તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
ભારતની ઉર્જા સુરક્ષાને લાગ્યો 'જેટ પ્રોપલ્શન': મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે UAE ભારતીય ધરતી પર રાખશે ૩ કરોડ બેરલ તેલનો અતૂટ ખજાનો
વૈશ્વિક કટોકટી અને યુદ્ધની સ્થિતિમાં ભારતની પરિવહન અને ઔદ્યોગિક ક્ષમતાને અટકતી રોકવા માટે અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની તમામ આર્થિક બોજ ઉઠાવીને દેશના ભૂગર્ભ સ્ટોરેજમાં વ્યૂહાત્મક ક્રૂડ ઓઇલનો બૅકઅપ વધારશે, જેનાથી રિઝર્વ ક્ષમતામાં સીધો ૭૦ ટકાનો તોતિંગ ઉછાળો નોંધાશે

અબુ ધાબી : આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂ-રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે ત્યારે પશ્ચિમ એશિયાના સળગતા પ્રવાહો વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષાને અભેદ્ય કવચ મળવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે એક એવો ઐતિહાસિક અને દૂરોગામી નિર્ણય લેવાયો છે જે ભવિષ્યની કોઈપણ વૈશ્વિક કટોકટીમાં ભારત માટે સંજીવની સાબિત થશે. અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની ભારતમાં પોતાની હાજરીનો વ્યાપ વધારીને અહીની ગુપ્ત ભૂગર્ભ ગુફાઓમાં અંદાજે ૩૦ મિલિયન એટલે કે ૩ કરોડ બેરલ જેટલો પ્રચંડ વ્યૂહાત્મક ક્રૂડ ઓઇલનો જથ્થો અનામત રાખવા માટે સત્તાવાર રીતે સંમત થઈ ગઈ છે.
હાલના સમયમાં હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર સર્જાયેલી આશંકાઓ અને સંભવિત અવરોધોને જોતા આ કરાર વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ અને સમયસરનો માનવામાં આવી રહ્યો છે. જો કોઈ મોટું વૈશ્વિક યુદ્ધ ફાટી નીકળે અથવા સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ જાય, તો પણ ભારતનો વિકાસ રથ અટકશે નહીં. આ કરાર માત્ર બે દેશો વચ્ચેનો વ્યાપારી સોદો નથી પરંતુ તે બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતની મજબૂત થતી રાજદ્વારી પકડ અને ઉર્જા સુરક્ષા પ્રત્યેની દીર્ઘદ્રષ્ટિનો જીવંત પુરાવો છે.
આંકડાકીય વિશ્લેષણ તરફ નજર કરીએ તો ભારત પોતાની દૈનિક પરિવહન, ઔદ્યોગિક અને સ્થાનિક ઉર્જા જરૂરિયાતોને સંતોષવા માટે દરરોજ આશરે ૫.૫ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલનો ધુમાડો કરે છે. આ વિશાળ વપરાશના માપદંડને આધારે મૂલ્યાંકન કરવામાં આવે તો યુએઈ દ્વારા પ્રસ્તાવિત આ ૩૦ મિલિયન બેરલનો નવો ભંડાર કોઈપણ ગંભીર કટોકટીના સમયે દેશની તમામ જરૂરિયાતોને સતત સાડા પાંચથી છ દિવસ સુધી કોઈ પણ અડચણ વિના પુરી કરવા માટે સક્ષમ છે, જે યુદ્ધ જેવા સંજોગોમાં દેશના આયોજન માટે બહુમૂલ્ય સમય આપી શકે છે.
વર્તમાન સમયમાં ભારત પાસે ઉપલબ્ધ કુલ વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર આશરે ૫.૩ મિલિયન ટન જેટલો નોંધાયેલો છે. હવે જ્યારે અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની તરફથી આ નવો ૩૦ મિલિયન બેરલનો જથ્થો ભારતીય સ્ટોરેજમાં ઠાલવવામાં આવશે, ત્યારે દેશની એકંદર વ્યૂહાત્મક અનામત ક્ષમતામાં એકાએક ૭૦ ટકા જેટલો જંગી વધારો જોવા મળશે. સંરક્ષણ અને આર્થિક બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે આ વધારાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ભડકે બળે તો પણ ભારત પોતાના આર્થિક હિતોનું રક્ષણ સરળતાથી કરી શકશે.
આ સમગ્ર સમજૂતીનું સૌથી આકર્ષક અને ભારત માટે ફાયદાકારક પાસું એ છે કે આ અનામત રાખવામાં આવનારા તેલની માલિકી યુએઈ સરકાર અને તેમની તેલ કંપની હસ્તક જ રહેશે. એટલું જ નહીં, પરંતુ ભારતના ભૂગર્ભ વિસ્તારોમાં આ અતિ વિશાળ જથ્થાને સંગ્રહિત કરવા માટે જે પણ નાણાકીય ખર્ચ કે જાળવણીનો મોટો બોજ આવશે, તે તમામ આર્થિક જવાબદારી યુએઈ પોતે જ વહન કરશે. આનાથી ભારત સરકારની તિજોરી પર એક પણ રૂપિયાનો ભાર પડ્યા વિના મફતમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા કવચ મળી ગયું છે.
જ્યારે ભારતીય રિફાઇનરીઓ પાસે ઉપલબ્ધ પોતાના ચાલુ સ્ટોક અને વર્તમાન વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારની અંદર આ નવા યુએઈના બેકઅપને જોડી દેવામાં આવશે, ત્યારે ભારતની એકંદર ક્રૂડ ઓઇલ બેકઅપ ક્ષમતામાં નોંધપાત્ર દિવસોનો વધારો થઈ જશે. પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી આયાત કરતા ભારત જેવા વિશાળ લોકશાહી દેશ માટે આ સ્તરનું સુરક્ષા અનામત અનિવાર્ય મનાય છે, જે દેશની આર્થિક સાર્વભૌમત્વતાને વૈશ્વિક બજારના ઝટકાઓ સામે સંપૂર્ણ ગેરંટી પ્રદાન કરે છે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
