<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ભારતીયો ગાયનું મૂત્ર પીવે છે...ચાટે છેઃ ઇઝરાયલી ધર્મગુરૂએ હિન્‍દુ આસ્‍થાની મજાક ઉડાવી

અમેરિકા સ્‍થિત ઓર્થોડોક્‍સ પ્રચારકે હિન્‍દુ પરંપરા, ગૌપૂજા અને ભારતીય તબીબો અંગે વાંધાજનક ટિપ્‍પણીઓ કરતાં આંતરરાષ્ટ્રીય સ્‍તરે રોષ ફેલાયો : વીડિયો વાયરલ થયા બાદ ઇઝરાયલના લેખક યેશાયા રોસેનમેને આકરી ટીકા કરી દેશની છબી ખરડાવવાનો આરોપ મૂક્‍યો

નવી દિલ્‍હી,તા.૩૧: હિન્‍દુ ધર્મની પવિત્ર માન્‍યતાઓ, ભારતીય પરંપરાઓ અને ગાયની પૂજા અંગે અત્‍યંત અપમાનજનક ટિપ્‍પણીઓ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આંતરરાષ્ટ્રીય સ્‍તરે ભારે રોષ ભભૂકી ઊઠ્‍યો છે. અમેરિકામાં વસવાટ કરતા ઓર્થોડોક્‍સ યહૂદી ધર્મપ્રચારક દ્વારા જારી કરવામાં આવેલા આ વાંધાજનક નિવેદન સામે ભારત સહિત સમગ્ર વિશ્વના નાગરિકોએ આકરી નારાજગી વ્‍યક્‍ત કરી છે. ગાયને પૂજવાની સનાતન પરંપરાની મજાક ઉડાવવાની સાથે ભારતીય તબીબો અને સંસ્‍કૃતિ વિરુદ્ધ કરવામાં આવેલી જાતિવાદી ટીકાઓએ મોટો વિવાદ ઊભો કર્યો છે. આ મામલે હવે ઇઝરાયલના પ્રબુદ્ધ નાગરિકો અને વિદ્વાનોએ પણ પોતાના જ ધર્મગુરુની માનસિકતા સામે સખત વાંધો ઉઠાવ્‍યો છે.

વાયરલ વીડિયોમાં કટ્ટરપંથી ધર્મગુરુ એક ભારતીય વ્‍યક્‍તિનો ઉલ્‍લેખ કરતા નજરે પડે છે. તેમણે દાવો કર્યો હતો કે આ વ્‍યક્‍તિ અગાઉ તેમના સોશિયલ મીડિયા પેજ માટે કામ કરતો હતો અને તે યહૂદી ધર્મ અંગીકાર કરવા ઇચ્‍છતો હતો.

આ સંદર્ભને જોડીને તેમણે તે યુવકના પરિવાર અને ભારતમાં સદીઓથી ચાલતી ગૌપૂજાની ધાર્મિક માન્‍યતાઓ પર અત્‍યંત નિમ્‍ન કક્ષાની ટિપ્‍પણીઓ કરવાનું શરૂ કર્યું હતું. આ વીડિયો સામે આવતાં જ નેટિઝન્‍સે તેને ખુલ્‍લો જાતિવાદ ગણાવીને ઝાટકણી કાઢી છે.

તેમણે પોતાના સંબોધનમાં પાયાવિહોણા અને વિકૃત દાવા કર્યા હતા કે લોકો ઘરમાં ગાય લાવીને અસ્‍વચ્‍છતા ફેલાવે છે અને ફાર્મસીમાંથી વસ્‍તુઓ ખરીદે છે. આટલેથી ન અટકતાં તેમણે દેશના પ્રતિષ્ઠિત આરોગ્‍ય ક્ષેત્રને પણ નિશાન બનાવ્‍યું હતું.

