<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

​સંરક્ષણ ક્ષેત્રે ભારતનો વાગ્યો ડંકો: નાટો ગઠબંધન તરફથી ‘સિગ્મા એડવાન્સ્ડ સિસ્ટમ્સ’ને મળ્યો ₹973 કરોડનો જંગી ઓર્ડર

​દેશી કંપનીની વૈશ્વિક સ્તરે મોટો ધમાકો: 155 એમએમ તોપના ગોળા માટે ‘બેઝ બ્લીડ’ યુનિટ્સ સપ્લાય કરશે; સમાચાર વહેતા થતાં જ શેરમાં 5%ની અપર સર્કિટ

નવી દિલ્હી: ડિફેન્સ (સંરક્ષણ) ક્ષેત્રે કામ કરતી ભારતીય કંપની ‘સિગ્મા એડવાન્સ્ડ સિસ્ટમ્સ’ (Sigma Advanced Systems) ને આંતરરાષ્ટ્રીય સ્તરે એક અતિ મહત્વપૂર્ણ સફળતા સાંપડી છે. નાટો (NATO) ગઠબંધનના એક ક્લાયન્ટ તરફથી કંપનીને 102.23 મિલિયન યુએસ ડોલર (આશરે ₹973 કરોડ)નો જંગી સપ્લાય ઓર્ડર મળ્યો છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ શેરબજારમાં રોકાણકારોનો ઉત્સાહ ઉછાળે ચડ્યો હતો અને કંપનીના શેરમાં 5 ટકાની અપર સર્કિટ વાગી હતી.

​શેરબજારમાં જોરદાર તેજી: ₹861.30 ના સ્તરે લોક

મંગળવારે શેરબજાર ખુલતાની સાથે જ સિગ્મા એડવાન્સ્ડ સિસ્ટમ્સના શેરમાં લીલા નિશાને કારોબાર શરૂ થયો હતો. મોટા આંતરરાષ્ટ્રીય ઓર્ડરના સમાચાર વાયરલ થતાં જ ખરીદીનો ભારે ઝોક જોવા મળ્યો હતો અને શેર 5 ટકાના ઉછાળા સાથે ₹861.30 ની સર્વોચ્ચ અપર સર્કિટ લિમિટ પર લોક થઈ ગયો હતો.

​શું છે ઓર્ડરની વિગતો અને બેઝ બ્લીડ (BB) યુનિટ?

ઓર્ડરની વિગતો અનુસાર, કંપની 155 એમએમ તોપખાનાના ગોળા (Artillery Ammunition) માં વપરાતા અત્યાધુનિક ‘બેઝ બ્લીડ (Base Bleed - BB)’ યુનિટ્સનું ઉત્પાદન અને સપ્લાય કરશે. કંપનીએ આ સમગ્ર ઓર્ડર આગામી 12 મહિનાની અંદર પૂર્ણ કરવાનો રહેશે.

​બેઝ બ્લીડ શું કામ કરે છે? તોપના ગોળાના પાછળના ભાગમાં આ ખાસ પાર્ટ જોડવામાં આવે છે. જ્યારે ગોળો હવામાં છોડવામાં આવે ત્યારે તેમાંથી ચોક્કસ રીતે ગેસ મુક્ત થાય છે, જેનાથી હવાનું ઘર્ષણ (એર રેસિસ્ટન્સ) ઘટે છે. પરિણામે ગોળાની ઝડપ ધીમી પડતી નથી અને તે ખુબ જ વધારે અંતર (રેન્જ) સુધી ચોક્કસ નિશાન સાધી શકે છે.
​કંપનીના પોર્ટફોલિયોમાં વધારો અને આત્મનિર્ભરતા

સિગ્મા એડવાન્સ્ડ સિસ્ટમ્સ પહેલેથી જ તોપખાનાના ગોળા અને ફ્યુઝ બનાવવા માટે સક્ષમ છે. પરંતુ ‘બેઝ બ્લીડ’ યુનિટ્સના ઉમેરાથી હવે કંપની વધુ જટિલ અને એડવાન્સ્ડ કમ્પોનન્ટ્સ પોતાની ફેક્ટરીઓમાં જ બનાવી શકશે. બાહ્ય સપ્લાયર્સ પરની નિર્ભરતા ઘટી જવાથી વૈશ્વિક ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ માર્કેટમાં કંપનીની પકડ વધુ મજબૂત થશે.

​રોકાણકારોને આપ્યું મલ્ટિબેગર વળતર

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના આંકડા મુજબ, કંપનીના શેરે રોકાણકારોને માતબર વળતર આપ્યું છે:

​છેલ્લા 5 વર્ષમાં: 4,685% નો મલ્ટિબેગર રિટર્ન
​છેલ્લા 3 વર્ષમાં: 1,807% નો ઉછાળો
​છેલ્લા 1 વર્ષમાં: 364% નો વધારો
​ચાલુ વર્ષે (YTD): 336% સુધીનો જંગી ઉછાળો નોંધાયો છે.
​આ નવા નાટો ઓર્ડરને કારણે કંપનીના ઓર્ડર બુકની સ્થિતિ વધુ મજબૂત બની છે અને ભવિષ્યમાં પણ તેની કામગીરી ઉત્કૃષ્ટ રહેવાની નિષ્ણાતો આશા વ્યક્ત કરી રહ્યા છે.

(1:19 PM IST)