<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

હિંદ મહાસાગરમાં ભારતનો દબદબો: સેશેલ્સના ૫૦મા રાષ્ટ્રીય દિવસની ગોલ્ડન જ્યુબિલી ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિક્ટોરિયા પહોંચ્યા, ભારતીય સમુદાયે પલકપાંવડે કર્યું અભૂતપૂર્વ અને ભવ્ય સ્વાગત

​છેલ્લાં ૪૪ વર્ષનો આ સર્વશ્રેષ્ઠ અને સૌથી યાદગાર દિવસ હોવાની લાગણી સાથે પ્રવાસી ભારતીયો ભાવુક થયા: ત્રિદિવસીય ઐતિહાસિક રાજકીય પ્રવાસ દરમિયાન પીએમ મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિની વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અને દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા વ્યાપક મંત્રણા યોજાશે, સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે નરેન્દ્ર મોદી

​વિક્ટોરિયા  હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના વ્યૂહાત્મક પડોશી અને મહત્વપૂર્ણ ભાગીદાર દેશ એવા સેશેલ્સની ત્રણ દિવસીય સત્તાવાર રાજકીય મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પાટનગર વિક્ટોરિયા ખાતે આવી પહોંચ્યા છે. સેશેલ્સના રાષ્ટ્રીય દિવસની ૫૦મી વર્ષગાંઠ (સુવર્ણ જયંતી) નિમિત્તે આયોજિત ભવ્ય મહોત્સવમાં પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે વિશેષ રૂપે આમંત્રિત છે. વડાપ્રધાન મોદીના આ ઐતિહાસિક આગમનને પગલે સમગ્ર દેશમાં અને ખાસ કરીને વર્ષોથી ત્યાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. વિક્ટોરિયામાં વડાપ્રધાનના સ્વાગત માટે એકત્રિત થયેલા પ્રવાસી ભારતીયો ભારે ભાવુક બન્યા હતા અને વાતાવરણ ‘મોદી-મોદી’ ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

​૪૪ વર્ષનો સૌથી ખાસ દિવસ: પ્રવાસી ભારતીયોની આંખો ભીની થઈ

સેશેલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે પેઢીઓથી વસતા ભારતીય મૂળના લોકો અને યુવા પેઢી હાથમાં ત્રિરંગો અને આવકારના બેનરો લઈને કલાકો સુધી ઊભી રહી હતી. અહીં રહેતા એક વરિષ્ઠ ભારતીય નાગરિકે અત્યંત ભાવુક હૃદયે જણાવ્યું હતું કે, “હું છેલ્લા ૪૪ વર્ષથી સેશેલ્સમાં રહું છું, પરંતુ મારા જીવનમાં આજનો દિવસ સૌથી વધુ ખાસ અને સર્વશ્રેષ્ઠ સાબિત થયો છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાતથી બંને દેશોના સંબંધો એક નવી ઊંચાઈ પર પહોંચશે.” નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે પડાપડી કરી રહ્યા હતા અને પીએમ મોદીએ પણ પ્રોટોકોલ તોડીને ભારતીય સમુદાયના લોકોને ઉષ્માભેર મુલાકાત આપી હતી.

​નેશનલ એસેમ્બલીને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે

વર્ષ ૨૦૧૫ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ સેશેલ્સ મુલાકાત છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી એક નવો ઈતિહાસ રચશે, કારણ કે તેઓ સેશેલ્સની સંસદ એટલે કે ‘નેશનલ એસેમ્બલી’ ને સંબોધિત કરનારા ભારતના સૌપ્રથમ વડાપ્રધાન બનશે. પ્રવાસી ભારતીયો સાથેના ખાસ સંવાદ કાર્યક્રમ ઉપરાંત પીએમ મોદી ત્યાંના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિની સાથે બંને દેશો વચ્ચેના સંરક્ષણ, આર્થિક સહયોગ, ક્ષમતા નિર્માણ અને વિકાસલક્ષી ભાગીદારીના તમામ પાસાઓની વ્યાપક સમીક્ષા કરશે.

​ભારતીય સેનાની ટુકડી અને યુદ્ધપોતો પરેડમાં લેશે ભાગ

ભારત અને સેશેલ્સ વચ્ચેના મજબૂત સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધોના પ્રતીક રૂપે સેશેલ્સની રાષ્ટ્રીય દિવસની પરેડમાં ભારતીય સશસ્ત્ર દળોની એક વિશેષ લશ્કરી ટુકડી પણ ભાગ લઈ રહી છે. આ ઉપરાંત ભારતીય નૌસેનાના બે અત્યાધુનિક યુદ્ધપોતો પણ આ સુવર્ણ જયંતી સમારોહમાં ખાસ સામેલ થયા છે, જે હિંદ મહાસાગરમાં ભારતની મજબૂત સ્મૂદ્ર સુરક્ષા ક્ષમતાનું પ્રદર્શન કરે છે.

​‘વિઝન મહાસાગર’ અને ગ્લોબલ સાઉથ પર વિશેષ ભાર

પોતાના પ્રસ્થાન પૂર્વે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે, સેશેલ્સ એ ભારતનું એક અત્યંત મૂલ્યવાન દરિયાઈ પડોશી દેશ છે. ભારતની વિદેશ નીતિ અંતર્ગત ‘વિઝન મહાસાગર’ (સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજન) તેમજ ‘ગ્લોબલ સાઉથ’ ના હિતોને આગળ ધપાવવામાં સેશેલ્સ એક ચાવીરૂપ ભાગીદાર છે. આ મુલાકાતથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા, શાંતિ અને પરસ્પર સમૃદ્ધિના વહેંચાયેલા લક્ષ્યોને વધુ વેગ મળશે અને બંને લોકતાંત્રિક દેશોના સંબંધોમાં એક નવો અધ્યાય લખાશે.

(5:49 PM IST)