<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

અમેરિકામાં ‘ચાઈલ્ડ પ્રિડેટર’ બનેલા ભારતીય યુવાનની ધરપકડ: સ્ટુડન્ટ વિઝા પર જઈને બાળકોના જાતીય શોષણનો ખેલ ખેલ્યો, ICE એ સકંજો કસ્યો

મિશિગનમાં કમ્પ્યુટર દ્વારા બાળકોને સતાવવાના ગુનામાં નવા કુમાર ટુપિલી દોષિત; વિઝા રદ થયા બાદ પણ ગેરકાયદેસર રહેતા શખ્સને જેલના સળિયા પાછળ ધકેલાયો

મિશિગન: અમેરિકાના મિશિગન રાજ્યમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં 'બાળ શિકારી' (Child Predator) તરીકે ઓળખાતા એક ભારતીય નાગરિકની અમેરિકી તપાસ એજન્સી ICE દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નવા કુમાર ટુપિલી નામના આ શખ્સે વિદ્યાર્થી તરીકે અમેરિકામાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ તેના ઘૃણાસ્પદ કૃત્યોને કારણે હવે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
બાળકોને સતાવવા કમ્પ્યુટરનો ઉપયોગ કર્યો
યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ના જણાવ્યા અનુસાર, ટુપિલીને વેલેન્ડ, મિશિગનમાં બાળકો સાથે અનૈતિક વ્યવહાર કરવા અને બાળકોને સતાવવા માટે કમ્પ્યુટરનો દુરુપયોગ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે. તેની સામે લાગેલા આરોપો એટલા ગંભીર છે કે એજન્સીએ તેને "જઘન્ય ગુનેગાર" ની શ્રેણીમાં મૂક્યો છે.
વિદ્યાર્થી વિઝાનો દુરુપયોગ
નવા કુમાર ટુપિલી કાયદેસર રીતે વિદ્યાર્થી વિઝા પર અમેરિકા આવ્યો હતો. જોકે, તેની ગુનાહિત પ્રવૃત્તિઓ બહાર આવ્યા બાદ વર્ષ ૨૦૨૪માં તેના વિઝા રદ કરી દેવામાં આવ્યા હતા. વિઝા રદ થયા બાદ પણ તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં છુપાઈને રહેતો હતો. કાઉન્ટી જેલમાંથી મુક્ત થતાની સાથે જ ICE ના અધિકારીઓએ તેની કસ્ટડી લઈ લીધી હતી.
ICE નું મોટું ઓપરેશન
ટુપિલીની ધરપકડ એ ICE દ્વારા હાથ ધરવામાં આવેલા દેશવ્યાપી અભિયાનનો એક ભાગ છે. આ સપ્તાહના અંતે એજન્સીએ બાળકો પર જાતીય હુમલા, માનવ તસ્કરી, બળાત્કાર અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બે ડઝનથી વધુ ગેરકાયદેસર વિદેશીઓની ધરપકડ કરી છે.
કાર્યકારી સહાયક સચિવ લોરેન બિસે આ સફળતા પર ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું કે, "અમેરિકન સમુદાયોને સુરક્ષિત રાખવા માટે ICE ના અધિકારીઓ રવિવારે પણ રજા લીધા વિના કામ કરી રહ્યા છે. આ ઘૃણાસ્પદ ગુનેગારોને દેશમાંથી દૂર કરવા એ અમારી પ્રાથમિકતા છે." અત્યારે ટુપિલીને ડિપોર્ટ કરવાની અને કાયદેસરની કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

(6:33 PM IST)