<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતનો ડંકો: જૂનમાં નિકાસમાં ૧૫.૫૪% નો બમ્પર ઉછાળો : ચીનમાં ભારતીય ચોખા અને મીટ પ્રોડક્ટ્સની ભારે ધૂમ

અમેરિકી બજારમાં આંશિક મંદી વચ્ચે સિંગાપોર અને ડ્રેગનના દેશમાં ભારતીય સામાનની નિકાસમાં જોરદાર રેકોર્ડ બ્રેક વધારો : એન્જિનિયરિંગ-ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરે વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો

નવી દિલ્હી:  વૈશ્વિક આર્થિક પડકારો અને ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે પણ ભારતીય નિકાસ ક્ષેત્રે જૂન ૨૦૨૬ ના મહિનામાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, ભારતની કુલ નિકાસમાં વાર્ષિક ધોરણે ૧૫.૫૪% નો મજબૂત અને પ્રોત્સાહક વિકાસ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન દેશની કુલ નિકાસ વધીને ૪૦,૪૧૩.૬૯ મિલિયન યુએસ ડોલર પર પહોંચી ગઈ છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં ૩૪,૯૭૮.૮૫ મિલિયન યુએસ ડોલર હતી. આ તેજી લાવવામાં ભારતીય એન્જિનિયરિંગ ગુડ્ઝ અને અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ સામાનનો સિંહફાળો રહ્યો છે, જેમાં એન્જિનિયરિંગ નિકાસ ૨૦.૭૪% ના ઉછાળા સાથે ૧૧,૪૭૮.૬૯ મિલિયન યુએસ ડોલર પર પહોંચી ગઈ છે.

આ આંકડાઓમાં સૌથી ચોંકાવનારો અને રસપ્રદ વળાંક એ આવ્યો છે કે ભારતની ચીન ખાતેની નિકાસમાં ૩૧.૪૯% નો જંગી વધારો જોવા મળ્યો છે. ડ્રેગનના દેશમાં ભારતીય ચોખા અને માંસ-ડેરી પ્રોડક્ટ્સની માંગ આકાશે આંબી રહી છે, જેમાં ચોખાની નિકાસ ૧,૦૦૦.૩૩ મિલિયન યુએસ ડોલર પર પહોંચી છે અને મીટ-ડેરી સેક્ટરે ૫૪.૬૩% નો અસાધારણ ગ્રોથ નોંધાવ્યો છે. આ ઉપરાંત, સિંગાપોરમાં પણ ભારતીય માલની નિકાસ ૪૮.૯૧% ના દરે તેજીથી વધી છે. જો કે, પરંપરાગત રીતે ભારતનું સૌથી મોટું નિકાસ હબ ગણાતા અમેરિકા (USA) માં આ વખતે નિકાસમાં ૧.૨૧% નો નજીવો ઘટાડો નોંધાયો છે, જે બદલાતા વૈશ્વિક સમીકરણો તરફ ઈશારો કરે છે.

બીજી તરફ, દેશની આયાતનો મોરચો પણ એટલો જ સક્રિય રહ્યો છે. જૂન ૨૦૨૬ માં ભારતની કુલ આયાત ૩૧% ના વધારા સાથે ૭૦,૮૪૨.૧૭ મિલિયન યુએસ ડોલર પર પહોંચી છે, જેમાં ક્રૂડ તેલ, સોનું અને કઠોળની માંગ મુખ્ય રહી છે. આશ્ચર્યજનક રીતે દેશમાં કઠોળની આયાતમાં ૧૯૨.૭૨% નો રેકોર્ડબ્રેક વધારો થયો છે. આયાતના સ્ત્રોતોની વાત કરીએ તો, ચીનમાંથી ભારતની આયાત ૪૦.૨૬% વધીને ૧૩,૩૪૨.૫૦ મિલિયન યુએસ ડોલર થઈ છે, જ્યારે રશિયા પર નિર્ભરતા વધુ મજબૂત બની છે અને ત્યાંથી થતી આયાતમાં ૮૫.૦૨% નો વિસ્ફોટક ઉછાળો જોવા મળ્યો છે. કુલ  આ વૈશ્વિક વેપારના આંકડા દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે ભારતની પકડ વધુ મજબૂત બની રહી છે.

(7:11 PM IST)