તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
તહેવારોની સિઝનમાં ભારતીય પ્રવાસીઓમાં ફરવાનો ભારે ઉત્સાહ: પુરી, ઉટી અને મુન્નાર દેશના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળો તરીકે ઉભર્યા
અગોડાના રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે બેંગકોક, ફુકેટ અને ટોક્યો મોખરે: સ્થાનિક લેઝર અને સાંસ્કૃતિક સ્થળો તરફ પ્રવાસીઓનો વિશેષ ઝુકાવ

નવી દિલ્હી, તા. ૧૫: ભારતીય પ્રવાસીઓ હવે તહેવારોની ઉજવણીને વેકેશન અને પ્રવાસ સાથે જોડવાનો નવો ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની રજાઓ માટે રહેઠાણ અને હોટેલ બુકિંગ અંગે 'અગોડા' (Agoda) દ્વારા તાજેતરમાં એક રસપ્રદ અહેવાલ જારી કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં દશેરા, દુર્ગા પૂજા અને દિવાળી જેવા મોટા તહેવારો આવતા હોવાથી લોકો પોતાના પરિવાર સાથે દેશ-વિદેશના સુંદર સ્થળોની મુલાકાત લેવા માટે આતુર છે.
અગોડાના આંકડાઓ અનુસાર, ૧ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ૧૫ ઓક્ટોબરથી ૩૦ નવેમ્બર વચ્ચેના રોકાણ માટે થયેલી શોધ (સર્ચ) માં આંતરરાષ્ટ્રીય સ્તરે એશિયાના દેશો અને સ્થાનિક સ્તરે હિલ સ્ટેશનો તથા ધાર્મિક સ્થળો ભારે લોકપ્રિય સાબિત થયા છે. ભારતીય પ્રવાસીઓ દ્વારા વિદેશી મુસાફરી માટે થાઈલેન્ડ, વિયેતનામ અને જાપાન જેવા દેશોમાં ભારે રસ દાખવવામાં આવ્યો છે, જેમાં ગત વર્ષની સરખામણીમાં અનુક્રમે ૫૫ ટકા, ૮૬ ટકા અને ૧૨૫ ટકા સુધીનો વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય શહેરોમાં બેંગકોક, ફુકેટ અને ટોક્યો પ્રવાસીઓની પહેલી પસંદ બન્યા છે.
બીજી તરફ, દેશની અંદર (ડોમેસ્ટિક લેઝર ટ્રિપ્સ) ફરવા માટે પરંપરાગત બીચ ડેસ્ટિનેશન ગોવા અને હેરિટેજ સિટી ઉદયપુર ઉપરાંત કેટલાક અદ્ભુત નવા પ્રવાસન સ્થળોએ રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાવ્યો છે. ઓક્ટોબર-નવેમ્બરની રજાઓ માટે ઓડિશાનું પવિત્ર અને દરિયાકાંઠાનું શહેર પુરી માં પ્રવાસીઓની શોધમાં સૌથી વધુ ૩૧૮ ટકાનો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના મનોહર હિલ સ્ટેશનો ઊટી માં ૧૬૬ ટકા અને મુન્નાર માં ૧૦૭ ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે આધ્યાત્મિક વારસા માટે જાણીતું વારાણસી પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
વિશેષજ્ઞોના મતે, આધુનિક ભારતીય પ્રવાસીઓ હવે માત્ર પરંપરાગત ટૂર પેકેજોને અનુસરવાને બદલે પોતાના માનસિક સંતોષ, પ્રકૃતિ અને સ્થાનિક સંસ્કૃતિના અનુભવો મળી રહે તેવા સ્થળો પસંદ કરી રહ્યા છે. આગામી તહેવારોની આ સિઝન હોસ્પિટાલિટી અને પ્રવાસન ઉદ્યોગ માટે અત્યંત લાભદાયી સાબિત થવાના સ્પષ્ટ સંકેતો આપી રહી છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
