<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

જાપાનમાં 2026 એશિયન ગેમ્સમાં ભારતીય શૂટર્સ કટુ અનુભવનો ભોગ બન્યા: ખોરાક-પાણી વિના કલાકો સુધી ભટકવા મજબૂર

ગેમ્સ વિલેજના અભાવે રમતવીરોને હોટલના ફ્લોર પર સૂવાનો વારો આવ્યો: મનુ ભાકર સહિત 30 સભ્યોની ભારતીય શૂટિંગ ટીમ બે અલગ-અલગ હોટલોમાં વહેંચાઈ

નવી દિલ્હી : એશિયન ગેમ્સ 2026માં ભારત માટે સૌથી વધુ મેડલની આશા ધરાવતી શૂટિંગ ટુકડી જાપાન પહોંચતા જ ભારે ગેરવ્યવસ્થા અને અવ્યવસ્થાનો ભોગ બની છે. દેશનું પ્રતિનિધિત્વ કરવા પહોંચેલા ભારતીય શૂટર્સને રહેઠાણ, ખોરાક અને પાણી જેવી પાયાની સુવિધાઓ માટે કલાકો સુધી હેરાન થવું પડ્યું હતું. પેરિસ ઓલિમ્પિક સ્ટાર મનુ ભાકર સહિત 30 સભ્યોની ભારતીય ટીમ આઈચી-નાગોયા પહોંચી ત્યારે સ્થાનિક આયોજકોની બેદરકારી સામે આવી હતી.

અહેવાલો અનુસાર, ભારતીય શૂટિંગ ટીમ સવારે 9 વાગ્યે એરપોર્ટ અને વેરીફિકેશન સેન્ટર ખાતે પહોંચી ગઈ હતી, પરંતુ તેમને રહેવા માટે હોટલના રૂમ ફાળવવામાં બપોરના 2 વાગ્યા સુધીનો સમય લાગ્યો હતો. 5 કલાકથી વધુ સમય સુધી ચેક-ઈન અને પ્રોસેસિંગના નામે રમતવીરોને બેસાડી રાખવામાં આવ્યા હતા. આ ગંભીર રાહ દરમિયાન ખેલાડીઓને ખોરાક કે પીવાના પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી નહોતી.


એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે આયોજન સમિતિ દ્વારા ખર્ચ ઘટાડવાના નામે સત્તાવાર 'ગેમ્સ વિલેજ' બનાવવામાં આવ્યું નથી. તેના બદલે આયોજકોએ રમતવીરોને રોકવા માટે હોટલો, ક્રૂઝ શિપ અને કન્ટેનર આધારિત કામચલાઉ લાકડાના કોટેજનો સહારો લીધો છે.

આ આયોજનના કારણે ઊભી થયેલી મુખ્ય મુશ્કેલીઓ: એક જ હોટલમાં પૂરતા ઓરડા ન હોવાને કારણે સમગ્ર ભારતીય શૂટિંગ ટીમને બે અલગ-અલગ હોટલોમાં વિભાજિત કરી દેવામાં આવી હતી, જેનાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ એકબીજાથી અલગ પડી ગયા હતા. ભારત જ નહીં પરંતુ અન્ય દેશોના રમતવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં હોટલની લોબી અને ફ્લોર પર કલાકો સુધી વિશ્રામ કરતા અને સૂતા જોવા મળ્યા હતા.


ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સમાં શૂટિંગ એ ભારતની સૌથી સફળ રમત રહી છે. ભારતીય શૂટર્સે અત્યાર સુધીમાં એશિયન ગેમ્સના ઈતિહાસમાં કુલ 80 મેડલ દેશને અપાવ્યા છે. વર્ષ 2023ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પણ ભારતીય શૂટિંગ ટીમે 22 મેડલ જીતીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું.

આ વખતે પણ 30 સભ્યોની મજબૂત ભારતીય ટુકડી પાસેથી સુવર્ણચંદ્રકોની મોટી અપેક્ષા રાખવામાં આવી રહી છે. રમતપ્રેમીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે ભારતીય એથ્લેટ્સ આ પ્રારંભિક મુશ્કેલીઓ અને આયોજકોની ગેરવ્યવસ્થાને ભૂલીને મેદાન પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને દેશ માટે મેડલ જીતીને પાછા ફરશે.

(6:26 PM IST)