<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

અવકાશ ક્ષેત્રે ભારતનો મોટો ધડાકો: આસામના ચંદ્રપુરમાં સ્થપાશે ઇસરો (ISRO) નું અત્યાધુનિક 'એડવાન્સ્ડ રડાર રિસર્ચ સેન્ટર'

પ્રોજેક્ટ 'નેત્રા' (NETRA) હેઠળ ભારતની સ્પેસ સિક્યોરિટી થશે વધુ મજબૂત: મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ ઇસરોના ડ્રીમ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ

ગુવાહાટી (આસામ), તા.૨૧: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અને પૂર્વોત્તર ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ સામે આવી છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ ગુવાહાટી નજીક આવેલા ચંદ્રપુરમાં ઇસરોના અત્યાધુનિક 'એડવાન્સ્ડ રડાર રિસર્ચ સેન્ટર'નો ભવ્ય શિલાન્યાસ કર્યો છે. ઇસરોના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'નેત્રા' (NETRA - નેટવર્ક ફોર સ્પેસ ઓબ્જેક્ટ ટ્રેકિંગ એન્ડ એનાલિસિસ) ના ભાગરૂપે સ્થપાઈ રહેલું આ સેન્ટર અવકાશમાં ભારતની વ્યૂહાત્મક અને સુરક્ષા ક્ષમતાઓમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે.

 

આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જાહેરાત કરતા આસામના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ સુવિધા અંતરિક્ષમાં તરતા કચરા, ઉપગ્રહો અને અન્ય અવકાશી વસ્તુઓ પર ચોક્કસ નજર રાખવામાં મદદ કરશે. તેનાથી ભારતની અબજો ડોલરની કિંમતી અવકાશી સંપત્તિઓનું રક્ષણ કરવાની દેશની ક્ષમતામાં અનેકગણો વધારો થશે. એક સમયે દેશના મુખ્ય ટેકનોલોજી સેન્ટરોથી દૂર ગણાતું આસામ આજે આવા રાષ્ટ્રીય કક્ષાના અત્યાધુનિક રિસર્ચ હબ તરીકે ઉભરી રહ્યું છે તે સમગ્ર પૂર્વોત્તર માટે ગૌરવની વાત છે. આ વ્યૂહાત્મક પ્રોજેક્ટ માટે આસામની પસંદગી કરવા બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

 

અદાણી ગ્રુપના ૪૮,૦૦૦ કરોડના થર્મલ પાવર પ્રોજેક્ટનો પણ પાયો નંખાયો

 

ઈસરોના આ ડ્રીમ પ્રોજેક્ટ પહેલાં મુખ્યમંત્રી સરમાએ ધુબરી જિલ્લાના ચાપરમાં અદાણી પાવર લિમિટેડના ૩,૨૦૦ મેગાવોટના 'અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટ'નો પણ શિલાન્યાસ કર્યો હતો. આશરે રૂ. ૪૮,૦૦૦ કરોડના તોતિંગ ખર્ચે આકાર પામનારો આ પ્રોજેક્ટ આસામના ઇતિહાસમાં સૌથી મોટું એકલ ઔદ્યોગિક રોકાણ છે. આ મેગા પ્રોજેક્ટના નિર્માણ તબક્કા દરમિયાન ૨૫,૦૦૦ થી વધુ લોકોને રોજગારી મળશે અને પ્લાન્ટ શરૂ થયા બાદ ૫,૦૦૦ કાયમી નોકરીઓનું સર્જન થશે, જે આસામને ઉર્જા ક્ષેત્રે સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવશે.

(4:37 PM IST)