નવી દિલ્‍હીની હોસ્‍પિટલોના ડોક્‍ટરો અંગે તેમણે અભદ્ર ભાષા વાપરી હતી. માર્ગો પર ગાયોના બેસવાથી થતી ટ્રાફિક વ્‍યવસ્‍થાની મજાક ઉડાવતાં તેમણે છેલ્‍લે એવો કટાક્ષ કર્યો હતો કે તેઓ ઇશ્વરનો આભાર માને છે કે તેમને ભારતીયો જેવા બનાવ્‍યા નથી.

આ અપમાનજનક નિવેદનો સામે ઇઝરાયલના જાણીતા સંશોધક અને લેખક યેશાયા રોસેનમેને જોરદાર પ્રતિક્રિયા આપી છે. લાંબા સમય સુધી ભારતમાં રહીને અભ્‍યાસ કરી ચૂકેલા રોસેનમેને સ્‍પષ્ટ કહ્યું કે આવા નિવેદનોથી ઇઝરાયલની વૈશ્વિક પ્રતિષ્ઠાને ન પૂરી શકાય તેવું મોટું નુકસાન પહોંચી રહ્યું છે.

તેમણે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ પર લખ્‍યું કે આવા ધર્માંધ વ્‍યક્‍તિના અણછાજતા વર્તનને કારણે દેશની છબી ખરડાઈ રહી છે. તેમણે આશા વ્‍યક્‍ત કરી હતી કે ભવિષ્‍યમાં આવા કટ્ટર તત્‍વોના ઇઝરાયલ પ્રવેશ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવે.

ભારતમાં પેલેસ્‍ટિનિયન રાજદૂત અબ્‍દુલ્‍લા એમ અબુ શાવેશે પણ આ ઘટનાક્રમ સામે અવાજ ઉઠાવ્‍યો છે. તેમણે કોઈનું સીધું નામ લીધા વિના સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું કે જાતિવાદ અને ધાર્મિક નફરત સમગ્ર માનવજાત માટે એક ગંભીર સંકટ સમાન છે.

તેમણે ઉમેર્યું કે કોઈપણ સંપ્રદાય કે આસ્‍થા ધરાવતા લોકોની ભાવનાઓ સાથે રમત કરવી, તેમની આસ્‍થાનો ઉપહાસ કરવો એ માત્ર અસહિષ્‍ણુતા નથી, પરંતુ માનવતાના પાયાને નબળો પાડવાનો હીન પ્રયાસ છે. સામાન્‍ય યુઝર્સે પણ સોશિયલ મીડિયા પર આ નિવેદનોને સખત શબ્‍દોમાં વખોડી કાઢ્‍યા છે.

ઇઝરાયલમાં જન્‍મેલા અને અમેરિકામાં ધાર્મિક મંચ ચલાવતા આ પ્રચારકનો વિવાદો સાથે જૂનો નાતો રહ્યો છે. ડિસેમ્‍બર ૨૦૧૫ માં તેમણે દાવો કર્યો હતો કે ઐતિહાસિક હોલોકોસ્‍ટ નરસંહારમાં માત્ર ૧૦ લાખથી પણ ઓછા લોકો મર્યા હતા, જ્‍યારે વાસ્‍તવિક આંકડો ૬૦ લાખ આસપાસ મનાય છે, જેના પર ભારે હોબાળો થતાં તેમણે માફી માંગવી પડી હતી.

ત્‍યારબાદ ડિસેમ્‍બર ૨૦૧૬ માં તેમણે ઓટિઝમ અને ડાઉન સિન્‍ડ્રોમ જેવી શારીરિક બીમારીઓને પૂર્વજન્‍મના પાપોનું પરિણામ ગણાવ્‍યું હતું, જેનો ૧૬ યહૂદી ધર્મગુરુઓએ એકસાથે સત્તાવાર વિરોધ કર્યો હતો. માર્ચ ૨૦૧૯ માં બ્રિટન પ્રવાસ દરમિયાન પણ તેમના પ્રવેશને લઈને સુરક્ષા એજન્‍સીઓમાં ભારે ખેંચતાણ થઈ હતી.

(10:07 AM IST)