<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

દુનિયાભરમાં ભારતીયોનો ડંકો: વિદેશથી નાણાં મોકલવામાં ભારત વિશ્વમાં નંબર-૧, વર્ષ ૨૦૨૪માં રેકોર્ડબ્રેક $૧૩૭.૭ બિલિયન રેમિટન્સ મેળવ્યું!

IOM ના રિપોર્ટમાં મોટો ખુલાસો: અમેરિકા અને UAE માં વસતા ભારતીયો દેશની આર્થિક તાકાત બન્યા, ટેકનોલોજીથી લઈને સંરક્ષણ સુધી પ્રવાસી ભારતીયોનો સિક્કો પડે છે

નવી દિલ્હી: તા.૦૬ વિશ્વભરમાં ફેલાયેલા ભારતીયો માત્ર પોતાની મહેનતથી નામ નથી કમાઈ રહ્યા, પરંતુ માતૃભૂમિની આર્થિક કરોડરજ્જુ પણ બની રહ્યા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) ના વર્ષ ૨૦૨૬ ના તાજા અહેવાલ મુજબ, ભારત વિદેશથી મોકલવામાં આવતા નાણાં (રેમિટન્સ) મેળવવામાં વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું છે. વર્ષ ૨૦૨૦માં આ આંકડો $૮૩.૨ બિલિયન હતો, જે ૨૦૨૪માં વધીને $૧૩૭.૭ બિલિયનના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો છે.
દક્ષિણ એશિયામાં સૌથી ઝડપી વૃદ્ધિ
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, રેમિટન્સના મામલે દક્ષિણ એશિયામાં ૧૧.૮ ટકાનો સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વના સૌથી મોટા 'માઇગ્રેશન કોરિડોર' માં ભારતથી સંયુક્ત આરબ અમીરાત (UAE) પાંચમા ક્રમે છે. UAE માં હાલમાં ૩૦ લાખથી વધુ ભારતીયો વસે છે, જે ત્યાંની કુલ વસ્તીમાં સૌથી મોટી વિદેશી રાષ્ટ્રીયતા છે. તેવી જ રીતે, અમેરિકામાં ૩૨ લાખ ભારતીયો વસે છે, જે મેક્સિકન લોકો પછી બીજા ક્રમે સૌથી મોટો વિદેશી સમૂહ છે.
માત્ર નાણાં જ નહીં, જ્ઞાન અને કૌશલ્યનો પણ પ્રવાહ
IOM એ નોંધ્યું છે કે ભારતીય ડાયસ્પોરાએ ભારતના ટેકનોલોજી ક્ષેત્રના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા ૬.૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ સાથે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. જ્યારે આ સ્નાતકો ભારત પરત ફરે છે, ત્યારે તેઓ નવા સંશોધનો, સુધારેલી ઉદ્યોગ પદ્ધતિઓ અને સામાજિક વિકાસમાં મોટો ફાળો આપે છે. આ ઉપરાંત, ભારતીય વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકોને પરત લાવવા માટે ભારત સરકારના 'બ્રેઈન ગેઈન' પ્રયાસો અને ડાયસ્પોરા બોન્ડ્સ જેવા રોકાણ વિકલ્પો પણ સફળ સાબિત થઈ રહ્યા છે.
રાજકીય અને આર્થિક પ્રભાવ
અમેરિકામાં વસતા ભારતીય-અમેરિકનોએ માત્ર આર્થિક જ નહીં, પણ રાજકીય મોરચે પણ ભારતનું કદ વધાર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ-ઇન્ડિયા પોલિટિકલ એક્શન કમિટી (USINPAC) જેવી સંસ્થાઓ દ્વારા દ્વિપક્ષીય વેપાર કરારો, સંરક્ષણ સહયોગ અને વિઝા નીતિઓમાં મહત્વના સુધારા કરાવ્યા છે. રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે દેશો પાસે સમર્પિત ડાયસ્પોરા નીતિઓ છે, ત્યાં રેમિટન્સ અને રોકાણનો પ્રવાહ અન્ય દેશો કરતા નોંધપાત્ર રીતે વધારે જોવા મળે છે.

(7:22 PM IST)