<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

BRICSમાં આતંકવાદ સામે ભારતનું આક્રમક વલણ: એસ. જયશંકરે વિદેશી મંચ પરથી આતંકવાદી આકાઓને લીધા આડે હાથ

૨૨ એપ્રિલના પાહલગામ હુમલાની આકરી નિંદા સાથે ૩૨ ડેલિગેશનની હાજરી વચ્ચે ભારતે 'ઝીરો ટોલરન્સ'ની વૈશ્વિક નીતિ પર મુકી મહોર

નવી દિલ્હી:  વૈશ્વિક મંચ BRICS સમિટ દરમિયાન ભારતે આતંકવાદના મુદ્દે પોતાનું વલણ અત્યંત સ્પષ્ટ અને કડક બનાવતા વિશ્વના દેશોને એકજૂથ કર્યા છે. ભારતની અધ્યક્ષતામાં આયોજિત આ મહત્વપૂર્ણ સમિટમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ વિરુદ્ધ ધારદાર પ્રહાર કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આતંકવાદના કોઈપણ સ્વરૂપ કે અભિવ્યક્તિને હવે સાંખી લેવામાં આવશે નહીં.

વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપતા જણાવ્યું કે સમિટ દરમિયાન તમામ સભ્ય દેશોએ ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ થયેલા પાહલગામ આતંકવાદી હુમલાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવી તેની સખત શબ્દોમાં નિંદા કરી છે. ભારતે આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો છે. આ સાથે જ આતંકવાદ સામેની લડાઈમાં ચાલતા બેવડા માપદંડો (ડબલ સ્ટાન્ડર્ડ)ને વૈશ્વિક સ્તરે ફગાવી દેવાનો દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો છે.

કૂટનૈતિક દ્રષ્ટિએ ભારત માટે આ એક બહુ મોટી સફળતા ગણાવવામાં આવી રહી છે. આ સમિટમાં ૧૧ સભ્ય દેશો, ૧૦ પાર્ટનર દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનો સહિત કુલ ૩૨ ડેલિગેશનોએ સક્રિય ભાગ લીધો હતો. જેમાંથી મોટાભાગના દેશોનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રપ્રમુખો અને વડાપ્રધાન સ્તરે થયું હતું, જે વૈશ્વિક સત્તા મંચ પર ભારતની વધતી જતી તાકાત અને પ્રભાવશાળી કૂટનીતિનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

વર્તમાન સમયમાં પશ્ચિમ એશિયા સહિત સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા ગંભીર સંઘર્ષો અને તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે પણ ભારતે પોતાની સફળ કૂટનીતિથી આટલા મોટા વૈશ્વિક મંચ પર એકસૂત્રતા અને મજબૂત સહમતિ સાધવામાં સફળતા મેળવી છે. આતંકવાદ સામે વૈશ્વિક એકતા સ્થાપિત કરવામાં ભારતનું આ કડક વલણ અને બ્રિક્સ સમિટનો આ નિર્ણય અત્યંત નિર્ણાયક અને ઐતિહાસિક સાબિત થશે.

(7:38 PM IST)