News of Sunday, 24th May 2026
અમેરિકા જનારા ભારતીયો માટે વિઝા મેળવવા લોઢાના ચણા ચાવવા સમાન બનતા દિલ્હીમાં હાઈ-લેવલ બેઠક: કાયદેસર પ્રવાસીઓ હેરાન થતાં ભારત સરકારે કડક વલણ અપનાવ્યું
વૈશ્વિક પ્રક્રિયાના બહાને ભારતીય પ્રોફેશનલ્સ અને બિઝનેસમેનોને અટકાવવા અયોગ્ય: સંયુક્ત પત્રકાર પરિષદમાં બંને શક્તિશાળી દેશોના નેતાઓ સામસામે આવી જતાં ખળભળાટ

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે સતત મજબૂત થઈ રહેલા વ્યૂહાત્મક અને વ્યાપારિક સંબંધોની વચ્ચે વિઝા પ્રક્રિયાને લઈને એક મોટો રાજદ્વારી વિવાદ સામે આવ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલી પ્રતિનિધિમંડળ સ્તરની હાઈ-પ્રોફાઈલ દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સમક્ષ યુએસ વિઝા મેળવવામાં પડી રહેલી અસહ્ય મુશ્કેલીઓ અને લાંબા વિલંબનો મુદ્દો અત્યંત આક્રમક રીતે ઉઠાવ્યો હતો. બેઠક બાદ યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં જયશંકરે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કાયદેસર અને નિયમોનું પાલન કરનારા ભારતીય પ્રવાસીઓને વિઝા મેળવવામાં અનેક આકરા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જે બંને દેશો વચ્ચેના સંબંધો માટે ચિંતાનો વિષય છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, વિઝા પ્રક્રિયામાં થઈ રહેલી ગૂંચવણો અને અસાધારણ વિલંબના કારણે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર, ઉચ્ચ ટેકનોલોજી ભાગીદારી અને વૈજ્ઞાનિક સંશોધન સહયોગ પર ખૂબ જ માઠી અસર પડી શકે છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ, આઈટી વ્યાવસાયિકો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સત્તાવાર અને કાનૂની રીતે યુએસની મુસાફરી કરે છે, તેથી આ પ્રક્રિયાને સરળ અને પારદર્શક રાખવી વૈશ્વિક હિતમાં છે. તેમણે ઉમેર્યું કે ભારત સરકાર ગેરકાયદેસર અને અનિયમિત સ્થળાંતરને રોકવા માટે અમેરિકાને સંપૂર્ણ સહયોગ આપી રહી છે, પરંતુ તેની આડમાં કાયદેસરના પ્રવાસીઓનો ભોગ ન લેવાવો જોઈએ.
ભારતના આ આકરા પ્રહારો અને કડક વલણ સામે પોતાનો બચાવ કરતા અમેરિકી સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પત્રકાર પરિષદમાં સફાઈ પેશ કરવી પડી હતી. તેમણે ભારતીય પક્ષને શાંત પાડવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે, "આ કોઈ ભારત લક્ષિત સિસ્ટમ નથી, એટલે કે અમે ભારતને નિશાન બનાવી રહ્યા નથી. આ એક વૈશ્વિક પ્રક્રિયાનો ભાગ છે." રુબિયોએ વધુમાં ઉમેર્યું કે હાલમાં અમેરિકા તેની વિઝા સિસ્ટમમાં મોટા વહીવટી પરિવર્તનના સંક્રમણ સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે વિશ્વભરમાં આવી મુશ્કેલીઓનો અનુભવ થવો સ્વાભાવિક છે. રવિવારે નવી દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં વ્યૂહાત્મક ભાગીદારી ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પની આગામી ભારત મુલાકાત અંગે પણ મહત્વની ચર્ચાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
