<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ભારતની સૌથી મોટી મૂડી તેનાં સપનાં છે અને જિયો એ સપનાંઓને સાકાર કરવાનું માધ્યમ છે : અનંત અંબાણી

જિયો તમે બનાવ્યું છે, તમારાં સપનાં સાકાર કરવાં એ જ અમારું સપનું છે : જિયોના ઐતિહાસિક પ્રસંગે અનંત અંબાણીનું હૃદયસ્પર્શી પ્રવચન : સ્ટોક એક્સચેન્જની ઘંટડીનો નાદ મારા માટે મંદિરની ઘંટડીના પવિત્ર નાદ સમાન : વ્યવસાય એ મારા માટે પૂજા છે અને દરેક પૂજાની પૂર્ણાહુતિ પ્રસાદથી થાય છે : ચોરવાડના સામાન્ય ઘરમાંથી ધીરુભાઈ અંબાણીએ જોયેલું સપનું આજે કરોડો ભારતીયોનાં સપનાં સાકાર કરવાનું માધ્યમ બન્યું : જિયોના ૫૩ કરોડ સભ્યોને વંદન : જિયોની સફળતામાં કર્મચારીઓ, ટેક્નિશિયનો, એન્જિનિયરો અને ભાગીદારોના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું : ડિજિટલ ભારતના સંકલ્પ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

અમદાવાદ: (કેતન ખત્રી દ્વારા) : રિલાયન્સ જિયોના ઐતિહાસિક શેરબજાર કાર્યક્રમ પ્રસંગે અનંત અંબાણીએ અત્યંત ભાવનાત્મક અને પ્રેરણાદાયી પ્રવચન આપતાં જણાવ્યું હતું કે ભારતની સૌથી મોટી મૂડી તેનાં સપનાં છે. અહીં કોઈના હાથ ખાલી હોઈ શકે છે, પરંતુ તેની આંખો ક્યારેય સપનાંથી ખાલી હોતી નથી. ચોરવાડના એક સામાન્ય ઘરમાંથી શરૂ થયેલી ધીરુભાઈ અંબાણીની સ્વપ્નયાત્રા આજે કરોડો ભારતીયોનાં જીવન સાથે જોડાઈ ગઈ છે. જિયો માત્ર એક કંપની નથી, પરંતુ દેશનાં ડિજિટલ સપનાંઓને સાકાર કરવાનું માધ્યમ છે. જિયોની સફળતાનો શ્રેય દેશના ૫૩ કરોડ સભ્યો, કર્મચારીઓ, ભાગીદારો અને સમગ્ર જિયો પરિવારને આપતાં તેમણે કહ્યું હતું કે જિયો તમે બનાવ્યું છે અને તમારાં સપનાં સાકાર કરવાં એ જ અમારું સપનું છે.

અનંત અંબાણીએ પોતાના પ્રવચનની શરૂઆત ‘જય શ્રીકૃષ્ણ’ના ઉદ્ઘોષ સાથે કરી હતી. આદરણીય વડીલો, મૂલ્યવાન શેરધારકો, ભાગીદારો, સલાહકારો અને સ્ટોક એક્સચેન્જના મિત્રોને સાદર પ્રણામ કરતાં તેમણે જણાવ્યું હતું કે આજે હું મારી વાતની શરૂઆત એક એવા શબ્દથી કરવા માગું છું, જેનું આજે સૌથી વધુ મહત્ત્વ છે અને તે શબ્દ છે ‘કૃતજ્ઞતા’.

જિયોમાં વિશ્વાસ મૂકનારા અને આજના આ ઐતિહાસિક દિવસને શક્ય બનાવનારા કરોડો ભારતીયો પ્રત્યે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર!

તેમણે ભાવવિભોર સ્વરે જણાવ્યું હતું કે આજે સ્ટોક એક્સચેન્જમાં વાગનારી ઘંટડીનો નાદ મારા માટે મંદિરની ઘંટડીના પવિત્ર નાદ સમાન હશે. કારણ કે મારા માટે વ્યવસાય એ પૂજા છે અને દરેક પૂજાની પૂર્ણાહુતિ પ્રસાદથી થાય છે.

આજના આ પવિત્ર દિવસને અમે ભગવાન શ્રીગણેશજી, ભગવાન દ્વારકાનાથજી, ભગવાન શ્રીનાથજી, ભગવાન બાલાજી અને જીવંત દેવી સમાન ભારતમાતાના ચરણોમાં સમર્પિત કરીએ છીએ.

પ્રસાદ હંમેશાં સૌની સાથે વહેંચવામાં આવે છે. આજે જિયો પણ ભારત સાથે વહેંચાઈ રહ્યું છે.

