<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

યુરોપમાં ભારતનો વધુ એક ડિજિટલ ડંકો: હવે ગ્રીસમાં પણ ચાલશે આપણું UPI, વિદેશ પ્રવાસીઓ માટે પૈસા મોકલવા બનશે સાવ સરળ!

એફિલ ટાવર અને ફ્રાન્સ બાદ હવે ગ્રીસના એથેન્સમાં UPI લાઇવ થયું; વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કરી જાહેરાત, વિશ્વના ૧૦ દેશોમાં ભારતીય પેમેન્ટ સિસ્ટમની ધમાકેદાર એન્ટ્રી

એથેન્સ, તા.૩૦: ભારતની ડિજિટલ ક્રાંતિના પ્રતીક સમાન યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ વૈશ્વિક સ્તરે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ફ્રાન્સ બાદ હવે યુરોપના વધુ એક ઐતિહાસિક દેશ ગ્રીસમાં પણ ભારતનું UPI સત્તાવાર રીતે લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ઐતિહાસિક લોન્ચિંગ સાથે જ હવે ભારતીય પ્રવાસીઓ અને લાયક ગ્રાહકો ગ્રીસમાં પણ અત્યંત સુરક્ષિત, ઝડપી અને પરંપરાગત રીત કરતાં ખૂબ જ ઓછા ટ્રાન્સફર ચાર્જ સાથે નાણાકીય વ્યવહારો કરી શકશે. ગ્રીસની સત્તાવાર મુલાકાતે ગયેલા ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે એથેન્સથી આ સીમાચિહ્નની જાહેરાત કરી છે.

એથેન્સમાં યુરોબેંકના હેડક્વાર્ટર ખાતે થયું લાઈવ ડેમોન્સ્ટ્રેશન

વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે સોશિયલ મીડિયા પર આ ગર્વભરી ક્ષણ શેર કરતાં જણાવ્યું હતું કે, એથેન્સમાં આવેલી 'યુરોબેંક' ના મુખ્યાલય ખાતે આ સિસ્ટમનું સફળતાપૂર્વક લાઇવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારતના 'નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા' (NIPL) અને ગ્રીસની 'યુરોબેંક' વચ્ચેની આ ભાગીદારીના સાક્ષી યુરોબેંકના સીઇઓ ફોકિયન કારાવિયાસ અને ફેરફેક્સ ડિજિટલ સર્વિસીસના સીઇઓ સંજય તુગ્નૈત પણ બન્યા હતા. આ પગલું ભારતના ટેકનોલોજી સોલ્યુશન્સમાં વધી રહેલા આંતરરાષ્ટ્રીય વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

એફિલ ટાવર બાદ હવે ગ્રીસમાં ભારતની ડિજિટલ ધાક

નોંધનીય છે કે, ભારતે થોડા અઠવાડિયા પહેલા જ ફ્રાન્સના નાઇસ શહેરમાં આવેલા પ્રખ્યાત ડિપાર્ટમેન્ટ સ્ટોર 'ગેલેરીસ લાફાયેટ' ખાતે UPI સેવા શરૂ કરી હતી. આ પહેલાં વર્ષ ૨૦૨૪ માં પેરિસના વિશ્વપ્રસિદ્ધ એફિલ ટાવર ખાતે પણ UPI લોન્ચ કરીને ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મેળવી હતી. હવે આ યાદીમાં ગ્રીસનું નામ પણ જોડાઈ ગયું છે.

દુનિયાના આ ૧૦ દેશોમાં વગાડ્યો આપણો ડંકો

ગ્રીસમાં લોન્ચિંગ થવાની સાથે જ હવે વિશ્વના કુલ ૧૦ દેશોમાં ભારતનું UPI પ્લેટફોર્મ સક્રિય બની ગયું છે.

હવે વિદેશ પ્રવાસ કરનારા ભારતીયો રોકડ કે ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડના ઝંઝટ વગર નીચેના દેશોમાં સરળતાથી ચૂકવણી કરી શકશે:

૧. ગ્રીસ

૨. ફ્રાન્સ

૩. સિંગાપોર

૪. સંયુક્ત આરબ અમીરાત (UAE)

૫. મોરેશિયસ

૬. નેપાળ

૭. ભૂતાન

૮. કતાર

૯. શ્રીલંકા

૧૦. કંબોડિયા

 

(4:14 PM IST)