<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

ભારતનું રક્ષા કવચ હવે વધુ મજબૂત: મિસાઇલ ઉત્પાદનમાં ખાનગી કંપનીઓ માટે દરવાજા ખુલ્લા

એસ્ટ્રા માર્ક-2 અને પ્રલય જેવી અત્યાધુનિક મિસાઈલોના નિર્માણમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી સંરક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ

નવી દિલ્હી :  ભારત સરકારે હવે દેશની સંરક્ષણ ક્ષમતાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે વ્યૂહાત્મક નિર્ણય લેતા મિસાઇલ ઉત્પાદનનું ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂક્યું છે. સંરક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં ૧૮૦-૨૦૦ કિમી રેન્જ ધરાવતી એસ્ટ્રા માર્ક-૨ એર-ટુ-એર મિસાઈલ બનાવવા માટે ખાનગી ક્ષેત્ર પાસેથી દરખાસ્તો (RFP) આમંત્રિત કરશે. આ નિર્ણય એટલા માટે લેવાયો છે કારણ કે સરકારી માલિકીની ભારત ડાયનેમિક્સ લિમિટેડ વધતી જતી આંતરિક માંગ અને મિત્ર દેશોમાંથી મળી રહેલી મિસાઈલની નિકાસની માંગને પહોંચી વળવા સક્ષમ નથી.
આ પહેલના ભાગરૂપે, વિકાસ અને ઉત્પાદન માટે ખાનગી ક્ષેત્રને આગામી સમયમાં ૫૦૦ કિમી રેન્જની 'પ્રલય' ટેક્ટિકલ બેલિસ્ટિક મિસાઇલની જવાબદારી પણ સોંપવામાં આવશે. પ્રલય મિસાઈલ અવાજની ગતિ કરતાં છ ગણી વધુ ઝડપે પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતનું મુખ્ય લક્ષ્ય દુશ્મનોની બેલિસ્ટિક મિસાઈલોનો સામનો કરવા માટે મજબૂત એન્ટિ-મિશાઈલ નેટવર્ક ઊભું કરવાનું છે, જેમાં એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમની સાથે અન્ય લાંબા અંતરના હથિયારોનો પણ સમાવેશ થાય છે.
વર્તમાન વૈશ્વિક ભૌગોલિક રાજકીય સ્થિતિ અને ઈરાન-યુએસ જેવી ઘટનાઓને જોતા, ભારત તેના સંરક્ષણ શસ્ત્રાગારને આક્રમક અને રક્ષણાત્મક બંને રીતે સજ્જ કરી રહ્યું છે. દેશભરમાં સ્ટેન્ડ-ઓફ શસ્ત્રોના યુગમાં મોદી સરકાર ઝડપથી મિસાઈલ અને રોકેટ ઉત્પાદન ક્ષમતા વધારવા પર ધ્યાન આપી રહી છે. આ પગલાથી ભારતની નિર્ભરતા ઘટશે અને સંરક્ષણ ક્ષેત્રમાં ‘આત્મનિર્ભર ભારત’નું લક્ષ્ય સાકાર થશે.
ભવિષ્યમાં આ વ્યૂહાત્મક ફેરફારથી ભારત એક મોટું સંરક્ષણ નિકાસકાર બનવાની દિશામાં આગળ વધશે. ઇન્ડોનેશિયા જેવા દેશો પહેલેથી જ બ્રહ્મોસ જેવી મિસાઈલોમાં રસ દાખવી રહ્યા છે, ત્યારે ખાનગી ક્ષેત્રની એન્ટ્રીથી ઉત્પાદનની ઝડપ વધશે. આગામી સમયમાં, ભારતના આકાશને દુશ્મન મિસાઇલો અને ડ્રોનથી સુરક્ષિત કરવા માટે બહુ-સ્તરીય નેટવર્ક વધુ સક્રિય બનાવવામાં આવશે.

(12:24 PM IST)