ભારતનાં સપનાંઓની વાત કરતાં અનંત અંબાણીએ કહ્યું હતું કે ભાઈઓ અને બહેનો, ભારતની સૌથી મોટી મૂડી તેનાં સપનાં છે. અહીં દરેક વ્યક્તિનું પોતાનું એક સપનું છે. અહીં કોઈના હાથ ખાલી હોઈ શકે છે, પરંતુ તેની આંખો ક્યારેય સપનાંથી ખાલી હોતી નથી.

વર્ષો પહેલાં ચોરવાડના એક સામાન્ય ઘરમાંથી પણ એક સપનાનો જન્મ થયો હતો. એક એવો યુવાન, જે એડનમાં પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો. ન પૈસા હતા, ન કોઈ ઓળખાણ.

એ હતા આપણા આદરણીય દાદાશ્રી ધીરુભાઈ અંબાણી.

તેમણે દુનિયાને બતાવ્યું કે એક સામાન્ય ભારતીય પણ અસાધારણ સપનાં જોઈ શકે છે અને તેમને સાકાર પણ કરી શકે છે.

ત્યારબાદ આપણા પિતાશ્રીએ એક સપનું જોયું કે ભારત કોઈનાથી પાછળ નહીં રહે. જામનગરની ઉજ્જડ ગણાતી ધરતી પર વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ઊભી કરીને તેમણે આ સપનાને સાકાર કરી બતાવ્યું.

તેમણે સાબિત કર્યું કે જ્યારે ભારત કંઈક બનાવે છે, ત્યારે આખી દુનિયા તેની તરફ નજર કરે છે.

જિયોની સ્થાપના પાછળનાં સપનાંની વાત કરતાં અનંત અંબાણીએ જણાવ્યું હતું કે ત્યારબાદ આવ્યું નવું ભારત, યુવા ભારત અને એક નવું સપનું.

દરેક હાથમાં ઇન્ટરનેટ અને દરેક ગામ સુધી આખી દુનિયાની પહોંચ.

આ સપનાનું નામ હતું — જિયો.

આ સપનાનું બીજ ઈશા દીદીએ વાવ્યું અને આકાશ ભાઈએ એ બીજને પોતાના સપનામાં પરિવર્તિત કર્યું.

જિયોને સમગ્ર દેશના આશીર્વાદ મળ્યા.

માતાએ કહ્યું, ‘જીઓ મારા લાલ!’

દાદીએ આશીર્વાદ આપ્યા, ‘જુગ જુગ જીઓ!’

અને મિત્રોએ કહ્યું, ‘જીઓ યાર!’

કદાચ જિયો દુનિયાનું પહેલું એવું નામ છે, જે પોતે જ એક આશીર્વાદ છે.

જિયોએ દેશના સામાન્ય માણસના જીવનમાં લાવેલા પરિવર્તન અંગે અત્યંત હૃદયસ્પર્શી ઉદાહરણો આપતાં અનંત અંબાણીએ જણાવ્યું હતું કે જ્યારે આખી દુનિયા થંભી ગઈ હતી, ત્યારે શાળાઓ બંધ થઈ હતી, પરંતુ શિક્ષણ અટક્યું નહોતું.

દીકરો ઘર છોડીને શહેરમાં ગયો હતો, પરંતુ માતા તેનાથી દૂર નહોતી થઈ.

શાકભાજીને હજી કેટલી વાર રાંધવાની છે, તે પણ માતા વીડિયો કૉલ પર શાકભાજીનો રંગ જોઈને જણાવી શકતી હતી.

આજે ભગવાનનાં દિવ્ય દર્શન પણ ઘેર બેઠાં કરવાનો લહાવો પ્રાપ્ત થઈ રહ્યો છે.

એક નાનકડા શહેરની યુવતી, હાથમાં એક મોબાઇલ ફોન અને તેને સાંભળનારા લાખો લોકો!

આજે આવા યુવાનોને આપણે ‘ઇન્ફ્લુએન્સર’ કહીએ છીએ.

હજારો માઇલ દૂર સરહદ પર તહેનાત એક જવાન વીડિયો કૉલ પર પોતાના પરિવારને કહે છે, ‘મા, હું ઠીક છું. દીકરી, હું ઠીક છું.’

મુંબઈનો એક નિષ્ણાત તબીબ રાજસ્થાનના પાલી શહેરમાં ગંભીર રીતે બીમાર દર્દીને જીવનદાન આપવા સક્ષમ બને છે.

આ બધાની વચ્ચે જોડતી એક જ કડી છે — જિયો.

