News of Monday, 11th May 2026
ભારતીય વિદ્યાર્થીએ સ્કોટલેન્ડમાં રચ્યો ઈતિહાસ: તમિલનાડુથી વિઝા પર ભણવા ગયેલા ક્યુ મણિવન્નન સ્કોટિશ સંસદના સભ્ય બન્યા, 'દયાની રાજનીતિ' નો આપ્યો નારો!
નિયમોમાં ફેરફારનો મળ્યો લાભ: કાયમી રહેઠાણ (ILR) વિના પણ ચૂંટણી જીતનાર પ્રથમ 'નવા સ્કોટ' બન્યા મણિવન્નન; કામદાર વર્ગ અને હાંસિયામાં ધકેલાયેલા સમુદાયો માટે ઉઠાવશે અવાજ

એડિનબર્ગ : ભારતની માટીમાં જન્મેલા અને તમિલનાડુથી ઉચ્ચ અભ્યાસ માટે યુકે ગયેલા એક તેજસ્વી યુવાને સાત સમુદ્ર પાર સ્કોટલેન્ડની ધરતી પર રાજકીય ક્રાંતિ સર્જી છે. માનવશાસ્ત્રી અને સામાજિક કાર્યકર ક્યુ મણિવન્નન સ્કોટિશ સંસદ (MSP) ના નવા સભ્ય તરીકે ચૂંટાયા છે. એક સમલૈંગિક (Queer) અને તમિલ ઇમિગ્રન્ટ તરીકે ઓળખાતા મણિવન્નનની આ જીત વૈશ્વિક રાજનીતિમાં 'સમાવેશકતા' અને 'માનવ અધિકાર' માટે એક મોટો સંદેશ ગણાય છે.
કેવી રીતે શક્ય બની આ ઐતિહાસિક જીત?
મણિવન્નનની આ સફળતા પાછળ સ્કોટલેન્ડના ચૂંટણી નિયમોમાં થયેલો ક્રાંતિકારી ફેરફાર જવાબદાર છે. સ્કોટલેન્ડમાં હવે એવા વિદેશી નાગરિકો પણ ચૂંટણી લડી શકે છે જેમના વિઝા ટૂંકા ગાળાના હોય અને જેમની પાસે અનિશ્ચિત રજા (ILR) કે કાયમી રહેઠાણ ન હોય. મણિવન્નન પાસે સ્કોટલેન્ડમાં રહેવા અને કામ કરવાના માન્ય વિઝા છે અને તેઓ કોમનવેલ્થ નાગરિક હોવાથી આ ચૂંટણી લડવા માટે પાત્ર ઠર્યા હતા. તેઓ 'સ્કોટિશ ગ્રીન્સ' પક્ષ તરફથી એડિનબર્ગ અને લોથિયન્સ પૂર્વ યાદીમાં વિજેતા જાહેર થયા છે.
'દયાળુ રાજકારણ' અને જનસેવાનો સંકલ્પ
પોતાની જીત બાદ ઉત્સાહિત મણિવન્નનને જણાવ્યું હતું કે, "હું હોલીરૂડ (સ્કોટિશ સંસદ) માં સંભાળ અને કરુણાની રાજનીતિ લાવવા માંગુ છું. એક સમુદાય આયોજક અને શિક્ષક તરીકે મેં સંયુક્ત રાષ્ટ્ર અને ટ્રેડ યુનિયનો સાથે કામ કર્યું છે, તેથી હું જાણું છું કે ન્યાય માટે લડવાનો અર્થ શું થાય છે." તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ એડિનબર્ગમાં રહેતા આશ્રય શોધનારાઓ, ઈમિગ્રન્ટ્સ અને કામદાર વર્ગ માટે એક મજબૂત અવાજ બનીને ઉભરશે.
ક્રાઉડફંડિંગથી લડ્યો ચૂંટણી
મણિવન્નનનો ચૂંટણી પ્રચાર પણ અનોખો રહ્યો હતો. તેમણે ક્રાઉડફંડર પ્લેટફોર્મ દ્વારા સામાન્ય જનતા પાસેથી ૧,૬૦૦ પાઉન્ડ (આશરે ૧.૭૦ લાખ રૂપિયા) એકત્ર કર્યા હતા. શુક્રવારે જાહેર થયેલા પરિણામોમાં સ્કોટલેન્ડની જટિલ પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી હેઠળ તેઓ વિજેતા બન્યા હતા. સ્કોટિશ ગ્રીન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમને ક્યુની જીત પર ગર્વ છે. અમે યુકેની ખર્ચાળ અને પ્રતિકૂળ વિઝા સિસ્ટમ સામે લડી રહ્યા છીએ અને મણિવન્નન જેવા 'નવા સ્કોટ્સ' નું સ્વાગત કરીએ છીએ."
બદલાતું રાજકીય સમીકરણ
આ વખતની સ્થાનિક ચૂંટણીઓમાં સ્કોટલેન્ડ અને યુકેમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. જ્યાં શાસક લેબર પાર્ટીએ પીછેહઠ કરી છે, ત્યાં લેફ્ટિસ્ટ ગ્રીન્સ અને રાઇટ વિંગ રિફોર્મ યુકે જેવા પક્ષોએ મજબૂત પકડ બનાવી છે. આ માહોલમાં એક ભારતીય વિદ્યાર્થીનું સંસદ સુધી પહોંચવું એ સ્કોટલેન્ડમાં વધી રહેલી લોકશાહીની પરિપક્વતા દર્શાવે છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
