<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

ભારતીય પાસપોર્ટ પર વિદેશ પ્રવાસ અને બંગાળમાં જમીન હડપવી ભારે પડી: યુપીની કોર્ટે બાંગ્લાદેશી નાગરિકને ફટકારી જેલની સજા!

ષડયંત્રનો પર્દાફાશ: રોહિંગ્યા કેમ્પના રહેવાસીએ બલિયાના શખ્સોની મદદથી બનાવ્યા હતા નકલી દસ્તાવેજ - હુગલીમાં ગેરકાયદે જમીન નોંધણી અને સાઉદી-બહેરીનની મુસાફરી કરનાર અબ્દુલ અમીન જેલના સળિયા પાછળ

બલિયા : ઉત્તર પ્રદેશના બલિયાની એક અદાલતે રાષ્ટ્રીય સુરક્ષા અને દસ્તાવેજોની છેતરપિંડીના મામલે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બનાવટી ભારતીય પાસપોર્ટ પર વિદેશ પ્રવાસ કરવા અને પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર રીતે જમીનની નોંધણી કરાવવા બદલ એક બાંગ્લાદેશી નાગરિકને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. બલિયાના સ્પેશિયલ જજ રામકૃપાલે ગઈકાલે આરોપી અબ્દુલ અમીનને દોષિત ઠેરવીને જેલની સાથે 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

કેવી રીતે ખુલ્યો છેતરપિંડીનો ખેલ?

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, અબ્દુલ અમીન મૂળ બાંગ્લાદેશના કોક્સ બજારના રોહિંગ્યા કેમ્પનો રહેવાસી છે. વર્ષ 2023માં ATS વારાણસી યુનિટના ઇન્સ્પેક્ટર ભારત ભૂષણ તિવારીની ફરિયાદ પર તેની સામે બલિયામાં ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે અમીને બલિયાના સ્થાનિક લોકોની મદદથી ગેરકાયદેસર રીતે ભારતીય ઓળખ પત્રો અને દસ્તાવેજો મેળવ્યા હતા.

બંગાળમાં જમીન અને આરબ દેશોની સફર

આ નકલી ભારતીય દસ્તાવેજોના આધારે અમીને પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના પાંડુઆ વિસ્તારમાં આવેલા પુરુષોત્તમપુરમાં જમીનની નોંધણી કરાવી લીધી હતી. એટલું જ નહીં, તેણે છેતરપિંડીથી ભારતીય પાસપોર્ટ પણ મેળવી લીધો હતો, જેના પર તેણે બહેરીન અને સાઉદી અરેબિયા જેવા દેશોની મુસાફરી પણ કરી હતી.

કોર્ટનો કડક સંદેશ

આ કેસ આઈપીસીની વિવિધ કલમો અને વિદેશી કાયદા (Foreigners Act) હેઠળ ચલાવવામાં આવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે વિદેશી નાગરિક દ્વારા ભારતીય દસ્તાવેજોનો દુરુપયોગ એ દેશની સુરક્ષા માટે ગંભીર જોખમ છે. આ ચુકાદાથી એવા તત્વોને કડક સંદેશ મળ્યો છે જેઓ નકલી દસ્તાવેજોના આધારે ભારતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવે છે. હાલમાં અબ્દુલ અમીનને જેલ ભેગો કરવામાં આવ્યો છે અને તેને મદદ કરનાર સ્થાનિક શખ્સો સામે પણ તપાસ તેજ કરવામાં આવી છે.

(7:49 PM IST)