<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

રશિયાની આર્થિક લાલચમાં ફસાયા ભારતીયો: ૪૯ નાં મોત: કુલ ૨૧૭ ભારતીય નાગરિકો રશિયન સેનામાં જોડાયા હોવાનો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ: ૧૩૯ને ડિપ્લોમેટિક પ્રયાસોથી મુક્ત કરાવાયા: હજુ પણ ૬ ભારતીયો લાપતા

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે આર્થિક લાલચમાં રશિયન સેનામાં જોડાયેલા ભારતીયો અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે. રિપોર્ટ મુજબ કુલ ૨૧૭ ભારતીયો રશિયન સેનામાં જોડાયા હતા, જેમાંથી ૪૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ૧૩૯ લોકોને ડિપ્લોમેટિક પ્રયાસોથી મુક્ત કરાવાયા છે.

 

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકો અંગે કેન્દ્ર સરકારે દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) માં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. સત્તાવાર અહેવાલો અને સરકારી આંકડા મુજબ, કેન્દ્રએ કોર્ટને જણાવ્યું છે કે અત્યાર સુધીમાં કુલ ૨૧૭ ભારતીય નાગરિકો રશિયન સેનામાં સામેલ થઈ ચૂક્યા છે. આ પૈકી ૪૯ ભારતીયોએ આ યુદ્ધમાં જીવ ગુમાવ્યો છે.

 

આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેંચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. 

 

કોર્ટમાં જણાવાયું હતું કે મોટાભાગના ભારતીયોને રશિયન નાગરિકતા સાથે આશરે ૫૦૦૦ ડૉલરનું સાઇનિંગ બોનસ અને ૨૫૦૦ ડૉલરના માસિક પગારની આકર્ષક લાલચ આપવામાં આવી હતી. 

 

જોકે, ભારત સરકારના રાજદ્વારી અને સતત પ્રયાસોના પરિણામે ૧૩૯ જેટલા ભારતીય નાગરિકોને રશિયન સેનાના કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરાવી લેવામાં આવ્યા છે. હજુ પણ ૬ લોકો લાપતા છે, જેમને શોધીને પરત લાવવા માટે સરકાર રશિયન સત્તાધીશો સાથે સતત સંપર્કમાં છે.

(9:34 AM IST)