<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

ભારતીઓને યાત્રા નહીં કરવા અને ઈરાન છોડવાની સૂચના

હાઈ રિસ્‍ક ઝોન બન્‍યું ઈરાનઃ એડવાઈઝરી જાહેર થઈ

નવી દિલ્‍હી તા.૨૪: ઈરાન અને અમેરિકા વચ્‍ચે ચાલી રહેલા જંગની અસર ગંભીર રીતે દેખાઈ રહી છે. ત્‍યારે હવે ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ઈરાનની યાત્રા નહીં કરવાની સલાહ આપવામાં આવી છે. ભારત અને ઈરાન વચ્‍ચે અમુક ફલાઈટની શરુઆતના રિપોર્ટ બાદ એડવાઈઝરી આવી છે. ઈરાનમાં રહેતા ભારતીયોને તરત ઈરાન છોડવા માટે કહેવાયું છે.

મિડલ ઈસ્‍ટમાં અમેરિકા અને ઈરાન વચ્‍ચે વધતા તણાવ બાદ તેહરાન સ્‍થિત ભારતીય દૂતાવાસે ગુરુવારે એક નવી અને કડક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનની યાત્રા નહીં કરવાની ચેતવણી આપી છે અને ત્‍યાં રહેતા ભારતીયોને સુરક્ષિત બહાર નીકળી જવાના નિર્દેશ આપ્‍યા છે.

તેહરાન સ્‍થિત ભારતીય દૂતાવાસે એડવાઈઝરીમાં કહ્યું છે કે ,ભારતીય નાગરિક હવાઈ અથવા જમીન કોઈ પણ રસ્‍તે ઈરાનની યાત્રા ન કરે. ઈરાનની યાત્રા કરવી સુરક્ષાની દ્રષ્ટિથી જોખમભર્યું હોઈ શકે છે. ક્ષેત્રિય તણાવના કારણે એરસ્‍પેસ પર પ્રતિબંધો લાગેલા છે. દૂતાવાસના જણાવ્‍યા અનુસાર, આંતરરાષ્ટ્રીય ફલાઈટના સંચાલનને લઈ કેટલાય પડકારો છે. તેમાં કહેવાયું છે કે જે ભારતીય નાગરિક વર્તમાનમાં ઈરાનમાં છે, તેઓ તરત દેશ છોડી દે. નાગરિક દૂતાવાસના સંપર્કમાં રહે.

ભારતીય દૂતાવાસે સ્‍થિતિની ગંભીરતા જોતા તમામ નાગરિકોને વધારે સાવધાની રાખવા અને સત્તાવાર નિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી છે. તેના માટે દૂતાવાસે નંબર પણ જાહેર કર્યા છે. મોબાઈલ નંબર ૅ૯૮૯૧૨૮૧૦૯૧૧૫; + ૯૮૯૧૨૮૧૦૯૧૦૯ + ૯૮૯૧૨૮૧૦૯૧૦૨ + ૯૮૯૯૩૨૧૭૯૩૫૯, ઈમેલ [email protected].

ભારતીય દૂતાવાસે એડવાઈઝરી એવા સમયે જાહેર કરી છે, જ્‍યારે હોર્મુઝ સ્‍ટ્રેટમાં વધતા સુરક્ષા ખતરા વચ્‍ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે કડક આદેશ આપ્‍યા છે. ટ્રમ્‍પે અમેરિકન નૌસેનાને આદેશ આપ્‍યો છે કે જો કોઈ પણ શિપ શંકાસ્‍પદ પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોય તો તેને તરત જ નષ્ટ કરી દેવી. સાથે જ તેમણે માઇન-સ્‍વીપિગ અભિયાનને વધુ તેજ કરવા માટે પણ કહ્યું છે.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તેમના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ ટ્રુથ સોશિયલ પર પોસ્‍ટ કરીને જણાવ્‍યું કે, મેં યુનાઇટેડ સ્‍ટેટ્‍સ નેવીને આદેશ આપ્‍યો છે કે જો કોઈ પણ નાવ, ભલે તે કેટલીય નાની હોય, જો હોર્મુઝ સ્‍ટ્રેટના પાણીમાં બોમ્‍બ (માઇન) મૂકી રહી હોય તો તેને ગોળી મારીને તુરંત નષ્ટ કરી દેવી. તેમાં કોઈ પણ પ્રકારની હચકાટ રાખવી નહીં. તેમણે વધુમાં કહ્યું કે, અમારા માઇન-સ્‍વીપર્સ હાલમાં હોર્મુઝને સાફ કરી રહ્યા છે.

 

(10:30 AM IST)