જિયો કદાચ દેખાતું નથી, પરંતુ ભારતનાં દરેક ડિજિટલ સપનામાં તે ધબકે છે.

આ પ્રસંગે જિયોના કરોડો ગ્રાહકો પ્રત્યે આભાર વ્યક્ત કરતાં અનંત અંબાણીએ જણાવ્યું હતું કે જિયો પર વિશ્વાસ મૂકનારા જિયો પરિવારના ૫૩ કરોડ સભ્યોને અમે સૌથી પહેલાં સાદર વંદન કરીએ છીએ.

જિયો તમે બનાવ્યું છે.

તમારાં સપનાં સાકાર કરવાં એ જ અમારું સપનું છે.

પોતાનાં ભાઈ-બહેન અને પરિવારના સંસ્કારોની વાત કરતાં અનંત અંબાણીએ જણાવ્યું હતું કે આજે ઈશા દીદી, આકાશ ભાઈ અને હું તમારી સમક્ષ ત્રણ અલગ વ્યક્તિઓ તરીકે ઊભાં છીએ, પરંતુ અમારી આત્મા એક છે અને અમારો સંકલ્પ પણ એક છે — ભારતનાં સપનાંઓનું સન્માન કરવાનો અને તેમને સાકાર કરવાનો.

રિલાયન્સ હંમેશાં નવાં સપનાં જોતું રહેશે. પરંતુ અમારી સંસ્થાનાં મૂળિયાં હંમેશાં એ જ રહેશે — મારા દાદાશ્રીનાં સપનાં, મારી દાદીનાં આશીર્વાદ, મારા પિતાશ્રીનું માર્ગદર્શન અને મારી માતાએ આપેલા નમ્રતા તથા સંવેદનશીલતાના સંસ્કાર.

જિયોની સફળતામાં ફાળો આપનારા તમામ કર્મચારીઓ અને ભાગીદારોને વિશેષ યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે જિયો પરિવારના દરેક સભ્યનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.

ફિલ્ડ ટીમના સભ્યો, વરસાદ અને કાળઝાળ ગરમીમાં ટાવર પર ચઢીને કામ કરનારા ટેક્નિશિયનો, એન્જિનિયરો, સેવા કર્મચારીઓ, સ્ટોર ટીમો, અમારા રિટેલ ભાગીદારો અને તેમના તમામ પરિવારજનો — આપ સૌનો જિયોની સફળતામાં અમૂલ્ય ફાળો છે.

આજે જિયો જે કંઈ છે, તે આપ સૌના અથાગ પરિશ્રમને કારણે છે.

આજનો આ દિવસ આપ સૌનો છે.

આપની મહેનત આજે સફળ થઈ રહી છે અને તેનું પરિણામ સૌની સામે આવી રહ્યું છે.

પોતાના પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિશેષ ઉલ્લેખ કરતાં અનંત અંબાણીએ જણાવ્યું હતું કે ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે જિયોને એક હેતુ અને દિશા આપનાર આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીજી પ્રત્યે પણ અમે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

તેમનું સતત માર્ગદર્શન અને સહયોગ અમારા માટે અત્યંત મૂલ્યવાન છે.

આદરણીય મોદીજી, આપને અમારા કોટિ કોટિ પ્રણામ!

ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને યુવાનો પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતાં અનંત અંબાણીએ જણાવ્યું હતું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલ ભારતની છે અને ભારતની આવતીકાલ તેના યુવાનોની છે.

વિકસિત ભારતના આ મહાન સ્વપ્નને સાકાર કરવા માટે અમે સૌ સૌથી આગળ ઊભા રહીશું — પૂરી નિષ્ઠા, સમર્પણ અને જીવંત પ્રયાસો સાથે.

પોતાના પ્રવચનના અંતે અનંત અંબાણીએ કહ્યું હતું કે જય હિન્દ! જય શ્રીકૃષ્ણ!

આભાર, ભારત!

જિયો તમે બનાવ્યું છે.

ત્યારબાદ તેમણે અત્યંત પ્રિય અને મોટી બહેન ઈશા દીદીને પોતાના વિચારો રજૂ કરવા માટે આમંત્રિત કરતાં આનંદ વ્યક્ત કર્યો હતો.

‘જય જિયો! ભારત માતા કી જય! જય શ્રીકૃષ્ણ! જુગ જુગ જિયો!’ના ઉદ્ઘોષ સાથે અનંત અંબાણીએ પોતાનું ભાવનાત્મક પ્રવચન પૂર્ણ કર્યું હતું.

 

(9:49 AM IST)