાવાળી ટ્રક દ્વારા લખીમપુર ખેરી સ્થિત પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવ્યું છે.
પોલીલેક્ટિક એસિડ (PLA) એ એક એવું પર્યાવરણમિત્ર બાયોપ્લાસ્ટિક છે જે રોજિંદા ઉપયોગની વસ્તુઓ જેવી કે નિકાલજોગ પ્લેટો, કપ, કટલરી, પાણીની બોટલો, પેન અને પેકેજિંગ મટીરીયલ બનાવવામાં વપરાય છે. પરંપરાગત પ્લાસ્ટિક જ્યાં વર્ષો સુધી માટીમાં વિઘટિત થતું નથી અને ઝેરી તત્વો છોડે છે, ત્યારે PLA ઉત્પાદનો માત્ર ૩ થી ૬ મહિનાની અંદર કુદરતી રીતે માટીમાં વિઘટિત થઈ જાય છે, જેનાથી સમુદ્રો અને લેન્ડફિલ પરના કચરાના ભારણમાં મોટો ઘટાડો થશે.
આ પ્રોજેક્ટથી માત્ર પર્યાવરણને જ ફાયદો નહીં થાય, પરંતુ સ્થાનિક શેરડીના ખેડૂતોને પણ તેમના ઉત્પાદનના વધુ સારા ભાવ મળશે અને કૃષિ આધારિત અર્થતંત્ર મજબૂત બનશે. આ સાથે જ ઉત્તર પ્રદેશના હજારો યુવાનો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ટેકનિકલ તથા બિન-તકનીકી રોજગારીની વિશાળ તકોનું સર્જન થશે. ભારતની આ પહેલથી વૈશ્વિક સ્તરે દેશની ગ્રીન ટેક્નોલોજી ક્ષેત્રે પ્રતિષ્ઠા વધુ મજબૂત થશે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
