News of Saturday, 11th July 2026
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓ પર કાળનો પંજો: બોટ પલટી જતાં ૧૫ ભારતીયોના મોત; વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું ઘેરૂં દુઃખ, દૂતાવાસ યુદ્ધના ધોરણે મદદમાં!
ફુ ક્વોક ટાપુ નજીક ૩૬ લોકો સવાર હોડી દરિયાના મોજાંમાં સમાઈ; ૨૧ લોકોનો આબાદ બચાવ, પીએમ મોદીએ ખાતરી આપી - 'અમારું દૂતાવાસ પીડિત પરિવારો સાથે ખડેપગે'

હો ચી મિન્હ સિટી : વિયેતનામના લોકપ્રિય પ્રવાસી સ્થળ ફુ ક્વોક ટાપુ નજીક સર્જાયેલી એક ભીષણ બોટ દુર્ઘટનામાં ૧૫ ભારતીય નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેનાથી સમગ્ર દેશમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. હોન મે રુટ આઇલેન્ડથી એન થોઇ બંદર તરફ જઈ રહેલી આ સ્પીડબોટ કિનારાથી માત્ર ૪૦૦ મીટર દૂર હતી, ત્યારે અચાનક દરિયામાં આવેલા તોફાની મોજાં અને ખરાબ દરિયાઈ સ્થિતિને કારણે તે પલટી ગઈ હતી. બોટમાં કુલ ૩૨ ભારતીય પ્રવાસીઓ અને ૪ ક્રૂ સભ્યો સવાર હતા.
આ કરુણ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "વિયેતનામના ફુ ક્વોક નજીક ભારતીય નાગરિકો સાથે થયેલી બોટ દુર્ઘટનાના સમાચાર સાંભળીને મને અત્યંત દુઃખ થયું છે. પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ છે. હું ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું."
દૂતાવાસ અને કોન્સ્યુલેટનું યુદ્ધસ્તરીય બચાવ અભિયાન
પ્રધાનમંત્રીએ ખાતરી આપી છે કે ભારત સરકાર આ કપરા સમયમાં પીડિતો અને તેમના પરિવારો સાથે છે. તેમણે જણાવ્યું કે, "ભારતીય દૂતાવાસ અને હો ચી મિન્હ સિટીમાં આવેલું કોન્સ્યુલેટ ઓફિસ તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. અમારા અધિકારીઓ સતત વિયેતનામ સરકારના સંપર્કમાં છે જેથી બચાવ કામગીરી ઝડપી બને અને પીડિતોને ત્વરિત તબીબી સારવાર મળી રહે."
દુર્ઘટના બાદ વિયેતનામના સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ૨૧ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે. જોકે, ૧૫ લોકોના મૃતદેહો મળતા આ દુર્ઘટનાએ દુઃખદ વળાંક લીધો છે.
પર્યટનનું હબ બની રહ્યું છે ફુ ક્વોક
વિયેતનામનું ફુ ક્વોક ટાપુ તાજેતરના વર્ષોમાં પ્રવાસીઓ માટે સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે, જ્યાં ભારતીયોની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જોકે, દરિયાઈ હવામાનની અનિશ્ચિતતા અને પ્રતિકૂળ પરિસ્થિતિઓએ આ વખતે એક મોટી હોનારતને નોતરી છે. સ્થાનિક 'VnExpress' ન્યૂઝ આઉટલેટના અહેવાલ મુજબ, અકસ્માત સમયે દરિયાઈ મોજાં ખૂબ જ ઉગ્ર હતા, જેને કારણે સ્પીડબોટ સંતુલન ગુમાવી બેઠી હતી.
હાલ ભારતીય વિદેશ મંત્રાલય મૃતકોના પરિવારોને જાણ કરવા અને મૃતદેહોને ભારત લાવવા માટેની રાજદ્વારી પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૭ મુસાફરો અને ૪ ક્રૂ સભ્યોને યોગ્ય તબીબી સહાય મળે તે માટે ભારતીય દૂતાવાસના અધિકારીઓ હોસ્પિટલોમાં સતત હાજર રહીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
