News of Tuesday, 23rd June 2026
પશ્ચિમ એશિયાના સંકટ સામે ભારતનું ‘એનર્જી કવચ’: S&P ગ્લોબલનો મોટો ખુલાસો
હોર્મુઝ બંધ થતાં વૈશ્વિક સ્તરે ૧૭% સપ્લાય ખોરવાયો છતાં ભારતે ઓમાન, અમેરિકા અને આફ્રિકન દેશો સાથે વ્યુહાત્મક ભાગીદારી કરી પોતાની ઉર્જા સુરક્ષા અકબંધ રાખી

પશ્ચિમ એશિયામાં સર્જાયેલા ગંભીર ભૂ-રાજકીય સંકટ અને હોર્મુઝની બંધ થવાના કારણે વૈશ્વિક સ્તરે ઇંધણ પુરવઠામાં ઇતિહાસનો સૌથી મોટો વિક્ષેપ પડ્યો હતો. આ નાજુક સમયમાં પણ વિશ્વના ચોથા સૌથી મોટા એલએનજી (LNG) ખરીદનાર ભારતે અપ્રતિમ સ્થિતિસ્થાપકતા અને વ્યુહાત્મક કુશળતા દર્શાવીને દેશને ઉર્જા કટોકટીમાંથી ઉગારી લીધો છે. રેટિંગ એજન્સી S&P ગ્લોબલ એનર્જીના અહેવાલ મુજબ, હોર્મુઝ જળમાર્ગ બંધ થવાથી વૈશ્વિક સપ્લાય ચેઈનને ૧૭ ટકાનો ફટકો પડ્યો હતો, પરંતુ ભારતે સમયસર પોતાના આયાત સ્ત્રોતોનું વૈવિધ્યકરણ કરીને ઓમાન, યુનાઇટેડ સ્ટેટ્સ, નાઇજીરીયા અને અંગોલા જેવા દેશો પાસેથી ઈંધણ મેળવવાનું શરૂ કરી દીધું હતું. આ આક્રમક રણનીતિના પરિણામે ભારતમાં LNG આયાતમાં એપ્રિલમાં માત્ર ૫% અને મે ૨૦૨૬ માં માત્ર ૨% નો નજીવો ઘટાડો નોંધાયો હતો.
એલએનજી ઉપરાંત ક્રૂડ ઓઇલ (કાચું તેલ) સુરક્ષિત કરવા માટે પણ ભારતે વૈશ્વિક સ્તરે નવા વિકલ્પો શોધી કાઢ્યા છે. પરંપરાગત સપ્લાયર્સ અને રશિયા ઉપરાંત ભારતે વેનેઝુએલા અને અમેરિકા પાસેથી મોટા પાયે ક્રૂડ ઓઇલની આયાત વધારી દીધી છે. S&P ગ્લોબલના પ્રિન્સિપલ એનાલિસ્ટ જોહાન ઉટામાના મતે, ગલ્ફ ક્ષેત્રમાં પ્રવાહી ઇંધણના ઉત્પાદનમાં દૈનિક ૧.૫ કરોડ (૧૫ મિલિયન) બેરલનો જંગી ઘટાડો થયો હોવા છતાં, ચીન અને જાપાન દ્વારા માંગ વ્યવસ્થાપન અને અમેરિકા દ્વારા નિકાસ વધારવાના કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવો સ્થિર રાખવામાં મોટી મદદ મળી છે. તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા વચગાળાના શાંતિ કરાર બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલતા ઉર્જા પ્રવાહમાં ચોક્કસ સુધારો થશે, પરંતુ વૈશ્વિક બજારોને સામાન્ય થવામાં હજુ લાંબો સમય લાગશે.
સંશોધન સંસ્થાના વાઇસ પ્રમુખ જીમ બર્કહાર્ટ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિક શર્માએ ચેતવણી આપી છે કે આગામી જૂન-જુલાઈ મહિના સુધી વૈશ્વિક તેલનો ભંડાર તળિયે હોવાના કારણે આંતરરાષ્ટ્રીય ભાવો પર ફરી ઉપરનું દબાણ આવી શકે છે. આ પરિસ્થિતિને જોતા હવે ભારત માટે સ્થાનિક સ્તરે તેલ સંશોધન અને ઉત્પાદન ને મજબૂત બનાવવું એક વ્યૂહાત્મક અનિવાર્યતા બની ગઈ છે. નિષ્ણાતોના મતે, ભવિષ્યના કોઈપણ આંચકા કે પુરવઠા અવરોધને પહોંચી વળવા માટે ભારતે પોતાની વૈવિધ્યસભર ખરીદી વ્યૂહરચના લાંબાગાળા સુધી જાળવી રાખવી પડશે. હવે વૈશ્વિક ઉર્જા બજારમાં માત્ર ખર્ચ ઘટાડવા કે મોટા પાયે ખરીદી કરવાના બદલે સ્થિર સંસાધનોની સીધી પહોંચ અને ઝડપી પ્રોજેક્ટ પૂર્ણ કરવા જેવા પરિબળો ભારતની દીર્ઘકાલીન ઉર્જા સુરક્ષા નક્કી કરશે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
